Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રાજકોટ જેલમાં કેદીએ જીવ દીધોઃ ઓઢવાની ચાદરના લીરા કરી દોરડું બનાવ્યું, સંડાસની પાળી પર ચડી પોતાના પગ બાંધ્યા પછી પંખાના પાઇપમાં લટકી ગયો!

કોઠારીયા સોલવન્ટ ૨૫ વારીયાના રાકેશ જેરામ સોલંકી (દેવીપૂજક) (ઉ.૨૫)ને બે વર્ષ પહેલા મોરબી રોડ પર સાગ્રીત મહેશ સાથે મળી લૂંટ કરતાં ૭ વર્ષની સજા પડી'તીઃ અગાઉ હત્યામાં પણ સંડોવણી હતીઃ આપઘાતનું કારણ અકળઃ રાતે બાર વાગ્યા આસપાસ બનાવઃ જેલરે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ચોંકી ગયાઃ આપઘાત કરનાર રાકેશ પાકો કેદી હતોઃ સાતેક મહિના પહેલા કોર્ટમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો'તોઃ મુળ ટંકારાના રામપરનો વતનીઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૨૫: શહેરની મધ્યસ્થ જેલમાં મોડી રાત્રે લૂંટના ગુનામાં સંડોવાયેલા પાકા કામના કેદી કોઠારીયા સોલવન્ટ શિતળા માતાના મંદિર પાસે ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં રાકેશ જેરામભાઇ સોલંકી (ઉ.વ.૨૫) નામના દેવીપૂજક યુવાને મોડી રાતે બારેક વાગ્યા પછી જેલની હાઇસિકયુરીટી બેરેકની ખોલી નંબર-૧માં પોતાને ઓઢવા માટે અપાયેલી ચાદરના લીરા કરી (ફાડીને) તેમાંથી દોરડુ બનાવી ખોલી અંદર જ આવેલા સંડાસની પાળી ઉપર ચડી ત્યાં બેસી દોરડાથી પોતાના પગ બાંધી લઇ બાદમાં હાથમાં પણ દોરડાના આંટા મારી છેલ્લે પંખાની આડીમાં આ દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઇ છે. રાત્રીના ડ્યુટી જેલર વી.એસ. તડવી ે રૂટીન કામગીરી મુજબ જેલની તમામ બેરેક, ખોલીઓના સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતાં ત્યારે ખોલી નંબર એકમાં કેદીએ ગળાફાંસો ખાઇ લીધાની ઘટના  નિહાળતાં ચોંકી ગયા હતાં. તેઓે તાકીદે જેલના ડોકટર ચાવડાને તથા બીજા સ્ટાફને બોલાવી ખોલી નંબર-૧માં દોડી ગયા હતાં. જેલના ડોકટરે તપાસીને આ કેદીને મૃત જાહેર કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી.  કેદીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

રાત્રીના ૧૨:૦૫ કલાકે આ ઘટના બની હતી. જેની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં થતાં ઇન્ચાર્જ એએસઆઇશ્રી રાજુભાઇએ પ્ર.નગર પોલીસ મથકમાં તથા ઉચ્ચ પોલીસ અધિકારીને વાકેફ કર્યા હતાં. પ્ર.નગરના પી.આઇ. બી. એમ. કાતરીયા, પીએઅસાઇ એમ. બી. ગોસ્વામી, એએસઆઇ કનુભાઇ માલવીયા, રાઇટર કોન્સ. વિમલકુમારી સહિતનો કાફલો દોડી ગયો હતો. પંચનામુ કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રાકેશ સોલંકી (દેવીપૂજક) ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તે મુળ ટંકારાના રામપરનો વતની હતો. વધુ માહિતી મુજબ રાકેશને સાત વર્ષની જેલની સજા પડી હોઇ તેને પાકા કામના કેદી તરીકે જેલમાં રખાયો હતો. અગાઉ સાતેક મહિના પહેલા કોર્ટમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હોવાથી તેને હાઇસિકયુરીટી બેરેકની ખોલીમાં રખાયો હતો. આ ખોલીમાં તે એક જ કેદી હતો. દોઢ-બે વર્ષ પહેલા તેણે મોરબી રોડ જકાતનાકા પાસે સાગ્રીત મહેશ સાથે મળી એક લૂંટ કરી હતી. તેમજ એ પહેલા થોરાળા વિસ્તારમાં એક હત્યાના ગુનામાં પણ તેની સંડોવણી ખુલી હતી.

રાકેશે આપઘાત કઇ રીતે કર્યો? તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. રાત્રીના રાકેશ પોતાને ખોલીમાં ઓઢવા માટે અપાયેલી ચાદરને ફાડી લાંબા લીરા બનાવે છે અને એ લીરાથી દોરડુ તૈયાર કરે છે. એ પછી તે ખોલીમાં જ આવેલા દિવાલો ચણીને બનાવાયેલા ઉપરથી ખુલ્લા એવા સંડાસની પાળી પર દોરડા સાથે ચડી જાય છે અને ત્યારબાદ પાળી પર બેઠો-બેઠો દોરડાથી પોતાના પગ બાંધે છે. તેમજ હાથમાં પણ દોરડુ વીંટાળતો દેખાય છે. ત્યારબાદ હાથ ઉંચા કરી દોરડાનો છેડો પંખાની લોખંડની આડશમાં નાંખી ફાંસો તૈયાર કરી લટકી જાય છે. આ દ્રશ્યો હચમચાવી મુકે તેવા છે. પોલીસ તપાસના કામે સીસીટીવી ફૂટેજ કબ્જે કરવા કાર્યવાહી કરશે.

આપઘાત કરનાર કેદીના પરિવાજરનોને શોધવા પોલીસે દોડધામ આદરી છે. રાકેશે આપઘાત શા માટે કર્યો? તે અંગે તપાસ યથાવત રાખવામાં આવી છે. જેલમાં કેદીએ આપઘાત કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. બે દિવસ પહેલા જ કરોડોના ડ્રગ્સના કેદી મુંબઇના શખ્સનું ડેંગ્યુથી મોત થયું હતું. ત્યાં આજે લૂંટના ગુનાના પાકા કેદીએ જેલની હાઇસિકયુરીટી બેરેકની ખોલીમાં ગળાફાંસો ખાઇ જીવ દઇ દેતાં ચકચાર મચી ગઇ છે.

(4:12 pm IST)