Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તીની કાળજી પર સિનિયર સીટીઝન્સ જૈન દ્વારા વોકહાર્ટ હોસ્પીટલના ક્રિટિકલ કેર હેડ ડો. ચિરાગ માત્રાવડિયાનો વાર્તાલાપ

રાજકોટઃ 'પાનખરમાં વસંત ઋતુનો અહેસાસ'એ સૂત્ર સાથે કાર્યરત સિનિયર સીટીઝન્સ જૈન કલબ કે જેમાં લગભગ ૭૦ થી ૯૨ વર્ષની જૈફવયના દંપતિ સભ્યો છે. તે કલબના ઉપક્રમે તાજેતરમાં હોટલ પંચવટી ખાતે 'વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તીની કાળજી' એ વિષયે વોકહાર્ટ હોસ્પીટલના ક્રિટિકલ કેર હેડ ડો. ચિરાગ માત્રાવડીયાનો વાર્તાલાપ યોજવામાં આવેલ. કાર્યક્રમમાં ૨૦૦થી વધુ વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમના પ્રારંભે સિનિયર સીટીઝન્સ જૈન કલબના પ્રણેતા અને શહેરના વરિષ્ઠ અગ્રણી હરસુખભાઈ તંબોલીએ ડો. ચિરાગ માત્રાવડિયાનો પરિચય આપી પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરેલ. ડો. માત્રાવડીયાએ પ્રવચનના પ્રારંભે જણાવેલ હતુ કે ભારતમાં આજની તારીખે લગભગ ૧૨ કરોડ વૃદ્ધો છે. ૨૦૫૦ સુધીમાં આ સંખ્યા આશરે ૩૦ કરોડની થઈ જવાની છે, જે વસ્તીના લગભગ ૨૦ ટકા જેટલી હશે. ૫૦ વર્ષમાં વૃદ્ધોની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ છે. ભારતમાં વૃદ્ધોની સંખ્યા જે ઝડપે વધી રહી છે તે ઝડપે તેમના આરોગ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે શું કરવું ? તેની જાગૃતિ વધી નથી. ઉપરાંત વૃદ્ધો માટેની ખાસ સારસંભાળ અને સારવાર માટેની વ્યવસ્થા વધી રહી નથી. ૮૦ વર્ષની આસપાસના ૨૭ ટકા વૃદ્ધો પથારીવશ છે એટલે કે એમની પથારીમાં જ બધી જરૂરીયાતો પુરી કરવી પડે છે. આવા સંજોગોમાં સ્વાભાવિક જ સવાલ ઉપસ્થિત થાય કે વૃદ્ધાવસ્થામાં લાંબા અને નિરામય આયુષ્ય માટે શું કરવુ જોઈએ ? આ જ સવાલનો ઉત્તર આપવા અનુભવી વોકહાર્ટ હોસ્પીટલના ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. ચિરાગ માત્રાવડિયાને નિમંત્રણ આપી એમની પાસેથી વૃદ્ધાવસ્થા અને આરોગ્યને લગતી બાબતોની જાણકારી મેળવી હતી. ડો. ચિરાગ માત્રાવડિયાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વૃદ્ધાવસ્થાને લગતા તમામ મુદ્દાઓની એકદમ સરળ અને રસપ્રદ રજૂઆત કરી હતી. વૃદ્ધાવસ્થાની સામાજિક, આર્થિક ઉપરાંત તબીબી સમસ્યાઓની ચર્ચા કરી વૃદ્ધાવસ્થાની સામાન્ય તંદુરસ્તીની સમસ્યાઓ અને કઈ રીતે એ સમસ્યાઓનો સામનો કરવો ? એ બાબતે મહત્વપૂર્ણ અને વિશદ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, વૃદ્ધાવસ્થાને