Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

દિલ્હીની જેમ ગુજરાતમાં પણ દલિત સમાજ માટે ‘જય ભીમ યોજના’ લાગુ કરવામાં આવશેઃસફાઇકર્મીઓના પગાર વધારીશું અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને તમને કાયમી નોકરી આપીશું : 'આપ'ની સરકાર બનશે તો 10 લાખ સરકારી નોકરીઓ આપીશું, દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપીશું, પેપર લીકને રોકીશું, આગામી એક વર્ષમાં ખાલી જગ્યાઓમાં ભરતી કરીશું: અરવિંદ કેજરીવાલ

અહંકારમાં ઉડતા લોકો જોઈ શકતા નથી કે ગરીબનો ચૂલો સળગ્યો કે નહીં: સૌ પ્રથમ સ્વચ્છતા ભારતની નહીં, પરંતુ ભારતમાં ચાલી રહેલી ગંદી રાજનીતિની થવી જોઈએઃ EVM પર જે પણ બટન છે તે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું નથી પરંતુ તમારા અને તમારા પરિવારના ભવિષ્યનું બટન છેઃચૂંટણી આવી ગઈ તો હવે જુમલાઓના કારખાનામાં નવા નવા જુમલા તૈયાર થઇ રહ્યા હશે : ભગવંત માન : 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓના જનસંવાદને સંબોધિત કર્યો : ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, યુથ પ્રેસિડેન્ટ ડો.પ્રવીણ રામ, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત

રાજકોટ તા.૨૫ :  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ ગુજરાત આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ જી અને ભગવંત માન સાહેબ બપોરે 1:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત સેંકડો કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી યુવાનો સાથે સંવાદ કરવા પહોંચ્યા. યુવાઓ સાથે સંવાદ પછી અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો અને ગેરંટી આપી. આ પછી અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી સફાઈ કામદારો સાથે વાતચીત કરવા અને તેમને ગેરંટી આપવા આવ્યા.

 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં સફાઈ કામદારોના જનસંવાદમાં જય ભીમના નારા સાથે સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી સરકારનો કોઈ મુખ્યમંત્રી તમને મળવા નથી આવ્યો.  આમ આદમી પાર્ટીના બે-બે મુખ્યમંત્રીઓ તમને મળવા આવ્યા છે. વાતાવરણ બદલાઈ રહ્યું છે, જુનો જમાના જતો રહેવાનો છે અને નવો જમાનો આવવાનો છે. હું ખૂબ જ ખુશ છું કે હમણાં જ હર્ષે મને તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું, તેણે મારું આમંત્રણ સ્વીકાર્યું અને મેં તેનું આમંત્રણ સ્વીકાર્યું. કાલે હું અને હર્ષનો આખો પરિવાર દિલ્હીમાં મારા ઘરે બેસીને ભોજન લઇશું. મારા ઘરે એમનાં ચરણ પડશે.  મારું ઘર પવિત્ર થશે, મને ઘણું ગમશે. ભગવંત માનજીએ પણ એમ કહ્યું કે અમે તેમના રહેવાની વ્યવસ્થા કરીશું.

 

 

તમે ક્યારેય કોઇ કોંગ્રેસના કોઈપણ નેતાની ઓફિસમાં જશો તો તમને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીર જોવા મળશે. જો તમે ક્યારેય ભાજપના લોકોના કાર્યાલયમાં જશો તો તમને વડાપ્રધાનની તસવીર જોવા મળશે. પરંતુ જો તમે ક્યારેય આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં જશો તો તમને કેજરીવાલ કે ભગવંત માનની તસવીર જોવા નહીં મળે, ત્યાં બાબાસાહેબ આંબેડકરની તસવીર જોવા મળે છે. આજે સમગ્ર દેશમાં માત્ર આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે બાબાસાહેબ આંબેડકરના બતાવેલા માર્ગ પર ચાલી રહી છે. અન્ય તમામ પાર્ટીઓ બાબાસાહેબ આંબેડકરને ચૂંટણી પહેલા જ યાદ કરે છે. બાબાસાહેબ આંબેડકર ઘણા સંઘર્ષ પછી કાયદા મંત્રી બન્યા. બાબાસાહેબ આંબેડકરે પોતાના જીવનમાં એક જ સંદેશ આપ્યો હતો કે, ગરીબી ત્યારે દૂર થશે, અન્યાય ત્યારે દૂર થશે,આપણા સમાજને સમાન અધિકાર ત્યારે મળશે જ્યારે દરેક બાળકને સારું શિક્ષણ મળશે. આપણે દેશની આગળ વધારવો હોય તો સારું શિક્ષણ આપવું પડશે.

