Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કાલે રોટરી કલબ દ્વારા સિવિલમાં હ્યુમન સ્કીન બેંક અર્પણ

સામાજીક કાર્યમાં અગ્રેસર રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા દર્દીઓની સેવામાં અનોખો યજ્ઞ * મૃત્યુ બાદ અન્ય અંગની જેમ સ્કીનનું દાન કરવા જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે * ગુજરાતની સૌપ્રથમ સ્કીન બેન્ક * સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીટી બિલ્ડીંગમાં શરૂ થશે

રાજકોટ : 'અકિલા' કાર્યાલય ખાતે રોટરી કલબ ઓફ રાજકોટના ડો.હિતાબેન મહેતા, ડો.દેવવ્રત સુખવાલ, સંદિપભાઈ ગાંધી, રાજેશભાઈ કોઠારી અને પ્રશાંત પબ્લીસીટીના બકુલભાઈ મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ : સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીટી બિલ્ડીંગમાં ગુજરાતની સૌપ્રથમ હ્યુમન સ્કીન બેંક આકાર પામશે. કાલે અર્પણ વિધિ યોજવામાં આવી છે.

સામાજીક કાર્યમાં સદાયે અગ્રેસર એવી રોટરી કલબ ઓફ રાજકોટ હવે સિવિલ હોસ્પિટલ સાથે મળી ગુજરાતની સહુ પ્રથમ હ્યુમન સ્કીન બેંક કરવા જઈ રહી છે. જેની અર્પણ વિધિ તા.૨૬ સપ્ટે. ગુરૂવારના થશે. આ સ્કીન બેંક સિવિલના લીટી બેંકનો જશ ફરી રાજકોટ શહેરને જઈ રહ્યો છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા અને રોટરી કલબ ઓફ રાજકોટના સભ્યોએ જણાવ્યુ હતું કે સિવિલમાં બર્ન વોર્ડ હોઈ, સૌરાષ્ટ્રના મહત્તમ બર્ન કેસ સિવિલમાં જ આવે છે. તેથી સ્કીનની જરૂરીયાત ખૂબ જ રહે છે.

દેશમાં દરરોજ સરેરાશ ૧૦ હજાર બર્ન કેસ આવે છે. જેને સમયસર સ્કીન ન મળવાથી મૃત્યુ થાય છે. તેમના માટે સ્કીન બેંકમાં સંઘરાયેલ સ્કીન ખૂબ જ ઉપયોગી થાય છે.

ચક્ષુદાનની જેમ જ કોઈ વ્યકિતનું મૃત્યુ થાય ત્યારે ત્વચા દાન પણ થઈ શકે છે. જે પ્રક્રિયા ઘણી સહેલી છે. મૃત્યુ વ્યકિતની પીઠ કે સાથળ પરથી સ્કીન લઈ શકાય છે. ત્વચાના સાત પડ હોય છે. જેમાંથી ઉપરનું પડ જ લેવામાં આવે છે. જેથી લોહી નીકળતુ નથી. આ ત્વચા સ્કીન બેંકમાં પાંચ વર્ષ સુધી સાચવી શકાય છે.

રોટરી કલબ આ પ્રોજેકટ રોટરી ઈન્ટરનેશનલના રોટરી ફાઉન્ડેશનની ગ્લોબલ ગ્રાન્ટની મદદથી કરી રહી છે. જેમાં શ્રીમતી સરલાબેન કામદાર (નાયરોબી), રોટરી ડી.જી. પીન્કી પટેલ તથા અમેરીકાની રોટરી કલબ ઓફ કેરી કીલ્ડાઈરાના ડો.મનુભાઈ તથા પ્રમીલાબેન દોમડીયાનો સહકાર મળે છે. દોમડીયા દંપતિ તરફથી કોઈપણ સેવાકીય કાર્યમાં આર્થિક મદદ મળતી રહે છે તથા સરલાબેન કામદાર દ્વારા આ અગાઉ ન્યારી ડેમ સાઈટ ડેવલપમેન્ટમાં તેમણે સિંહફાળો આપેલ હતો. રોટરી કલબના પ્રોજેકટ કમીટીના મેમ્બર્સ રોટે ડો.હિતા મહેતા, રોટેે. ડો.દેવવ્રત સુખવાલ, રોટે. સંદિપ ગાંધી, રોટે. રાજેશ કોઠારી, રોટે. કેતન જોષી, રોટે. કિશોર દોશી, હરીશ કોઠારી તથા વિજય બદાણીએ પ્રોજેકટ પૂર્ણ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે.

તેમની અપીલ છે કે આમ જનતા એનજીઓ તથા જ્ઞાતિ મંડળો આ બાબતની જાગૃતિનું અભિયાન ઉપાડી લે તો જ સ્કીન ડોનેશન માટે લોકોની જાગૃતિ આવશે અને તો જ સ્કીન બેંકનો હેતુ સિદ્ધિ થશે.

(4:17 pm IST)