આનંદથી પસાર કરવા માટે આ તમામ સમસ્યાઓનું અસરકારક મેનેજમેન્ટ થવું જોઈએ. લાઈફ સ્ટાઈલના મોડીફીકેશનથી ઘણી બધી સમસ્યાઓને રોકી શકાય છે. જણાવ્યુ હતું કે કેટલીક સામાન્ય બાબતોથી તંદુરસ્તીની જાળવણી કરી શકાય છે. જેમ કે જરૂરીયાત મુજબ પાણી પીવું, સવાર-સાંજ નિયમીત રીતે દાંત સાફ કરવા, મોર્નિંગ વોક કરવું, શકય હોય તેવા યોગના આસનો કરવા, શારીરિક રીતે સ્વચ્છ રહેવું, ઈશ્વરની પૂજા કરવી, મનની શાંતિ માટે પ્રાર્થના કરવી, નિયમીત રીતે બ્લડપ્રેશર અને શુગરનું ચેકઅપ કરાવવું, સવારમાં હેલ્થી બ્રેકફાસ્ટ લેવો, દવાઓ નિયમીત લેવી, તબીબ પાસે નિયમીત તપાસ કરાવવી, બાળકો સાથે રમવું, કુટુંબના લોકો સાથે સમય પસાર કરવો, ટીવી જોવું, ઉંડા શ્વાસ લેવા, બાગકામ કરવું, વૃક્ષો ઉછેરવા, પોતાની ઉંમરના લોકો સાથે મુલાકાત કરી ગ્રુપ બનાવવું, તક મળે ત્યારે હસવું, રસોઈ કરવી વગેરે અનેક પ્રવૃતિથી વૃદ્ધાવસ્થાને હરીભરી બનાવી શકાય છે. લાંબુ જીવવુ હોય તો વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ અને પુરતી ઉંઘ લેવી જોઈએ. વૃદ્ધાવસ્થાની જટિલ સમસ્યાઓ જેમ કે હાર્ટએટેક અને સ્ટ્રોકથી કઈ રીતે બચવું અને આ હાર્ટએટેક અને સ્ટ્રોકના સંજોગોમાં શું ધ્યાન રાખવું ? તેની પણ ચર્ચા કરી હતી. સિનિયર સીટીઝન્સ જૈનના બહોળી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ રસપ્રદ તેમજ માહિતીપ્રદ કાર્યક્રમને માણ્યો હતો અને વધુ નિરામય અને આરોગ્યપ્રદ જીવન જીવવાની ચાવી મેળવી હતી. કાર્યક્રમના અંતે શ્રોતાઓ તરફથી પુછાયેલા વિવિધ પ્રશ્નોનો ડો. માત્રાવડીયાએ સંતોષકારક જવાબો આપેલ હતા. સિનિયર સીટીઝન્સ જૈન કલબના વરિષ્ઠ સભ્ય પ્રતાપભાઈ દોશીના હસ્તે ડો. ચિરાગ માત્રાવડીયાને સન્માન પત્ર અર્પણ કરી તેમનું બહુમાન કરેલ. કાર્યક્રમની સફળ અને સરસ વ્યવસ્થા રમણીકભાઈ મહેતા, શશીકાંતભાઈ મહેતા, મુળચંદભાઈ ખજુરીયા તથા ભૂપેન્દ્રભાઈ શેઠએ કરેલ. વોકહાર્ટ હોસ્પીટલના મીડિયા એન્ડ પી.આર. કન્સલ્ટન્ટ મનહરભાઈ મજીઠીયા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત હતા. સિનિયર સીટીઝન્સ જૈનના ઉપક્રમે તાજેતરમાં વોકહાર્ટ હોસ્પીટલના ક્રિટિકલ કેર હેડ ડો. ચિરાગ માત્રાવડિયાના વાર્તાલાપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેની તસ્વીરો. પ્રથમ તસ્વીરમાં સિનિયર સીટીઝન્સ જૈનના પ્રમુખ હરસુખભાઈ તંબોલી પ્રાસંગિક પ્રવચન કરે છે, બાજુમાં ડો. માત્રાવડિયા બેઠેલા છે, અન્ય તસ્વીરો આ કાર્યક્રમની છે.(૨-૧૯)

(4:06 pm IST)