દિલ્હી સરકારની તમામ શાળાઓ શાનદાર બની ગઈ છે. જો હું પોતે આ બધું શાળાઓ વિશે કહીશ તો તમે કહેશો કે કેજરીવાલ વધારી વધારીને વાત કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં 4,00,000 બાળકોએ પોતાનાં નામ પ્રાઇવેટ શાળાઓમાંથી કાઢીને સરકારી શાળાઓમાં એડમિશન લીધું છે. પ્રાઇવેટ શાળામાં જનારાઓ પણ ખુશ ન હતા. જ્યારે ઈચ્છે ત્યારે ફી વધારી દેવામાં આવતી  હતી, ઘણી પ્રાઇવેટ શાળાઓએ લુંટ મચાવી રાખી હતી. લાયબ્રેરી ફી, પિકનિક ફી, ડેવલપમેન્ટ ફી આ બધું કરીને અનેક ગણો વધારો કરવામાં આવતો હતો. ઘણા લોકોએ પ્રાઇવેટ શાળાઓમાંથી તેમના નામ પણ કઢાવી નાખ્યા કારણ કે તેઓ ફીની ચૂકવણી કરી શકતા નથી. જ્યારે અમે દિલ્હીમાં સરકાર સંભાળી ત્યારે આ સ્થિતિ હતી અને આજે ગુજરાતમાં પણ છે. આજે, 7 વર્ષ પછી, અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી છે.અમે બાબાસાહેબના સપનાને આગળ વધાર્યું છે, "બાબા તેરા સપના અધૂરા, કેજરીવાલ કરેગા પૂરા." આજે દલિતોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણે છે અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યા છે. હું તમારા બાળકોને સારું શિક્ષણ આપીશ, તમારા બાળકોને સારો રોજગાર આપીશ, મને ગુજરાતમાં 5 વર્ષનો એક મોકો આપો.

તમારા મુખ્યમંત્રીને એક મહિના માટે 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે અને જો હું તમને 300 યુનિટ વીજળી મફત આપવાની વાત કરું તો તેમને મરચું લાગે છે. પંજાબમાં 51,00,000 પરિવારોનું વીજળી બિલ ઝીરો છે અને દિલ્લીમાં 350,0000 પરિવારો માટે વીજળી બીલ ઝીરો છે. દિલ્હી અને પંજાબમાં 24 કલાક વીજળી આવે છે અને વીજળીનું બિલ ઝીરો છે અને આ જાદુ ફક્ત મને જ આવડે છે. તમારી વીજળી મફત કરીશું અને મોંઘવારીથી મુક્તિ અપાવીશું.

