Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

મનહરપુરનો દેવજી છકડાવાળો માધાપરથી આદિવાસી સગીરાનું અપહરણ કરી ગયો

બાજુની વાડીમાં બકાલુ ભરવા આવતો હોઇ ઓળખ થઇ હતીઃ ફોનમાં બાળાના પિતાને કહ્યું-તમારી દિકરી મારી સાથે જ છેઃ ગાંધીગ્રામ પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૫: જામનગર રોડ પર માધાપરમાં દુદાભાઇ પોપટભાઇ મોલીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ છોટાઉદેપુરના  આદિવાસી પરિવારની ૧૬ વર્ષ ૯ માસની દિકરી પાંચ દિવસ પહેલા ગુમ થતાં તપાસ કરતાં તેણીને જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મનહરપુરમાં રહેતો છકડો ચાલક દેવજી વેલજીભાઇ કોળી ભગાડી ગયાનું જાણવા મળતાં તેના વિરૂધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવાઇ છે.

ગાંધીગ્રામ પોલીસે આ અંગે બાળાના પિતાની ફરિયાદ પરથી દેવજી કોળી સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ તથા એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. પોતે મુળ છોટા ઉદેપુર પંથકના છે અને છ મહિનાથી માધાપરમાં વાડીમાં રહી મજૂરી કરે છે. ૨૧/૯ના સવારે ચારેક વાગ્યે પોતે અને પત્નિ જાગ્યા ત્યારે નાની દિકરી જેની ઉમર ૧૬ વર્ષ ૯ માસ છે તે જોવા ન મળતાં આસપાસની વાડીઓમાં શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો.

દરમિયાન વધુ તપાસ કરતાં તેણીને મનહરપુરનો દેવજી કોળી ભગાડી ગયાની ખબર પડી હતી. દેવજી આદિવાસી પરિવાર જે વાડીમાં રહે છે તેની બાજુની વાડીમાં છકડો લઇ બકાલુ ભરવા આવતો હોઇ જેથી તે આ પરિવારજનોને ઓળખતો હતો. તેના મોબાઇલ નંબર પર સંપર્ક કરતાં તે નંબર સતત બંધ આવે છે. જેથી તેના પર શંકા ઉપજી હતી.

૨૨/૯ના દેવજીનો ફોન ચાલુ થતાં તેણે વાત કરી હતી અને કહ્યું હતું કે-તમારી દિકરી મારી સાથે જ છે. બંને કયાં છો? એવું ફરિયાદીએ પુછતાં તેણે ફોન કાપી નાંખ્યો હતો. આજ સુધી દેવજી કે તે જેને ભગાડી ગયો એ સગીરાનો પત્તો મળ્યો ન હોઇ અંતે ફરિયાદ નોંધાવાઇ હતી. એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરીમાં તપાસ થઇ રહી છે.

(1:09 pm IST)