Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ખોડલધામ વેસ્ટઝોનમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે

લેઉવા પટેલ સમાજના ભાઈ- બહેનો અને સર્વજ્ઞાતિની દીકરીઓ માટે સતત છઠ્ઠા વર્ષે આયોજનઃ ૧૭ વિઘા વિશાળ મેદાનમાં ખેલૈયાઓ રાસે રમશેઃ સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઃ પાસ વિતરણ કામગીરી ચાલુ

રાજકોટ,તા.૨૫: ખોડલધામ ટ્રસ્ટના નેઝા હેઠળ આ વર્ષે પણ વેસ્ટ ઝોન સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ઝાઝરમાન આયોજન કરાયું છે. પારિવારિક વાતાવરણમાં અને માં ખોડલના સાનિધ્યમાં આયોજીત રાસ મહોત્સવમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ પર ખેલૈયા ઝુમી ઉઠશે. આ રાસોત્સવમાં પ્રથમવાર લેઉવા પટેલ સમાજના ભાઈઓ- બહેનો ઉપરાંત સર્વે જ્ઞાતિના બહેનો પણ ગરબે ઘૂમશે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા આ વર્ષે રામધણ પાછળ, પ્રગટેશ્વર મહાદેવ મંદિર સામે, ૮૦ ફૂટ રોડ, મવડી- રાજકોટ ખાતે તા.૨૯ સપ્ટેમ્બરથી ૮ ઓકટોબર સુધી જાજમાન આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પરિવારિક વાતાવરણમાં ૬ હજાર થી વધુ ખેલૈયાઓ મન મુકીને ઝુમી શકે તેવું ૨,૯૦૦૦૦ ચો. ફુટ ગ્રાઉન્ડમાં ઝુમશે.

ગ્રાઉન્ડને કર્ણપ્રિય ધ્વનિ પુરો પાડવા માટે અતિઆધુનિક જે.બી.એલ. ૪૮૮૯- વરટેક, ૧,૫૦,૦૦૦ વોટની સાઉન્ડ સિસ્ટમ દિલ્હીથી મંગાવવામાં આવી છે. આ વર્ષે ગરબાના સિંગર કે જેઓ ગરબા લેજંડ તરીકે ખ્યાતનામ છે, એવા નિશાંત જોશી, પુજા ચૌહાણ, ઉર્વી પુરોહીત, અનિલ પટેલ અને અમિતા પટેલ તેમજ ઉદ્ઘોષક તરીકે ડો.ઉત્પલ જીવરાજાની તથા મ્યુઝિક અને રિધમમાં જેને ગુજરાતમાં ઢોલના ધિંગાણા તરીકે ઓળખાય છે એવા રહીશ હાજી વગેરે ખેલૈયાઓને રમઝટ બોલાવવા માટે મજબુર કરશે. સમગ્ર ગ્રાઉન્ડનો માહોલ નજીકથી જોઈ શકાય તે માટે ચાર વિશાળ એલ.ઈ.ડી.સ્ક્રીનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રિના નવે- નવ દિવસ દરમ્યાન વિજેતા ખેલૈયાઓ માટે ઈનામોની વણઝાર રાખવામાં આવી છે.

શ્રી ખોડલધામ નવરાત્રિ વેસ્ટ ઝોનનું આયોજન અજોડ છે, કારણ કે પાંચ વર્ષના સફળ આયોજન દરમ્યાન છેલ્લા ત્રણ વર્ષમાં સ્વચ્છતા સહિતના ૧૧ થી વધુ રેકોર્ડ નોંધાવેલ છે, અને નવરાત્રિ પર્વ તથા હિન્દુ સંસ્કૃતિની દેશ- વિદેશમાં ઓળખ ઊભી કરાવી છે. ફરી આ વર્ષે પણ આવું જ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.નવરાત્રિ પર્વમાં પરિવારોને સુરક્ષાની સૌથી વધુ ચિંતા થતી હોય છે, આવી પરિસ્થિતિમાં સિકયુરિટી ગાર્ડ લેડીઝ તથા જેંટ્સ તેમજ બાઉંન્સરની ઉપરાંત ૨૫૦થી વધુ સ્વયંસેવક ભાઈઓ- બહેનોની ટીમ મેદાનમાં તૈનાત રહેશે. પાર્કિંગ પણ વિશાળ જગ્યામાં રાખેલ છે જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ના સર્જાય.

ખોડલધામ વેસ્ટ ઝોનના પાસ મેળવવા માટે કાર્યાલય શિવાલય કોમ્પ્લેકસ, રાજ બેન્કની બાજુમાં જીથરીયા હનુમાનજીની સામે મવડી ચોકડી રાજકોટ ખાતે (મો.૯૮૭૯૭ ૯૯૩૩૩) તેમજ મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે સંપર્ક કરવો.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી ખોડલધામ વેસ્ટ ઝોનની મુખ્ય સમિતિના સર્વશ્રી જીતુભાઈ સોરઠિયા, હસમુખભાઈ લુણાગરિયા, જયેશભાઈ સોરઠિયા, ધિરજભાઈ મુંગરા, મનસુખભાઈ વેકરીયા, અનિલ ઠુંમ્મર, રાજુ કોયાણી, સંજય સાકરીયા, હરેશ સાકરીયા તથા જયેશ મેઘાણી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:58 pm IST)