હું અહીં જે કંઈ પણ કહું છું, તે બધું મેં દિલ્હીમાં કર્યું છે અને પંજાબમાં કરવાનું શરૂ કર્યું છે, હું ખોટું બોલતો નથી કે હું અહીં કોઈ ચૂંટણી વચન આપવા આવ્યો નથી.  મારું સપનું છે કે દેશભરના લોકોને સારું શિક્ષણ અને સારી વ્યવસ્થા મળે કારણ કે આ બધું સામાન્ય માણસનો અધિકાર છે.  દરેક મહિલાને દર મહિને હજાર રૂપિયા મળવા જોઈએ અને અમે તે આપીશું.  પરંતુ ભાજપના આ લોકો તેનો વિરોધ કરે છે અને કહે છે કે મહિલાઓને પૈસા ન મળવા જોઈએ.  દરેક બેરોજગારને રોજગાર મળવો જોઈએ.  અમે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓ આપીશું, અમે તેના માટે તમામ આયોજન કર્યું છે.  મેં દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગારી આપી છે.  ભગવંત માનજીએ પંજાબમાં છેલ્લા 6 મહિનામાં 20000 યુવાનોને નોકરી આપી છે.  અમે તમારા બાળકોને રોજગાર આપીશું અને તમને મોંઘવારીમાંથી રાહત અપાવીશું, આ માટે અમે સંપૂર્ણ આયોજન કર્યું છે.  સફાઈ વિભાગની અંદર ઘણી નવી જગ્યાઓ બનાવવામાં આવશે અને લોકોને નોકરી આપવામાં આવશે.  હમણાં જ કોઈએ કહ્યું કે પેપર લીક થાય છે.  પેપર લીક ગુજરાતમાં જ થાય છે, દિલ્હીમાં લીક નથી થતા અને પંજાબમાં પણ લીક નથી થતા.  અહીં ઘણા પેપર લીક થયા છે, પરંતુ કોઈ માસ્ટરમાઇન્ડને જેલમાં મોકલવામાં આવ્યો નથી.  પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 2015 પછી લીક થયેલા તમામ પેપરની ફરી તપાસ કરવામાં આવશે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવશે.  અમારા બાળકોનું ભવિષ્ય બરબાદ કરનાર નેતા જે પણ હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને પેપર લીક કરનારને 10 વર્ષની જેલમાં મોકલવામાં આવશે.  આજે મેં યુવાનો સાથે વાર્તાલાપ કર્યો, જેમાં મેં ભરતી કેલેન્ડર બહાર પાડ્યું.  કઇ પરીક્ષા લેવાશે અને ક્યારે એપોઇન્ટમેન્ટ થશે તેનું સંપૂર્ણ આયોજન મેં કહી દીધું છે.  બધી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને તમને તમારો હક આપવામાં આવશે.

*દિલ્હીની જેમ ગુજરાતમાં પણ દલિત સમાજ માટે ‘જય ભીમ યોજના’ લાગુ કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ*

 

સરકારી શાળાઓ આટલું શાનદાર કરી દઈશું કે, તમારે એક પણ રૂપિયાની ફી નહીં ભરવી પડે. દિલ્હીમાં, અમે કોલેજમાં એક યોજના નિકાળી છે  'જય ભીમ યોજના', આ યોજનામાં 12મું પાસ કરનારા બાળકોએ એન્જિનિયરિંગની પરીક્ષા આપવી છે, જે બાળકોએ ગ્રેજ્યુએશન કર્યું છે તેઓએ IAS પરીક્ષા આપવી છે એમના માટે આ યોજના છે. આજકાલ કોચિંગ કરવું પડે છે, કોચિંગ વિના એડમિશન મળતું નથી. કોચિંગ માટે ત્રણથી ચાર લાખ રુપીયા લાગે છે. અમે દિલ્હીમાં દલિત સમાજ માટે યોજના બનાવી છે. તમે કોચિંગમાં એડમિશન લો, તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. ગત વર્ષે 13000 બાળકોએ આ યોજનાનો લાભ લીધો હતો. ઘણા બાળકો IAS, IPS બની ગયા. એન્જિનિયરિંગમાં 1300 બાળકોએ પ્રવેશ મેળવ્યો. આ યોજનાનો અહીં લાગુ કરવામાં આવશે.

   લોકોએ કહ્યું કે પગાર ઓછો છે, પગાર ઓછો છે કારણ કે આ લોકો બધા પૈસા ખાય છે. તેમની પાસે તો દસ લાખની પેન છે, દસ લાખનો સૂટ છે, તમને મહિનાના દસ હજાર પણ મળતા નથી. તમારો પગાર વધારીશું અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને તમને કાયમી નોકરી આપીશું. દિલ્હીમાં દસ લાખ રૂપિયાના વળતરની જોગવાઈ છે, કોઈનું મૃત્યુ થાય તો હું પોતે દસ લાખનો ચેક જોઇને આવું છું. સફાઈ કામદારોને સલામતીના સાધનો આપવામાં આવતા નથી. દલિત સમાજ માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. તમારી પાસે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પાણી નથી, રસ્તા નથી, વીજળી નથી, તે બધું તમને આપશું, તે મારી ગેરંટી છે.

