Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીને કોર્ટમાં પડકારાશેઃ યતિશ દેસાઇ

પૂર્વ ધારાસભ્યનુ ફોર્મ કોઇપણ સંજોગોમાં મંજૂર ન થાય તેવો સુપ્રિમ કોર્ટ અને કાયદામાં નિર્દેશ હોવા છતાં સરેઆમ ઉલ્લંઘનઃ પૂર્વ ચેરમેન જૂથનો આક્ષેપ

'અકિલા' કાર્યાલયે આવેલા ગોંડલ નાગરીક બેંકના પુર્વ ચેરમેન યતીશભાઇ દેસાઇ તથા તેમના જુથના સભ્યોએ ચુંટણીને કોર્ટમાં પડકારવાનું એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું.  (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ તા. રપ :.. ગોંડલના સહકારી અગ્રણી અને ગોંડલ નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન તથા એડવોકેટ યતિશભાઇ ગોવિંદભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીને કાયદાકીય રીતે કોર્ટમાં પડકારાશે.

યતિશભાઇ દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે, ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી તા. ૧પ સપ્ટેમ્બરે ર૦૧૯ ને રવિવારના રોજ યોજાયેલ હતી. જેમાં બન્ને પક્ષમાં ૧૧ ઉમેદવાર યતિશભાઇ દેસાઇ તેમજ ૧૧ ઉમેદવાર સામાપક્ષે ઉમેદવારી કરેલ હતી. યતિશભાઇ દેસાઇએ જણાવેલ કે અમારા પક્ષે ઉમેદવારો જે ઉમેદવારી કરી રહ્યા હતાં. તેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ, વેપારી, ઓઇલ મીલર, પત્રકાર તેમજ ખેડૂત તથા ઇન્વેસ્ટમેન્ટ એકસપર્ટ સહિતના અગીયાર ઉમેદવારો હતાં. સ્વચ્છ પ્રતિભા તેમજ ડાઘ વિનાના વ્યકિતત્વ ધરાવતા ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.

જયારે સામા પક્ષે પૂર્વ ધારાસભ્ય તેમજ પોરબંદર વિસ્તારના સાંસદ તેમજ જીલ્લા ભાજપના મહામંત્રી સહિતના દિગ્ગજ અને ભાજપ સરકારમાં મોટી વગ ધરાવતા નેતાઓ એ ઉમેદવારી કરેલ જે આ મહાનુભાવોને માત્ર નવ્વાણુ (૯૯) થી ત્રણસો (૩૦૦) મતેથી માંડ માંડ જીત્યા છે. તેમ યતિશભાઇ દેસાઇએ જણાવ્યું હતું.યતિશભાઇ દેસાઇએ વધુમાં જણાવ્યું કે, ગોંડલના માજી ધારાસભ્યનું ફોર્મ કોઇપણ સંજોગોમાં મંજૂર ન થાય તેવું નામદાર સુપ્રીમ કોર્ટ અને સરકારી કાયદામાં સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ હોવા છતાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થયેલ છે.સહકારી કાયદા મુજબના બેંકના પેટા નિયમમાં કોઇપણ વ્યકિત અન્ય નાણાકીય સંસ્થા અથવા મંડળીમાં સભાસદ ન હોવા જોઇએ તેમ છતાં સાંસદે ખોટી માહિતી આપી અને પોતાનું ફોર્મ મંજુર કરાવેલ સાંસદ પોતે રાજ બેંકમાં સભાસદ છે. મોટી લોન ધરાવે છે. તેમજ શ્રી દાસી જીવણ શરાફી સહ. મંડળી લી. નાણાકીય સંસ્થાના મુખ્ય પ્રયોજક હોવા છતા પોતાના ફોર્મમાં ખોટી વિગત દર્શાવેલ છે.

આવી રીતે દિગ્ગજ નેતાઓ અને આગેવાનોની ફોજ સામાન્ય બેંકની ચુંટણીમાં ઉતારેલ હતી. છતા લોકોએ આવી સ્થિતી કરેલ તેની નોંધ ભાજપના તમામ આગેવાનોએ લેવી જોઇએ કે ગોંડલમાં તેઓની લોકોમાં શું સ્થિતી છે. લોકો શું વિચારે છે તે સમજી લેવું જોઇએ.

ઉપરોકત તમામ બાબતોને કાયદાકીય રીતે પડકારીશું તેમ યતીશભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

ગોંડલ નાગરીક બેન્કના પુર્વ ચેરમેન અને એડવોકેટ યતીશભાઇ જી.દેસાઇ, એડવોકેટ ઓમદેવસિંહ પી.જાડેજા, પત્રકાર ગૌરાંગ એસ.મહેતા, ધીરજલાલ ખાતરા, હનીભાઇ સચદે, પંકજભાઇ આસોદરીયા, પંકજભાઇ રાયચુરા, જયશ્રીબેન સુરેશભાઇ ભટ્ટી, બીનાબેન દિપુભાઇ  રૈયાણી, દિપકભાઇ સોલંકી સહિતનાએ ગોંડલ નાગરીક બેંકની ચુંટણીને કાયદાકીય રીતે કોર્ટમાં પડકારાશે તેમ જણાવ્યું છે.

(11:35 am IST)