Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રાજકોટમાં લીમડાચોકમાં નાગરિકને લાફો મારનારા ટ્રાફિક વોર્ડન એક મહિનો સસ્પેન્ડ : કોલર પકડનાર પોલીસ કોન્સ્ટેબલની બદલી

પાર્કિંગ બાબતે એક વ્યક્તિ પર વોર્ડને હાથ ઉપાડ્યો અને કોન્સ્ટેબલે કાંઠલો પકડ્યાનો વિડિઓ વાયરલ થયા બાદ કાર્યવાહી

રાજકોટના લીમડા ચોકમાં ટ્રાફિક વોર્ડન વાહનચાલકને લાફા મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. તેને લઇને સોશ્યલ મીડિયામાં લિમડા ચોક પાસે ફરજ પરના ટ્રાફિક વોર્ડન અને ટ્રાફિક પોલીસકર્મી સામે સવાલ ઉઠ્યા હતા. આ વીડિયો પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની સમે આવતા આખરે આ ટ્રાફીક વોર્ડનને એક મહિનો  માટે સસ્પેન્ડ કરાયા છે.

વીડિયોમાં જોવા મળે છે એ મુજબ, ટ્રાફીક વોર્ડન વાહન ચાલક સાથે ગુંડાગીરી કરતો હોય તેવું દેખાય છે. દરમ્યાન રાજકોટ DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ ટ્રાફિક ઈન્ચાર્જ ACP એ. બી. પટેલને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન જે કોઈ કસુરવાર હશે તેની સામે પગલાં લેવાનું  તેમણે જણાવ્યું હતું.

લીમડા ચોક પાસે પાર્કિંગ બાબતે એક વૃધ્ધ વ્યક્તિ પર વોર્ડન ને હાથ ઉપાડી લીધો અને કોન્સ્ટેબલ તે વ્યક્તિનો કાઠલો પકડી પણ લીધો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આજે બુધવારે પબ્લીક સાથે આવું વર્તન કરનાર આ જવાનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે રાજકોટ ટ્રાફીક એસીપીએ જણાવ્યું કે, ટ્રાફીક વોર્ડન શક્તિસિંહએ હોન્ડા ચોરી કર્યાની શંકાએ એક વ્યક્તિ સાથે ઝપાઝપી કરી હતી. જે અંગે શક્તિસિંહ અને LR ધર્મેન્દ્ર દેવશીએ એક વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જઈને પણ માથાકુટ કરી હતી. જેમાં તપાસ કરવામાં આવી હતી. જેને પગલે આ ટ્રાફિક વોર્ડન શક્તિસિંહને 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે બીજા પોલીસ કોન્સ્ટેબલની બદલી કરી દેવામાં આવી છે.

(8:40 pm IST)