Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રાજકોટની રાષ્ટ્રીયશાળામાં કાલે રેંટીયા બારસ ઉજવાશે : તિથિ મુજબ ગાંધીજીનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૫ : સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધી બાપુનો જન્મ ૨ ઓકટોબરના ઉજવે છે. જયારે રાષ્ટ્રીયશાળા ખાતે તીથી પ્રમાણે ભાદરવા વદ-૧૨ ના રેંટીયા બારસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે મુજબ કાલે તા. ૨૬ ના રાષ્ટ્રીયશાળા મધ્યસ્થ ખંડમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

આજથી ૮૩ વર્ષ પહેલા રાષ્ટ્રીયશાળાના સંવાહકોએ ગાંધીજીને પુછયુ કે આપનો જન્મદિન રાષ્ટ્રીયશાળામાં કઇ રીતે ઉજવણીએ? ત્યારે ખુદ બાપુએ જણાવ્યુ કે મારો જન્મદિન ઉજવવાનો  હોય નહીં. પરંતુ તમારે જો કઇ ઉજવણી કરવી હોય તો રેંટીયાની ઉજવણી કરો. ત્યારથી રાષ્ટ્રીય શાળામાં રેંટીયો અને ગાંધીજી એમ બન્નેને એકરૂપ સમજીને સમાનભાવે રેંટીયા બારસનું આધ્યાત્મિક એકત્વ પ્રસ્થાપિત કરવામાં આવ્યુ.

એ રીતે રેંટીયો ભૌતિક પદાથર્ર હોઇને દરીદ્રનારાયણ સ્વરૂપે જીવંત માનવીઓ તેને ગતિ આપીને સુતરનું નિર્માણ કરે. જેનાથી અસંખ્ય લોકોની ચેતનાને જીવન માધુર્યની અનુભૂતિ કરાવે છે. એક રેંટીયો એ બહુ મોટી કંપની જે કાપડ ઉદ્યોગના કારખાના ચલાવે તો પણ કેટલા લોકોને રોજીરોટી આપી શકે? જયારે કોઇ યંત્રો વિના પરસ્પર સંકળાઇને લાખો પરિવારોને સન્માન પૂર્વક રોજી આપી શકે એવા એ રેંટીયામાં કેટલી સંભાવના પડેલી છે? એ ગાંધીજીએ જોયુ હતુ. એટલે જ પોતાના જન્મ દિવસના સ્થાને રેંટીયાની ઉજવણી કરવા તેમણે સુચવ્યુ હતુ.

બસ ત્યારથી રાષ્ટ્રીયશાળામાં રેંટીયા બારસ ઉજવવાની પરંપરાનો પ્રારંભ થયો. ત્યારે આવતી કાલે રેંટીયા બારસની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમો રાજકોટની રાષ્ટ્રીયશાળા ખાતે આયોજીત થયા છે. સમારોહના અધ્યક્ષસ્થાને સોરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઇ દેસાઇ, મુખ્ય અતિથિ તરીકે જીવન બેંકના મેનેજીંગ ડીરેકટર નરેન્દ્રસિંહ જાડેજા, સામાજીક અગ્રણી લાભુભાઇ આહીર, લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઇ પોબારૂ ઉપસ્થિત રહેશે. સાહિત્યકાર જવલંતભાઇ મનનીય વ્યાખ્યાન આપશે.

રાષ્ટ્રીયશાળાના કાંતણ વિભાગના બહેનો આ કાર્યક્રમમાં ચરખા ઉપર સામૂહિક કાંતણ કરશે. તેમજ ૮૦ વર્ષ જુની સંગીત વિદ્યાલયના શિક્ષકો- વિદ્યાર્થીઓ પોતાના સંગીતથી રેંટીયા બારસની ઉજવણી કરશે. રસ ધરાવતા સર્વેએ ઉપસ્થિત રહેવા સંસ્થાના મેનેજીંગ  ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.

(11:36 am IST)