27 વર્ષ થઈ ગયા છે હવે તેમની નિવૃત્તિનો સમય આવી ગયો છે. તેઓએ ભૂલ કરી છે તમને કોન્ટ્રાક્ટની નોકરી આપીને, તમારે તેમને પણ કોન્ટ્રાક્ટની નોકરી આપી દીધી, પણ તમે તેમને કાયમી નોકરી આપી દીધી છે. 27 વર્ષ થઈ ગયા છે, હવે નિવૃત્તિનો સમય છે, હવે તેમને નિવૃત્ત કરો. હવે અમને પણ નોકરી આપો, અમને પણ એક મોકો આપો, અમે પણ તમને સારું કામ કરીને બતાવીશું. લોકોએ મને ઘણી ખોટી-ખરી કહી છે. કેજરીવાલ ઠગ છે, કેજરીવાલ ગુંડો છે, કેજરીવાલ ખાલિસ્તાની છે, કેજરીવાલ આતંકવાદી છે. મને આવી અપશબ્દો બોલતા નથી આવડતું, મને શાળાને સુધારવાનું આવડે છે. હું ભણેલો-ગણેલો અને ઈમાનદાર માણસ છું. હું તમારા બાળકોની શાળાઓ સુધારી નાખીશ, મારે નોકરી આપવી છે, હું તમારા બાળકોને નોકરી આપીશ, મને હોસ્પિટલ સુધારતા આવડે છે, હું તમારી મફત સારવાર કરાવીશ. કયો ઠગ બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરે છે? કયો ઠગ લોકોની સારવાર કરાવે છે?

    સફાઈકર્મીઓ સાથેના સંવાદમાં ભગવત માજીએ કહ્યું કે, આજે બધે આંદોલનો થઈ રહ્યા છે, દેખાવો થઈ રહ્યા છે, મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે, ગેસ સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે, પણ આ લોકોને ગરીબોના ચૂલાની આગ દેખાતી નથી, કારણ કે આ લોકો ખૂબ ઉંચે અહંકારના વિમાનમાં ઉડી રહ્યા છે. પરંતુ આ લોકો એવી ગેરસમજમાં છે કે લોકો સાથે જુઠ્ઠું બોલીને તેઓ તેમની પાસેથી વોટ લઇ લેશે પરંતુ આ વખતે એવું નહીં થાય કારણ કે આ સભામાં જે ભીડ ઉમટી પડી છે તેનાથી સ્પષ્ટપણે દેખાય છે કે હવે લોકો ડરવાના નથી. પહેલા આ લોકોએ ભય ફેલાવ્યો હતો કે લોકો અહીંયા નહીં જઈ શકે, લોકો ત્યાં નહીં જઈ શકે પરંતુ હવે એવું નથી. મને ખુશી છે કે તમે સિસ્ટમ સામે લડવાની હિંમત સાથે બહાર આવ્યા છો. અત્યારે હું જોઈ રહ્યો છું કે અહીં ઘણી માતાઓ અને બહેનો આવી છે, હું તમારો બધાનો આભાર માનું છું અને કહેવા માંગુ છું કે તમારા વિના ન તો ઘર ચાલી શકે છે કે ન તો દેશ ચાલી શકે છે.

 

 

અચ્છે દિનની ખબર નથી પણ 3 મહિના પછી ગુજરાતમાં સચ્ચે દિન ચોક્કસ આવવાના છે. જ્યાં કોઈ લાંચ રિશ્વત ના ચાલે, જ્યાં કોઈ ભલામણ ના ચાલે અને મેરીટના આધારે કામ થાય. અમે કાચા સરકારી અધિકારીઓને કાયમી કરવાનું શરૂ કરી દીધું છે. શિક્ષક દિવસે અમે 8300 જેટલા કાચા શિક્ષકોને કાયમી કર્યા. જો સરકારની નિયત સાફ હોય તો આ બધું થઈ શકે છે. આ લોકો સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરે છે પરંતુ આ સફાઈ કામદારોની તકલીફો તરફ આ લોકો નજર કરતા નથી. આ લોકો જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ સફાઈ કામદારોના પગારમાં વધારો કરતા નથી. સૌ પ્રથમ સ્વચ્છતા ભારતની નહીં પરંતુ ભારતમાં ચાલી રહેલી ગંદી રાજનીતિની થવી જોઈએ.

