Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા સાયકલ સબસીડીની મસમોટી જાહેરાતઃ પરંતુ લાભ માત્ર ૪૦ લોકોને મળ્યો

શહેરમાં ૧૫ જુલાઈ બાદ સાયકલ ખરીદનારને રૂ. ૧ હજારની સબસીડીઃ આ યોજનામાં ૨૪૦ અરજીઓ આવી

રાજકોટ, તા. ૨૪ :.  શહેરીજનોને  જો નવી સાઇકલ ખરીદી કરે તો મ્યુ.કોર્પોરેશન  દ્વારા  રૂ.૧૦૦૦ની સબસિડી આપવાની યોજના૨૩૪ લોકોએ અરજી કરતા ં બે મહિનામાં માત્ર ૪૦ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે.લોકો કહ્રી રહ્યા છે કે, ૧૦૦ નિયમોની આંટીધુંટીમાંથી પસાર થવું પડે છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં પર્યાવરણની જાળવણી અને સાથે શારીરિક તંદુરસ્તીના એક અભિગમ સાથે મ્યુ.કોર્પોરેશન દ્વારા કિસાનપરા ચોક, બીઆરટીએસ બસ સ્ટોપ પર, સિવિક સેન્ટર સહિતની જગ્યાએથી ભાડે સાઇકલ આપવાના સાઇકલ શેરિંગ સ્ટેન્ડ પણ રાખ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦નાં મ્યુ.કોર્પોરશેનનાં બજેટમાં  નવી સાઇકલ ખરીદવા ઇચ્છતા હોય તેને રૂ.૧ હજારની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો તા.૧૫ જુલાઇમાં પ્રારંભ થયો  છે . આ યોજનાનાં બે મહિનામાં કુલ ૨૪૦ અરજીઓ આવી છે. જેમાં ૪૦ લોકોની અરજી મંજુર થવા પામી છે. પ્રથમ તબક્કે ૫૦ લોકોનાં એકાઉન્ટમાં રૂ.૧ હજાર સબસીડી પેટે  જમા થશે. તેમ જવાબદાર અધિકારીએ જણાવ્યુ હતુ.

લાભ લેવા ઇચ્છુક હોય અને અરજી આવે તેમાંથી પ્રથમ ૧૦ હજાર લોકોને આ લાભ મળશે. શરત એટલી છે કે, કુટુંબદીઠ એક વ્યકિતને લાભ અપાશે.

લાભ કોને મળશે ?

પરિવારમાંથી એક જ વ્યકિતને સબસિડીનો લાભ મળશે, જી.એસ.ટી. સહિતનું બિલ,ચેસીસ નંબર સાથેની વિગતો નિયત અરજી ફોર્મમાં આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે, અરજી કરનારના નામનું જ બિલ હોવું જોઇએ, સાઇકલના ટાયરની સાઇઝ ૨૪ ઇંચ કે તેથી વધુ હોવી જોઇએ. નાના ટાયરવાળી ટ્રાયસીકલને લાભ મળવાપાત્ર નહીં રહે, અરજી કરનારનું આધારકાર્ડ અને રેશનકાર્ડ રાજકોટનું જ હોવું જરૂરી છે, બેંકની વિગત સાથે કેન્સલ ચેક પણ આપવાનો રહેશે, અરજી સાથે સાઇકલનું બિલની ઝેરોક્ષ હશે તો દુકાનદારના સહી સિક્કા તેમાં અસલહોવા જોઇએ, ભારતીય કંપનીની જ બનાવટની સાઇકલ ખરીદનારને જ લાભ મળશે, મહાપાલિકાની હદમાં રહેતા હોય તે નાગરિકને જ લાભ મળશે, લાભાર્થીને રૂ.૧૦૦૦ની સબસિડી તેના બેંક ખાતામાં જ જમા મળશે. અન્ય કોઇ રીતે મળશે નહીં.

અહીં અરજી કરી શકાશે

લાભાર્થીએ ઓનલાઇન ફોર્મ ભરી શહેરની ૧૮ વોર્ડ ઓફિસમાં  જમા કરાવવાનું રહેશે. અરજી કરાયા બાદ નિયત દિવસોની અંદર લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સબસિડીની રકમ જમા થઇ જશે.

(3:26 pm IST)