Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રીક્ષા ગેંગનો વધુ એક શિકારઃ રીસોર્ટના રસોયા જીતરાજભાઇ જોષીના ૧૪ હજાર બઠ્ઠાવી લીધા

ત્રીકોણ બાગ પાસેથી રીક્ષામાં બેઠા, રજપુતપરામાં 'આગળ જવું નથી' કહી ઉતર્યા બાદ 'કળા' થયાની ખબર પડી

રાજકોટ તા. રપઃ શહેરમાં રીક્ષા ગેંગે વધુ એક પેસેન્જરને શિકાર બનાવ્યો છે. ત્રીકોણ બાગ પાસેથી રીક્ષામાં બેઠેલા રે રેજેન્સી લગુન રીસોર્ટના રસોયાના ખીસ્સામાંથી ચાર શખ્સોએ રૂ. ૧૪ હજાર બઠ્ઠાવી લઇ રજપુતપરા પાસે ઉતારી દેતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નેપાળના મહેન્દ્રનગરના ચાંદની ગામનો વતની હાલ રાજકોટ ન્યારી ડેમ પાસે રેજેન્સી લગુન રીસોર્ટમાં રહી રસોયા તરીકે નોકરી કરતા જીતરાજભાઇ શીવપ્રસાદ જોષી (ઉ.વ. ૩૩) એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ર૦ મહિનાથી રીસોર્ટમાં રહી નોકરી કરે છે. ગત તા. ૧૮/૭ના રોજ પોતે બેંકનાં કામ માટે ત્રીકોણ બાગ પાસે આવ્યા હતા અને ઢેબર રોડ ખાતે મુથુટ ફાઇનાન્સની ઓફીસે જવું હોઇ, તેથી ત્રીકોણ બાગ આગળ ઢેબર રોડ ઉપરથી એક રીક્ષા નીકળેલ અને આ રીક્ષામાં બેસી ગયેલ રીક્ષામાં આગળથી ત્રણ શખ્સો બેઠા હતા અને રીક્ષા ચાલકને પોતે કહેલ કે, 'મારે મહેતા પેટ્રોલ પંપથી આગળ જવું છે' તેમ મેં કહેલ હતું. બાદ રીક્ષા ચાલકે રીક્ષા ભૂતખાના ચોક તરફ ચલાવેલ અને કોર્પોરેશન ચોકથી રજપુતપરા તરફ રીક્ષા વાળી દીધી હતી અને રામજી મંદિર પાસે ઉભી રાખી દઇ 'અમારે આગળ જવું નથી ઉતરી જાવ' તેમ કહેતા પોતે રીક્ષામાંથી ઉતરી ગયા બાદ રીક્ષા ચાલક નાસી ગયો હતો. બાદ પોતે પેન્ટની પાછળનું ખીસ્સું ચેક કરતાં પાકીટ ગાયબ જોતા રીક્ષામાં બેઠેલા ત્રણ શખ્સોએ પાકીટ ચોરી લીધું હોવાની ખબર પડી હતી. બાદ પોતે આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ. વી. સાખરાએ તપાસ આદરી છે. (૭.૪૧)

(4:14 pm IST)