Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

લોધિકા જી.આઇ.ડી.સી.માં યોજાઇ એકપોર્ટ કોન્કલેવ

રાજકોટને એકપોર્ટ હબ બનાવવું છે : અરૂણ મહેશબાબુ

ર૦૦ થી વધુ નિકાસકારોની ઉપસ્થિતિ : કલેકટર દ્વારા ઉદ્યોગ સાહિસકોને સહયોગની ખાત્રી

રાજકોટ,તા.રપ : જિલ્લા કલેકટર  અરૂણ મહેશ બાબુ ની અધ્યક્ષતામાં લોધીકા જીઆઇડીસી ખાતે એકસપોર્ટ કોન્કલેવ યોજાયો હતો, જેમાં ૨૦૭ એકસપોર્ટર્સ સામેલ થયા હતા.

આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ૨૪થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ઉજવાઇ રહેલા વાણિજ્ય સપ્તાહ અંતર્ગત લોધિકા જિ.આઇ.ડી.સી.મેટોડા ખાતે યોજાયેલા આ એકસપોર્ટ કોન્કલેવમા જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ ઉપસ્થિત એકસપોર્ટ ક્ષેત્રના દિગ્ગજોને સંબોધતા જણાવ્યું હતું કે એકસપોર્ટ ક્ષેત્રે પ્રગતિ કરી રહેલા રાજકોટ જિલ્લાની નિકાસ આધારિત પ્રોડકટસ માટે ખૂબ મોટું માર્કેટ વિશ્વ સ્તરે ઉપલબ્ધ છે, ત્યારે રાજકોટ જિલ્લાને ભારતનુ એકસપોર્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર શક્ય તમામ સહયોગ પુરો પાડશે અને કોઈ પણ ક્ષેત્રમાં નિકાસ સંબંધિત  અગવડો પ્રત્યે સરકારનુ હંમેશા વિધેયાત્મક વલણ રહેશે. એકસપોર્ટના પ્રમોશન માટે તમામ ઉદ્યોગકારોને આગળ આવવા માટે જિલ્લા કલેકટરે ઇજન પાઠવ્યુ હતું. અને નિકાસના ક્ષેત્રે રાજકોટને સર્વોત્તમ બનાવવાની નેમ વ્યકત કરી હતી.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ તથા જી.આઇ.ડી.સી લોધિકા ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા સંયુકતપણે મેટોડા ખાતે આયોજિત આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન થયા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી કે.વી.મોરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આમંત્રિતોનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નિકાસ ક્ષેત્રના અગ્રણીઓ શ્રી વિનેશ પટેલ, જયંતિભાઈ સરધારા, ધનસુખભાઈ વોરા, પાર્થ ગણાત્રા અને જય ચંદારાણાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી નિકાસ ક્ષેત્રની વિવિધ તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે નિકાસ ક્ષેત્રમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તથા નિકાસલક્ષી વસ્તુઓના ઉપલબ્ધ બજાર વિશે ડી.જી.એફ.ટી.ના જોઇન્ટ ડાયરેકટર શ્રી અભિષેક શર્માએ વિગતવાર માહિતી રજૂ કરી હતી.

(3:30 pm IST)