Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાત્રીના ૧૨ સુધી બહાર ફરી શકશોઃ શેરીઓ, સોસાટીઓ અને ફલેટમાં ૪૦૦ની મર્યાદામાં ગરબા રમી શકાશે

નવરાત્રી ગરબા ઉજવણીમાં ભાગ લેનારે વેકસીનના બે ડોઝ લીધા હોય તે ફરજીયાત : કર્ફયુનો સમય બદલતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુધારા સાથે જાહેરનામુ આપ્યું: માસ્ક, ફેસ કવર, સોશિયલ ડિસ્ટન્સનું તમામે પાલન કરવા આદેશ

રાજકોટ તા. ૨૫: કોરોના અંતર્ગત લાગુ પાડવામાં આવેલા કર્ફયુના સમયમાં રાજ્ય સરકારે ફેરફાર કરી હવેથી રાત્રીના ૧૧ને બદલે ૧૨ વાગ્યાથી સવારના ૬ સુધી કર્ફયુ લાગુ પડશે તેવો આદેશ કરતાં  અને બીજા નિયમોમાં પણ છુટછાટ આપતાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સુધારા સાથે જાહેરનામુ બહાર પાડ્યું છે. હવેથી રાજકોટવાસીઓ રાત્રીના ૧૨ સુધી ઘર બહાર રહી શકશે. એ પછી કર્ફયુનું પોલીસ કડક પાલન કરાવશે. નવરાત્રી દરમિયાન શેરીઓ, સોસાયટીઓ, ફલેટધારકો રાત્રીના ૧૨ સુધી ૪૦૦ વ્યકિતઓની મર્યાદમાં ગરબા રમી શકશે. ગરબા-ઉજવણીમાં ભાગ લેનારે કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે ફરજીયાત રહેશે.

પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામામાં જણાવ્યું છે કે હવેથી રાતના૧૨ થી સવારના ૬ સુધી લોકોએ ઘરમાં જ રહેવું. કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં કે જાહેર સ્થળોએ ઉભા રહેવું, રખડવું નહિ અથવા પગપાળા કે વાહનો મારફતે હરવુ ફરવું નહિ. તમામ દૂકાનો, શોપીંગ કોમ્પલેક્ષ, લારીઓ-ગલ્લાઓ ગુજરી બજારો, હેર સલૂન, વાણીજ્યક સંસ્થાઓ વ્યાપારીક ગતિવિધીઓ રાતના ૧૦ સુધી ચાલુ રાખી શકાશે. રેસ્ટોરન્ટમાં પણ રાત્રીના દસ સુધી બેસવાની ૭૫ ટકા ક્ષમતા સાથે ગાઇડ લાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે. હોમ ડિલીવરી રાતના બાર સુધી થઇ શકે. બાગ બગીચાઓ રાતના ૧૦ સુધી ખુલ્લા રહેશે. લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. લગ્ન માટે ૪૦૦ લોકોની મંજુરી આપવામાં આવી છે. અંતિમક્રિયા-દફનક્રિયામાં ૧૦૦ લોકોની હાજરી માટે મંજુરી અપાઇ છે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક સમારંભો, ધાર્મિક સ્થળોએ ૪૦૦ની મર્યાદામાં લોકો એકત્રીત થઇ શકશે. શાળા કોલેજો નિયમોને આધારે શિક્ષણ વિભાગના આદેશ સુચના મુજબ ચાલુ રાખી શકાશે. વાંચનાલયો ૭૫ ટકા સાથે ચાલુ રહેશે. એસટી બસો, ખાનગી બસોને ૧૦૦ ટકા ક્ષમતા સાથે ચલાવવાની છુટ અપાઇ છે. એસી બસોમાં ૭૫ ટકાની છુટ છે. સિનેમા હોલ, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ૬૦ ટકા કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરો હજુ પણ બંધ જ રાખવાના રહેશે. નવરાત્રીમાં તેમજ દુર્ગ પુજા, શરદ પુર્ણિમા ઉત્સવ, દશેરાના તહેવારોની ઉજવણી થઇ શકશે. ગરબા-ઉજવણીમાં ભાગ લેનારાએ કોરોના વેકસીનના બે ડોઝ લ્ીધા હોય તે જરૂરી છે.  લાઉડ સ્પીકરમાં સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશે. કોમર્શિયલ ગરબાઓનું આયોજન કરવાની મનાઇ છે. શેરી, સોસાયટીઓ, ફલેટધારકો ૪૦૦ની મર્યાદમાં ગરબા રમી શકશે. માસ્ક, ફેસકવર, સોશિયલ ડિસ્ટન્સના નિયમો ફરજીયાત રહેશે.  આ જાહેરનામાનો અમલ તા. ૨૫/૯/૨૧ થી તા. ૧૦/૧૦/૨૧ સુધી કરવાનો રહેશે. 

(3:27 pm IST)