Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પોલીસ-પ્રજા વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે વ્યવહાર-વર્તુણક સુધારોઃ ડીસીપી મનોહરસિંહ જાડેજાનો આદેશ

મોર્નિંગ રોલ કોલ યોજાયોઃ એસીપી ટ્રાફિક એસ. ડી. પટેલ અને નિવૃત આરટીઓ જે. વી. શાહે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું

રાજકોટ તા. ૨૫: શહેરમાં નવા ટ્રાફિક નિયમોની અમલવારી શરૂ થયા પછી અવાર-નવાર ફરજ પરના ટ્રાફિક પોલીસ તથા અન્ય પોલીસ કર્મચારીઓ અને વોર્ડન સાથે વાહન ચાલકો-નાગરિકોને કોઇને કોઇ મુદ્દે માથાકુટ થતી રહે છે. ઘણીવાર મારામારી પણ થઇ જાય છે. એ વખતા વિડીયો અને ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ પણ થાય છે. આવું ન થાય અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ પબ્લીક સાથેનું વર્તન-વ્યવહાર સુધારે એ માટે જરૂરી સુચના આપવા આજે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ મોર્નિંગ રોલકોલ યોજી ઉપસ્થિત તમામને ખાસ આદેશો આપ્યો હતો.

નવા ટ્રાફિક નિયમોના પાલન કરાવતી વેળાએ શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થાય છે અને તેના વિડીયો વાયરલના બનાવો બનતા રહે છે. આ બાબતે ધ્યાને લઇ શહેર ટ્રાફિકના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને પબ્લીક સાથેની વર્તુણક અને વ્યવહાર અંગે જરૂરી માર્ગદર્શન આપવા તથા સુચના આપવા માટે આજે પોલીસ હેડકવાર્ટર ખાતે મોર્નિંગ રોલકોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત આરટીઓ અધિકારી જે.વી. શાહ, ઇન્ચાર્જ ટ્રાફિક એસીપી એસ. ડી. પટેલ તથા ટ્રાફિક શાખાના ૧૫૦ કર્મચારીઓ હાજર રહ્યા હતાં. જે.વી. શાહે પ્રવર્તમાન ટ્રાફિક રૂલ્સની જોગવાઇઓ તથા આરટીઓ કચેરીની ટ્રાફિકને અનુરૂપ કાર્યવાહીથી માહિતગાર કરી જણાવેલ કે સરકારે નિયુકત કરેલ ગણવેશધારી પોલીસ અધિકારી અથવા આરટીઓ અધિકારી અથવા કાયદાથી આપવામાં આવેલ સત્તા ધરાવનાર વ્યકિત રોડ રોડ પર વાહન ચાલકોના આધાર પુરાવા ચેક કરી શકશે.

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલમાં પોલીસની પબ્લીક સાથેની વર્તુણકના વિડીયો વાયરલ થતા રહે છે અને ફોટા પણ સોશિયલ મિડીયામાં ફરતાં હોય છે. આવા સંજોગોમાં પોલીસની છાપ ખરાબ ન થાય  એ માટે જે તે અમલદારે પોતાની નીચે કામ કરતાં કર્મચારીઓ, માનદ સેવા આપતાં ટ્રાફિક બ્રિગેડને શિસ્તના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે કડક શબ્દોમાં જરૂરી સુચના આપવા સમજ આપી હતી.

(4:22 pm IST)