Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સમસ્ત ચારણ ગઢવી સમાજની દીકરીઓ માતાજીના ગરબા પિરસશે

ખોડીયારનગરમાં છેલ્લા ૩૦ વર્ષથી થતું પ્રાચીન ગરબીનું આયોજનઃ બાળાઓ ટીપ્પણી રાસ, બેડા રાસ, તાલી રાસ વિ.રજૂ કરશેઃ બાળાઓ પાસેથી કોઈ ફી લેવાતી નથીઃ દરરોજ લ્હાણી અપાશે

રાજકોટ,તા.૨૫:  છેલ્લા ૩૦ ત્રીસેક વરસથી ખોડીયારનગર ગોંડલ રોડ, રાજકોટ ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ ગઢવી સમાજની બાળાઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. શહેરમાં જુદા- જુદા વિસ્તારોમાંથી આશરે ૩૨ થી વધુ બાળાઓ માતાજીના અવનવા ગરબા પિરસશે.

નવરાત્રી દરમ્યાન ૪૫ થી ૫૦ જરૂરી ચીજવસ્તુઓ, સોના- ચાંદીના દાગીના વગેરે આપવામાં આવે છે. સમગ્ર ખોડીયાર નગરના ચારણ સમાજ જ્ઞાતિનાં દરેક વડીલો, યુવાનો, માતાઓ તમામ આ કાર્યમાં સહભાગી બનતા હોવાનું યાદીમાં જણાવાયું છે. ચારણ સમાજની બાળાઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. વિનામૂલ્યે દિકરીઓને રમાડવામાં આવે છે. બાળાઓ દ્વારા ટીપ્પણીરાસ, બેડારાસ, તાલીરાસ, ખંજરીરાસ, હુડોરાસ, ભુવારાસ તેમજ ખોડીયાર માતાજીનું નાટક રજૂ કરવામાં આવે છે.

સમસ્ત ચારણ ગઢવી સમાજના આગેવાનોએ જણાવેલ કે સોનલ બીજનું આયોજન શરૂ કર્યુ તેને ૨૫ વર્ષ પુરા થાય છે. જે રજત જયંતી મહોત્સવ સોનલ બીજ તરીકે ઉજવાશે. ધો.૧૦, ૧૨ના તેજસ્વી છાત્રોને છેલ્લા ઘણા વર્ષોથી શીલ્ડ સન્માન પત્ર તેમજ રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહીત કરવામાં આવે છે. તેમજ ભોજન, પ્રસાદી, રથયાત્રા તેમજ ભવ્ય લોકડાયરો પુર્વ સંધ્યાએ યોજાતા હોવાનું જણાવાયું છે.

આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સમાજના હોદ્દેદાર સભ્યોશ્રી ઉપપ્રમુખ મહીપતભા ફુનડા, મંત્રીશ્રી પ્રવિણભાઈ વડગામા, સહમંત્રીશ્રી ભરતભા નાગૈયા, સભ્ય શ્રી કનુભા સાબા, શાંતીભા રતન તથા શૈલેષભા સાબા, દેવરાજભા બાવડા, દિલુભા રાબા, નરેશભા નાગૈયા, અજીતભાઈ કવલ, હમીર ગુઢડા, રણજીતભા બળદા, કરશનભાઈ બુદશી, કેશુભા મધુડા ૪૦ થી વધુ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ પ્રકાશભાઈ કવલ (ખોડીયાર ગઢવી યુવક મંડળ, રાજકોટ- પ્રમુખ, મો.૯૩૨૮૪ ૬૮૯૦૦)ની યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:03 pm IST)