Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાજકોટ જિલ્લાના આઠ તાલુકાઓમાં ભારે વરસાદથી પાક અને જમીનનાં નુકસાન અંગે સર્વેની કામગીરી પુર જોશમાં: સોમવારે કામગીરી પૂર્ણ

કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમો ખેતરો ખુંદી રહી છે : આઠ તાલુકાના ૧૫૪ ગામોનો સમાવેશ

રાજકોટ,તા. ૨૫: તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા જમીન અને પાકની નુકસાનીનો સર્વે કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા સર્વેલન્સ ટીમ બનાવીને સર્વેની કામગીરી કરવાની શરૂ કરવામાં આવી છે.

કુદરતી આપત્ત્િ।ના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં થયેલા જમીન ધોવાણના કિસ્સામાં રાજય સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ નિયત નમૂનામાં કરેલ અરજી,  જરૂરી દસ્તાવેજ, નુકસાન થયેલ ખેતરનો અરજદાર સાથેનો ફોટો વગેરે સાથેની અરજી નોડલ અધિકારીને કરવાની હોય છે. સર્વેની કામગીરીમાં તમામ તાલુકા વિકાસ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

 સર્વેની આ કામગીરી અન્વયે લોધીકા, ધોરાજી, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, જામકંડોરણા, રાજકોટ અને ઉપલેટા તાલુકાના ૧૫૪ ગામો ખાતે  સર્વે કરવામાં આવશે.

આ તમામ ગામોની સર્વેની કામગીરી ૨૭ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરીને સંબંધિત નોડલ અધિકારીને સુપ્રત કરવાના આદેશો જારી કરાયા છે.

જયારે ખેતીના પાકને થયેલ નુકસાન અંગેનો સર્વે કરવા માટેની ટીમના નોડલ અધિકારી તરીકે જિલ્લા પંચાયતની ખેતી અધિકારી શ્રી એસ.પી. ગોહિલની નિમણૂક કરવામાં આવ્યા છે.પાક ધોવાણ નો સર્વે કરવા માટે તલાટી મંત્રી અને ગ્રામસેવકને સર્વે ટીમના સભ્ય બનાવવામાં આવ્યા છે તથા વિસ્તરણ અધિકારીને સુપરવાઈઝરની નિમણૂક અપાઈ છે.

રાજકોટ જિલ્લાના લોધીકા, ધોરાજી, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, કંડોરણા, રાજકોટ અને ઉપલેટા તાલુકાના ૧૫૪ ગામોમાં પાક નુકશાની ના સર્વેની કામગીરી ચાલી રહી છે.

(4:06 pm IST)