Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

અમીન માર્ગ ૩ મીટર પહોળો કરવા તૈયારી

મિલ્કતો કપાત કરવી પડશેઃ ટૂંક સમયમાં બીપીએમસી એકટ હેઠળ જાહેરનામુ બહાર પડશે : ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવા તંત્રવાહકો મક્કમઃ હાલ ૧૫ મીટરનો છે તેને ૧૮ મીટર બનાવવાનું આયોજનઃ બંને બાજુએ દોઢ-દોઢ મીટર પહોળો કરાશે

રાજકોટ તા. રપ : શહેરમાં ટ્રાફીક સમસ્યા ઉકેલવા રસ્તાઓ પહોળા કરવાની કાર્યવાહી અંતર્ગત હવે અમીન માર્ગને પહોળો કરવા મ્યુ.કોર્પોરેશને તજવીજ હાથ ધરાયાનું જાણવા મળ્યું છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ કોઇપણ રસ્તાને જાહેર હીતમાં પહોળો કરવા માટે ખાનગી મીલ્કતોની કપાત માટે બી.પી.એમ.સી.એકટ હેઠળ જાહેર નામુ પ્રસિદ્ધ કરી મિલ્કતો કપાત કરી શકાય.

આ કાયદા હેઠળ હવે અમીન માર્ગને પહોળો કરવા વહીવટી પ્રક્રીયા શરૂ કરાઇ છે.

સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં અમીન માર્ગ ફાટકથી ૧પ૦ ફુટ રીંગ રોડ સુધીનો આ રાજમાર્ગ ૧પ મીટરનો છે જેને ૧૮ મીટરનો બનાવવાનું આયોજન છે એટલે કે વધુ ત્રણ મીટર પહોળો કરવાનું તંત્રનુ આયોજન છે. આ અંગે જે વહીવટી પ્રક્રિયા હાથ ધરાઇ છે. તે મુજબ અમીન માર્ગને બી.પી. એલ. સી.એકટ લાઇન ઓફ સ્ટ્રીટ નિયમ હેઠળ અમીન માર્ગ રેલ્વે ફાટકથી લઇને ૧પ૦ ફુટ રીંગ સુધીના આ રાજમાર્ગને બંને બાજુએથી ૧ાા-૧ાા મીટર પહોળો કરવા બંન્ને બાજુની ખાનગી મીલ્કતોની નડતરરૂપ કપાત માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરી અને વાંધા સુચનો મંગાવ્યા બાદ રાજકીય પાંખની વહીવટી મંજુરી મેળવીને અમીન માર્ગની નડતરરૂપ ખાનગી મીલ્કતોને કપાત કરી અસરગ્રસ્તોને રોકડ અથવા વેકલ્પીક જમીનનું વળતર આપવા કાર્યવાહી થશે જો કે પ્રક્રિયા હજુ લાંબા સમય સુધી ચાલશે.

નોંધનીય છે અગાઉ ભાવનગર રોડને આજ પ્રકારે પહોળો કરવામાં આવેલ અને હાલમાં કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકથી આગળની તરફ રસ્તો પહોળો કરવા મીલ્કત કપાતની નોટીસો અપાઇ છે.

(3:45 pm IST)