Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

શિક્ષણ બોર્ડની ૭ બેઠકો માટે મતદાનનો પ્રારંભ

રાજકોટના બે સહિત સમગ્ર ગુજરાતના ૧૦૭ કેન્દ્રો ઉપર સવારથી ધીમુ મતદાન : ૭૩૧૭૫ મતદારો : મંગળવારે મતગણત્રી : મતદાન મથકોએ ઉમેદવારોના સમર્થકોના ટોળા જામ્યા

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ૭ બેઠકો માટે ચૂંટણી યોજાયેલ છે. આજે સવારે વિરાણી હાઇસ્કુલ ખાતે ધીમુ મતદાન શરૂ થયું છે. પ્રસ્તુત તસ્વીરમાં સંચાલક મંડળના ભરતભાઇ ગાજીપરા, અજયભાઇ પટેલ, જતીનભાઇ ભરાડ, વી.કે.વાડોદરીયા, ડો. નિદત્ત બારોટ, પ્રિયવદનભાઇ કોરાટ, હરદેવસિંહ જાડેજા સહિતના નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ર૫ : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ૭ બેઠકોની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે આજે રાજકોટના ૨ મળી ગુજરાતના ૧૦૭ મતદાન મથકોએ મતદાન થઇ રહ્યું છે. શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સાવ પાંખુ મતદાન થઇ રહ્યું છે.

શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મતદાન મથકોએ શાળા સંચાલકો, શિક્ષકો, કારકૂન, આચાર્યોનો સમૂહ એકઠો થઇ રહ્યો છે.

શિક્ષણ બોર્ડ-ગાંધીનગરની સામાન્ય ચૂંટણી આજે શનિવારે યોજાઇ છે. મતદાન સવારના ૮ વાગ્યાથી સાંજના પ દરમિયાન થશે. જેની મત ગણતરી ગાંધીનગર ખાતે તા.ર૮ સપ્ટે.ને મંગળવારના સવારથી  શરૂ થશે.

અગાઉ ર૬ બેઠકોની ચૂંટણી થતી હતી. સરકારશ્રીએ બેઠકો ઘટાડતા હવે ૯ બેઠકો કરવામાં આવેલ છે.  જેમાં બી.એડ. પ્રિન્સીપાલમાં રાજકોટના ડો.નિદત બારોટ તથા સરકારી શિક્ષકોમાં ભાવનગરના વિજય ખટાણા બિનહરીફ થતા જુદા જુદા, સંવર્ગોની ૭  બેઠકોની ચુંટણી થઇ રહી છે.

 જેમાં ૭૬૧૭૫ મતદારો  છે. ગુજરાત રાજયની તમામ બેઠકોમાં તો સંચાલક મંડળની બેઠક પર સૌરાષ્ટ્રના ડો. પ્રીયવદન કોરાટ, સુરતના જગદીશ ચાવડા તથા દિપક રાજયગુરૂ અને ધંધુકાના નારણ પટેલ સહિત ૬ ઉમેદવારો મેદાનમાં છે.

વહીવટી સંઘની સીટ માટે પાટણના મુકેશ પટેલ સામે વડોદરાના હસમુખ પટેલ છે.માધ્યમિક શિક્ષકની બેઠક પર સાબરકાંઠાના હસમુખ પટેલ સામે અમદાવાદના આર.પી.પટેલ છે. જયારે ઉત્તર બુનિયાદી શાળાની બેઠક ઉપર ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સાયલાના સંજય મકવાણા સામે તાપીના બિપીન ચૌધરી અને રાધનપુરના જસવંત રાવલ  છે. આચાર્યની સીટ ઉપર મહીસાગરના જે.પી.પટેલ સામે વડોદરાના ભરતસિંહ રાઉલજી સહિત ૩ ઉમેદવારો છે.

જયારે વાલી મંડળની બેઠક ઉપર અમદાવાદના ધીરેન વ્યાસ સામે મોરબીના નિલેશ કુંડારિયા સહિત ૪ ઉમેદવારો મેદાનમાં છે. દર ૩ વર્ષે યોજાતી ચૂંટણીમાં આ વખતે ર૪ ઉમેદવારો મેદાનમાં છે. રાજયના ૧૦૭ મતદાન મથકો ઉપર શનિવારે મતદાન થશે સંચાલક મંડળમાં તીવ્ર સ્પર્ધા જોવા મળે છે. અન્ય બેઠકોમાં પણ પરાકાષ્ઠાનો ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. આ ચૂંટણીથી માધ્યમિક શિક્ષણ જગતમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જામ્યો છે. જેના ઉપર સમગ્ર રાજયના શિક્ષણ જગતની નજર છે.

(11:46 am IST)