Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

જૈનમ રાસોત્સવઃ ગાયકો ખેલૈયાઓને થીરકાવશે

ગાયકો પરાગી પારેખ- ઉમેશ બારોટ- પ્રદિપ ઠકકર- પ્રિતિ ભટ્ટઃ ૧ લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ

છેલ્લા ત્રણ વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહયું છે. જેનો શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ચંદ્રકાંતભાઈ શેઠનાં પારીજાત પાર્ટી પ્લોટનાં ૩ લાખ સ્કેવર ફુટનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવનાર છે.

રાજકોટ જૈન સમાજનાં ખેલૈયાઓનાં હૈયાઓને ડોલાવવા જૈનમ દ્વારા જેબીએલ વર્ટેકસ ૪-વે લાઈનરી ૧,૦૦,૦૦૦ વોટની શાનદાર સાઉન્ડ સીસ્ટમનાં તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે.

આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિઘ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીનાં ચેરમેનશ્રી પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજનાં ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પરફોર્મન્સ યુ ટયુબ ઉપર ઘૂમ મચાવી રહયા છે તેવા કલાકારો જૈનમ્ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ધુમ મચાવશે.

પરાગી પારેખ - વલસાડ : ૧૦ વર્ષની જ ઉંમરથી ગાવાનું શરૂ કરી શરૂઆતમાં શાસ્ત્રીય સંગીત કરેલ હતી અને હાલમાં તેઓને ગાયીકી ક્ષેત્રે ૩૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ ઘણી ટીવી સીરીયલ, ડોકયુમેન્ટરી ફીલ્મ, જીંગલ અને ઓડીયો આલ્બમમાં પણ કામ કરી ચુકેલ છે,  નવરાત્રી દરમ્યાન ગુજરાતનાં અનેક શહેરોમાં કાર્યક્રમો આપી ખેલૈયાઓને ઝુમવા મજબુર કરી દીધેલ. પરાગી પારેખનાં હિન્દી અને ગુજરાતી ગીતો ઘણા ફેમસ થયા છે. તેઓએ યુરોપ, દુબઈ, લંડન અને ઓસ્ટ્રોલીયા માં દ્યણાં સ્ટેજ પ્રોગામ આપી ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ તરીકેની નામના મેળવી ચુકેલ છે.

ઉમેશ બારોટ - રાજકોટ : બાળપણથી જ સ્ટેજ ઉપર કાર્યક્રમ આપી નાનપણથી ફેમસ થયેલ, ત્યારબાદ મુંબઈનાં સુપ્રસિધ્ધ કલા ગુર્જરી કાર્યક્રમમાં તેઓ ફર્સ્ટ વિનર જાહેર થયેલ અને કલ્યાણજી આણંદજીના વરદહસ્તે એવોર્ડ પ્રાપ્ત કરેલ, ત્યારબાદ તેઓની સુમધુર કંઠ દ્વારા આલબમ બહાર પડેલ જેમાં કાનુડાની બંસીએ ધુમ મચાવેલ, નવરાત્રી દરમ્યાન ગુજરાત અને મુંબઈનાં અનેક કાર્યક્રમો આપી એક આગવી ઓળખ મેળવી ચુકેલ છે. હાલમાં તેઓનાં અનેક ગીતો યુ-ટયુબ ઉપર ધુમ મચાવી રહેલ છે અને લાખો લોકોએ લાઈકસ આપેલ છે.  ઉમેશભાઈએ પોર્ટુગલ, મસ્કત, દુબઈ, લંડન ઉપરાંત યુરોપનાં ઘણા દેશોમાં પ્રોગામ આપી લોકોની વાહ વાહ મેળવી ચુકેલ છે.

પ્રદિપ ઠક્કર - રાજકોટ : છેલ્લા ૨૨ વર્ષથી ગાયીકી ક્ષેત્રે કાર્યરત છે, તેઓ ખાસ કરીને રાસ-ગરબા, લગ્નગીત, હિન્દી ફીલ્મ જગતનાં નવા-જુના ગીતો  આ ઉ૫રાંત ગુજરાતી ગીતો અને ભકિતગીતો બહોળો અનુભવ ધરાવે છે. મુકેશજી ઓપન ગુજરાત સીગીંગ કોમ્પીટીશનમાં કુલ ૧૫૬ સ્પર્ધકોમાંથી તેઓ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે.  પ્રદિપ ઠક્કરએ જાણીતા લોકગાયકો સાથે અનેક કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં આપી ચુકેલ છે તેઓએ યુરોપ, દુબઈ, ઓસ્ટ્રેલીયા, લંડન સહીતનાં ઘણાં દેશોમાં સ્ટેજ કાર્યક્રમ આપી નામના મેળવી ચુકેલ છે. ઉપરાંત ૨૦૧૫-૧૬માં લંડન ખાતે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને ઝુમવા મજબુર કરી દીધેલ. ટુંકમાં તેઓ એક ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ તરીકેની નામના મેળવી ચુકેલ છે

પ્રિતી ભટ્ટ - રાજકોટઃ રાજકોટનાં રહેવાસી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાયીકી ક્ષેત્રે નામના મેળવી ચુકેલ પ્રિતી ભટ્ટ અર્વાચીન દાંડીયામાં એક આગવા અંદાજથી ગાઈ ખૈલૈયાઓને રમવા મજબુર કરી દેશે. પ્રિતી ભટ્ટ લેડીઝ અને જેન્ટસ બન્ને અવાજમાં રાસ ગરબા થકી સૌરાષ્ટ્રમાં નવરાત્રીની પહેલી પસંદ બની ચુકેલ છે. પ્રિતી ભટ્ટ અનેક નામી કલાકારો સાથે ગાઈ ચુકેલ છે. સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓના કાર્યક્રમમો મુખ્ય કલાકાર તરીકે સફળ બનેલ છે.

આવા અદ્ભૂત આયોજનમાં સંપૂર્ણ પારિવારીક માહોલમાં જેએસજીઆઈએફ સૌરાષ્ટ્ર રીજીયન તથા રાજકોટનાં જૈન સોશ્યલ ગ્રુપ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન,  રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સીલ્વર, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ, મીડટાઉન લેડીઝ વિંગ , સંગીની ડાઉનટાઉન, સંગની એલીટ જોડનાર છે.

પાસ તેમજ  વધુ માહીતી માટે જીતુ કોઠારી - ૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા - ૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં આકાશ ભાલાણી, ચિંતન દોશી, અમિત લાખાણિ, મૌલિક મહેતા, કેવિન ઉદાણિ, હિતેશ શાહ, ચિરાગ શાહ, ઉદય ગાંધી, હેમલ કામદાર અને કૃણાલ મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:19 pm IST)