Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રૂખડીયાપરામાં ઢોસાના કારીગરોએ તાવીથા મુકી ધોકા ઉપાડ્યાઃ બે મિત્રોને ફટકારતાં એકની કોણી ભાંગી ગઇ

મુકેશ મકવાણા અને ધર્મેન્દ્ર ત્રિવેદી રાતે કામેથી આવી ઘર પાસે ઉભી વાતો કરતા'તા ત્યારે મદ્રાસી શખ્સે ગાળ દેતાં ના પાડતાં ડખ્ખોઃ પ્રવિણ, બાલુ અને કુમાર મદ્રાસી સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૫: રૂખડીયાપરા મફતીયાપરામાં રહેતાં અને ઢોસાની લારીમાં કામ કરતાં બે મિત્રો કોળી યુવાન અને બ્રાહ્મણ યુવાન રાતે ઘર પાસે વાતો કરતાં હતાં ત્યારે બાજમાં રહેતાં ઢોસાના અન્ય કારીગર મદ્રાસી શખ્સે ગાળો દેતાં ના પાડતાં ત્રણ મદ્રાસી શખ્સોએ ધોકા-લાકડીથી હુમલો કરતાં બ્રાહ્મણ યુવાનની કોણી ભાંગી ગઇ હતી. તેમજ કોળી યુવાનને માથા-હાથમાં ઇજા થતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે રૂખડીયાપરા ફાટક પાસે મફતીયાપરામાં રહેતાં અને ગેસ્ફોર્ડ ટોકિઝ પાસે ઢોસાની લારીમાં કામ કરતાં મુકેશ શામજીભાઇ મકવાણા (ઉ.૨૬) નામના કોળી યુવાનની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં અને ઢોસાનું કામ કરતાં પ્રવિણ મદ્રાસી, બાલુ મદ્રાસી અને કુમાર મદ્રાસી સામે ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ રાત્રીના મુકેશ અને તેનો મિત્ર ધર્મેન્દ્ર અરવિંદભાઇ ત્રિવેદી કામેથી છુટીને આવ્યા બાદ ઘર પાસે ઉભા ઉભા વાતો કરતાં હતાં ત્યારે બાજુવાળા પ્રવિણ મદ્રાસીએ ગાળો બોલતાં તેને ગાળો દેવાની ના પાડતાં ઝઘડો થયો હતો અને પ્રવિણ, બાલુ તથા કુમાર ધોકા-લાકડી સાથે ધસી આવ્યા હતાં. જેમાં મુકેશને માથામાં લાકડીનો ઘા લાગતાં ફુટ થઇ હતી. તેમજ એક શખ્સે બેઝબોલનો ધોકો મુકેશને જમણા હાથે અને ધર્મેન્દ્રને ડાબા હાથની કોણીમાં ફટકારતાં ધર્મેન્દ્રની કોણીમાં ફ્રેકચર થઇ ગયું હતું. આ ઉપરાંત ત્રણેયે ઢીકા-પાટુનો માર પણ માર્યો હતો.

પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા તથા રાઇટર વિમલકુમારીએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(1:09 pm IST)