Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ ચાલુ રાખોઃ એડવોકેટનો કલેકટરને પત્ર

ઈ-સ્ટેમ્પીંગ એ પ્રેકટીકલ નથીઃ લોકો ખૂબ જ હેરાન થશેઃ વકિલોએ શું લાઈનમાં ઉભા રહેવાનું ?! ઉઠાવેલા અનેક સવાલો

રાજકોટ, તા. ૨૫ :. શહેરના એડવોકેટ અંકિત વ્યાસે કલેકટરને પત્ર પાઠવી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપર (ફીઝીકલ)નું વેચાણ ચાલુ રાખવા માંગણી કરી હતી.

પત્રમાં ઉમેરાયુ છે કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા તાજેતરમાં નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપર (ફીઝીકલ) બંધ કરવા નિર્ણય લીધેલ છે. આ નિર્ણયને કારણે જાહેર જનતાને ખૂબ જ હાલાકી થશે કારણ કે ઈ-સ્ટેમ્પીંગ સેન્ટરો રાજકોટ શહેરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં છે, ફ્રેન્કીંગ ઘણી બધી બેંકો કરતી જ નથી તેમજ આ ઈસ્ટેમ્પીંગ પ્રોસેસમાં (૧ નંગ પ્રીન્ટ કરવામાં) ખૂબ જ સમય લાગે છે જે ખરી હકીકતે પ્રેકટીકલ નથી અને આના કારણે સેન્ટરોમાં ખૂબ જ લાંબી લાંબી કતારો લાગશે અને જાહેર જનતાનો કિંમતી સમય વેડફાશે જેના કારણે તેઓની રોજી રોટીને કામ ધંધા-નોકરીને અસર કરશે તથા ઈ-સ્ટેમ્પીંગના ફોર્મ વિગેરે અંગ્રેજી ભાષામાં ભરવાના થતા હોય ઘણા ખરા લોકોને હજુ પણ અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હોય તો જાહેર જનતા હેરાન પરેશાન થશે.

અમોએ વકીલ તરીકે કોઈ ડોકયુમેન્ટ (સાટાખત, રેન્ટ એગ્રીમેન્ટ, સોગંદનામા) કરવાના થાય તો શું ગ્રાહકોની સેવા માટે ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં કતારોમાં ઉભા રહેવાનુ ? કે ગ્રાહકોને ડોકયુમેન્ટ લઈને મોકલવાના ? તો આવી રીતે અમારે પણ ગુજરાન કેમ ચલાવવું ? તેમજ આવા ઈ-સ્ટેમ્પીંગ સેન્ટરો સાંજે ૫.૦૦ વાગ્યે બંધ કરવામાં આવતા હોય તો ત્યાર બાદના આવતા ડોકયુમેન્ટ કેવી રીતે એકઝીકયુટ કરવાના ? અને આવી બધી પરોજણમાં અમારો કોર્ટમાં કેસ બાબતે હાજર રહેવાનો સમય પણ બગડે અને કોર્ટોનો સમય પણ વેડફાય. આ તમામ વકીલોનો પ્રશ્ન છે અને રજૂઆત છે.

(4:08 pm IST)