અરવિંદ કેજરીવાલજી પર પ્રહાર કરતા વિરોધીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે કેજરીવાલ આતંકવાદી છે, પરંતુ એકવાર દિલ્હીની જનતાએ 67 સીટો અને બીજી વખત 62 સીટો આપીને દેખાડ્યું કે કેજરીવાલ આતંકવાદી નથી પરંતુ અમારો પુત્ર, ભાઈ છે. શું તમે ક્યાંય જોયું છે કે કોઇ આતંકવાદી મફત શિક્ષણ, મફત સારવાર, મફત વીજળી આપે છે? પરંતુ ભાજપના લોકો માટે પંગો થઈ ગઈ છે. પહેલા આ લોકો જાતિ, ધર્મના નામે વોટ મેળવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જેના કારણે  ભાજપના નેતાઓને પણ  શાળાએ જવું પડે છે. આ લોકોને ખબર પડી ગઇ છે કે જે કામ અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં કર્યું છે, તે જ કામ ગુજરાતમાં કરવાની ખાતરી આપી છે. તેથી આ લોકો હમણાં થી શાળાએ જવા લાગ્યા છે.

 

 

જે ઉંમરમાં આજના યુવાનો પોતાના માતા-પિતા પાસે મોટરસાઇકલ માંગે છે, તે ઉંમરે ભગતસિંહ અંગ્રેજો પાસેથી પોતાનો દેશ માંગતા  હતા, તો આપણે ભગતસિંહના પગલે ચાલવાનું છે. ભગતસિંહે ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ક્રાંતિ લાવી હતી, તેઓ અમારી જેમ સભાઓ કરી શકતા નહીં. અરવિંદ કેજરીવાલજી જે ક્રાંતિની વાત કરી રહ્યા છે તેમાં કોઈ ગોળી,બોમ્બ કામ નહીં કરે, અમે મતદાન મથક પર જઈને ઝાડુના બટન પર મતદાન કરીને ક્રાંતિ લાવવાની વાત કરી રહ્યા છીએ. તમારે એટલું યાદ રાખવાનું છે કે EVM પર જે પણ બટન છે તે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું નથી પરંતુ તે તમારા અને તમારા પરિવારના ભવિષ્યનું બટન છે, તે પ્રગતિનું બટન છે. જો તમે ખોટું બટન દબાવો છો, તો સમજો કે તમે તમારા પરિવારનું ભવિષ્ય 5 વર્ષ માટે ગીરવે મુકી દીધું. અને જો સાચું બટન દબાવ્યું તો દિલ્હી અને પંજાબની જેમ તમારા પરિવારને પણ સારું ભવિષ્ય મળશે.

 

 

2020ની ચૂંટણીના દોઢ મહિના પહેલા અરવિંદ કેજરીવાલજીએ લોકોને કહ્યું હતું કે જો મેં છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ કર્યું હોય તો તે કામના આધારે મને વોટ આપજો. આજદિન સુધી પોતાના કામના નામે વોટ માંગી શકે તેવું કોઈ નથી. બીજી તરફ જુમલાઓના કારખાનામાં નવા નવા જુમલા તૈયાર થઇ રહ્યા હશે. ક્યાં જુમલાથી નફરત ફેલાશ, ક્યાં જુમલાથી લોકોની ભાવનાને ઠેસ પહોંચશે, ક્યાં જુમલાથી લોકો વચ્ચે લડાઈ થશે, આ બધુ અત્યારે જુમલાની ફેક્ટરીમાં તૈયારી ચાલી રહી છે. અમે પંજાબમાં છેલ્લા 6 મહિનામાં એટલું વધુ કામ કર્યું છે જેટલું કામ આ બધી પાર્ટીઓએ છેલ્લા 70 વર્ષમાં નથી કર્યું. દિલ્હી અને પંજાબની ચૂંટણી સમયે આ લોકોએ જનતાને ઘણી લાલચ આપી હતી પરંતુ જનતાએ અમને તક આપી. અમે ઇચ્છીએ છીએ કે ગુજરાતની જનતા પણ અમને એક તક આપે કારણ કે તમારો એક વોટ તમારા પરિવારનું આવનારા 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરશે, તો જરૂરી છે કે આમ આદમી પાર્ટીને મત આપો જેથી તમને અને તમારા પરિવારને સારું ભવિષ્ય મળી શકે.

 

સફાઈકર્મીઓ સાથેના જનસંવાદના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, યુથ પ્રેસિડેન્ટ ડો.પ્રવીણ રામ, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:06 pm IST)