Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

સોખડા ચોકડી પાસેથી કારમાં ૩.૯૪ લાખના માદક ડોડવા સાથે થનારામ રાજસ્થાનીને SOG એ દબોચ્યો

ધનારામ મેઘવાળને આ પોસ ડોડવા રાજકોટ પહોંચ્યા પછી જેનો ફોન આવે તેને આપવાના હતાં : ઇન્ચાર્જ એસ. વી. ડાંગર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ જાડજા, મોહિતસિંહ જાડેજા અને કૃષ્ણસિંહ જાડેજાની ટીમની કાર્યવાહી : કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીઃ બે નંબર પ્લેટ પણ કબ્જેઃ કુલ ૭ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૩: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક દ્રવ્યના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે. રાજસ્થાનના બાડમેર પંથકનો આ શખ્સ કારમાં ખોટી નંબર પ્લેટ લગાડી માદક પોસ ડોડવાનો જથ્થો ભરીને રાજકોટ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતાં શહેર એસઓજીની ટીમે કુવાડવાની સોખડા ચોકડી પાસે વોચ રાખી રૂા. ૩,૯૪,૯૩૮ના માદક ડોડવાના જથ્થા સાથે તેને ઝડપી લઇ કુલ રૂા. ૭,૦૪,૯૩૮નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ડોડવાનો મુખ્ય સપ્લાયર પણ કારમાં સાથે હતો. તે પોલીસને જોઇ ભાગી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ શહેરમાં નારકોટીકસ પદાર્થની હેરાફેરી કે વેંચાણ કરતાં અથવા તેનો નશો કરતાં શખ્સોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવાની સુચના મળી હોઇ શહેર એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળતાં સોખડા ચોકડીએ વોચ રાખી જીજે૦૧કેએમ-૦૪૬૦ નંબરની કારને અટકાવી હતી. પણ કાર ઉભી રહેતાં જ બે પૈકીનો એક શખ્સ તેમાંથી ઉતરી દોટ મુકી ભાગી ગયો હતો. જ્યારે એકને દબોચી લેવાયો હતો. કારમાં તલાસી લેતાં અંદરથી માદક પદાર્થ પોસડોડાનો જથ્થો મળ્યો હતો. એફ.એસ.એલ. અધિકારીશ્રી વાય એચ. દવેને બોલાવી પરિક્ષણ કરાવતાં તેમણે આ પદાર્થ પોસડોડા હોવાનું જણાવતાં એનડીપીએસ એકટ હેઠળ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવાયો હતો.

ઝડપાયેલા શખ્સે પોતાનું નામ થનારામ દેરાજરામ મેઘવાળ (ઉ.વ.૩૦-રહે. હાથમા તા. રામસર જી. બાડમેર રાજસ્થાન) જણાવ્યું હતું. પોલીસે કારમાંથી રૂા. ૩,૯૪,૯૩૮ના ૧૩૧.૬૪૬ ગ્રામ પોસડોડા, રૂા. ૩ લાખની કાર, મોબાઇલ ફોન, બે ચંદીગઢ પાસીંગની ખોટી નંબર પ્લેટ તથા પ્લાસ્ટીકની કોથળી  કુલ રૂા. ૭,૦૪,૯૩૮નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભાગી ગયેલા શખ્સનું નામ ભરેશા જાટ હોવાનું કહ્યું હોઇ તેની શોધખોળ થઇ રહી છે. રાજકોટમાં આ પોસડોડા જેનો ફોન આવે તેને આપવાના હોવાનું મુખ્ય સપ્લાયર પણ ભરેશા હોવાનું તેણે રટણ કર્યુ હતું. પોલીસથી બચવા આ શખ્સોએ કારમાં ખોટી નંબર પ્લેટ પણ સાથે રાખી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ એહમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયા,  વાય. બી. જાડેજાની રાહબરીમાં એસઓજીના ઇન્ચાર્જ એસ. વી. ડાંગર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ જાડેજા, મોહિતસિંહ જાડેજા, ડ્રાઇવર હેડકોન્સ. કૃષ્ણસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(4:14 pm IST)