Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પરંપરાગત વાનગીઓમાં લોકોનો રસ વધ્યોઃ કામીનીબેન શાહ

ઈન્સ્ટન્ટ કરતા ઓરીજનલ શ્રેષ્ઠઃ લાપસી જેવી વાનગીઓનો વિશેષ મહિમાઃ રસોઈ નિષ્ણાંત સુપ્રસિદ્ધ મહિલાઓ અકિલાના આંગણે : ઘરે બનતી વાનગીઓ સરળ, સરસ અને સસ્તીઃ રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાનો કુકીંગ વર્કશોપ યોજવાની બેલાબેન અને પ્રીતિબેનની ઈચ્છા

અમદાવાદના જાણીતા રસોઈ નિષ્ણાંત કામીનીબેન શાહ તેમજ ઈવેન્ટ ઓર્ગેનાઈઝર બેલાબેન મણીયાર અને પ્રીતીબેન ચૌહાણે આજે અકિલા કાર્યાલયની મુલાકાત લઈ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રસોઈની અવનવી વાનગીઓ અને ભાવિ આયોજન અંગે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર. આ પ્રસંગે પરેશ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ, તા. ૨૫ :. ગુજરાતની ગૃહિણીઓમાં કુકીંગ એક્ષપર્ટ તરીકે લોકપ્રિય અમદાવાદના શ્રીમતી કામીનીબેન શાહ આજે રસોઈને લગતી મેગા ઈવેન્ટ માટે રાજકોટ આવ્યા છે. બેલાબેન મણીયાર અને રાજકોટના પ્રીતિબેન ચૌહાણ દ્વારા હોટલ પંચવટી ખાતે બપોરથી સાંજ સુધી બહેનો માટે અન્યથી અનોખો રસોઈલક્ષી કાર્યક્રમ યોજાયેલ છે. કામીનીબેને લોકો ફેન્સી વાનગીઓની સાથે હવે ફરીથી પરંપરાગત વાનગીઓમાં વધુ રસ લેતા થયાનો અભિપ્રાય વ્યકત કર્યો છે. બેલાબેન અને પ્રીતિબેને ભવિષ્યમાં રાજકોટની બહેનો માટે રાષ્ટ્રીય કક્ષાના કુકીંગ એક્ષપર્ટને બોલાવી અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાની ઈચ્છા વ્યકત કરી છે.

કામીનીબેન શાહ છેલ્લા ૧૪ વર્ષથી રસોઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમની શૈલી સરળ અને રસોઈ વિષયક વિશિષ્ટ જ્ઞાનના કારણે વધુ લોકપ્રિય બન્યા છે. ભારતીય મીઠાઈઓ તેમની પ્રથમ પસંદ છે. તેમા તેમનંુ વિશેષ કૌશલ્ય છે. બંગાળના રસગુલ્લા, કચ્છનો મોહનથાળ, રાજસ્થાની ઘેવર વગેરે બનાવવામાં અને બનાવતા શીખવવામાં તેઓ નિષ્ણાંત છે. તેઓ ટીવી ચેનલોના માધ્યમથી ૧૦ વર્ષથી વધુ સમયથી પોતાના કૌશલ્યનો સમાજને લાભ આપી રહ્યા છે. આજે તેમની હાજરીમાં અમદાવાદ આયના કલબના બેલાબેન મણીયાર અને રાજકોટના કુકીંગ એક્ષપર્ટ પ્રીતિબેન ચૌહાણ દ્વારા રસોઈ સ્પર્ધા અને વર્કશોપ યોજાયેલ છે. જેમાં કામીનીબેન કાજુકત્રી, કાજુકલીગા, સંદેશ, મોહનથાળ, ઘેવર, બાલુશાહી વગેરે વાનગીઓ શીખવવા આવ્યા છે. અમદાવાદના નિષ્ણાંત મહિલાઓનો રાજકોટના બહેનોને લાભ મળે તેવો કાર્યક્રમનો હેતુ છે. આયોજન માટે પુજારા ટેલીકોમ, વસંત મસાસા, જી. ખુશાલદાસ જ્વેલર્સ, ગુલાબ તેલ, વાઘ બકરી ચા, સીટી ડેન્ટલ હોસ્પીટલ, વિનોદ બેકરી તેમજ બીગ એફએમના વિનોદભાઈનો સહયોગ મળેલ છે.

કામીનીબેને અકિલાને આંગણે જણાવેલ કે, વાનગીની બાબતમાં ઈન્સ્ટન્ટ કરતા ઓરીજીનલ શ્રેષ્ઠ છે. ફેન્સી વાનગીઓની સાથે હવે પરંપરાગત વાનગીઓ તરફ પાછા વળતા હોય તેવુ લાગે છે. પંજાબી શાક, બિહારી બેગન કી શબ્જી, યુપીની ફ્રેસ વડી, ગુજરાતના ખમણ, હાંડવો, થેપલા, ગાંઠીયા વગેરે લોકપ્રિય છે. દરેક પ્રદેશમાં કંઈકને કંઈક વાનગી વિશેષતા સાથે જે તે વિસ્તારની બહાર પણ લોકપ્રિય છે. વાનગીઓ ઘરે બનાવવાથી ગુણવત્તાપૂર્ણ બને છે તેમજ સસ્તી પડે છે. લાપસી જેવી વિસરાતી વાનગીઓ પણ અમે શીખવીએ છીએ. લાપસી શાસ્ત્રોકત દ્રષ્ટિએ સુકનનું પ્રતીક છે. તે પ્રસાદ તરીકે પણ વપરાય છે. આજે અમે નજીકમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને ભારતીય મિઠાઈઓ બનાવતા શીખવવાના છીએ. નવી નવી વાનગીઓ શીખવા માટે રસોઈ શો સબળ માધ્યમ છે. જેનાથી નવી નવી જાણકારી મળે છે. વિવિધ વાનગીઓનુ વેચાણ કરીને રોજગારી પણ મેળવી શકાય છે.

અવનવી વાનગીઓ અને રસોઈ સંબંધી વધુ માહિતી માટે પ્રીતિબેન ચૌહાણ મો. ૯૪૨૭૪ ૧૦૨૬૫ ઉપર સંપર્ક સાધી શકાય છે.(૨-૧૯)

(4:28 pm IST)