Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

૧ ઓકટોબર સુધી અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા દિવસે વરસાદની શકયતા : ૮૦% વિસ્તારો આવરી લેશે

આગાહી સમય દરમિયાન વરસાદની કુલ માત્રા ૧ થી ૪ ઈંચ સુધીની રહેશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૫ : આવતી તા.૧ ઓકટોબર એટલે કે આવતા મંગળવાર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા દિવસે વરસાદની સંભાવના રહેલી છે. આ દિવસો દરમિયાન વરસાદની કુલ માત્રા એક થી ચાર ઈંચ સુધીની રહેશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપર એક બહોળુ સરકયુલેશન છે જે ૧.૫ કિ.મી.થી ૫.૮ કિ.મી.ના લેવલ સુધી છે જે પૈકી ૧.૫ અને ૩.૧ કિ.મી.ને લાગુ અરબી સમુદ્ર ઉપર છવાયેલ છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૦.૯ કિ.મી.ના નીચલા લેવલે સૌરાષ્ટ્ર કચ્છ અને લાગુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે. આ અપરએર સાયકલોનીક સરકયુલેશનનો ટ્રફ કોંકણ તેમજ કર્ણાટકના દરિયા કિનારા તરફ લંબાય છે. આવતા દિવસોમાં મહારાષ્ટ્ર કર્ણાટકવાળુ બહોળુ સરકયુલેશન થોડુ પશ્ચિમ તરફ અને ઉત્તર બાજુ જશે. ત્યારબાદ આવતા બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર - કચ્છ લાગુ ગુજરાત રીજન ઉપર ૧.૫ કિ.મી.થી ૩.૧ કિ.મી.ના લેવલે અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાશે.

આ અપરએર સાયકલોનીક સરકયુલેશન ત્યારબાદ અરબી સમુદ્રમાં સરકે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છની નજીક જ હોવાથી તે સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા તેવા બીજા પરિબળો મજબૂત થાય તો તેના ટ્રેક માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બીજા પરિબળોની અસર રહેશે.

અશોકભાઈ કહે છે કે તા. ૨૫ થી ૧ ઓકટોબર સુધી ઓવરઓલ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે વરસાદની શકયતા છે અને સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના ૮૦ ટકા વિસ્તારો આવરી લેશે. વરસાદની કુલ માત્રા ૨૫ મી.મી.થી ૧૦૦ મી.મી. સુધીની રહેશે.

(2:45 pm IST)