Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

યાજ્ઞિક રોડ પરથી જૂનાગઢની મેઘના વડારીયા ૧૭ દિ'થી ગુમ

રાજકોટ તા.૨૫: નાનામવા રોડ પર શ્યામલ સોસાયટીમાં પેઇન્ગ ગેસ્ટ તરીકે રહેતી પટેલ યુવતી યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસેથી લાપતા થતા એ ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ જુનાગઢ ટીંબાવાળીમાં ચિત્રલેખા એપાર્ટમેન્ટમાં રહેતી અને છેલ્લા ત્રણ માસથી રાજકોટ નાના મવા રોડ શ્યામલ સોસાયટીમાં પેઇન્ગ ગેસ્ટ તરીકે રહેતી મેઘના વિનોદભાઇ વડારીયા (ઉ.વ.૨૨) ગત તા. ૮/૯ના રોજ પિતા સાથે વિદ્યાનગર મેઇન રોડ પર દવા લેવા માટે આવી હતી. બાદ તે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસે ગયા બાદ પરત ન આવતા તેના પિતા વિનોદભાઇ તથા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા યુવતીના પિતા વિનોદભાઇએ ગત તા. ૨૪/૯ના રોજ એ ડિવીઝન પોલીસ  સ્ટેશનમાં ગુમની નોંધ કરાવતા હેડ કોન્સ. ભરતસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.ગુમ થનાર યુવતી રાજકોટમાં નાનામવા રોડ પર શ્યામલ સોસાયટીમાં પેઇન્ગ ગેસ્ટ તરીકે રહી ૧૫૦ ફુટ રોડ પર એક ઓફીસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી તેણે ગુલાબી કલરનું ટોપ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જો કોઇને આ યુવતી જોવા મળે તો એ ડિવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવો. (૧.૨૨)

(4:27 pm IST)