Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

બાળ વૈજ્ઞાનિકો કૌવત દેખાડશે

શુક્રવારથી બે દિ' વિજ્ઞાન-ગણિતની વિવિધ-કૃતિઓનું પ્રદર્શન

સરકારી-ખાનગી શાળાના ર૧૬ વિદ્યાર્થીઓ કૃષિ, સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યાયન સહિતની ૧૦૮ કૃતિઓ રજૂ કરશે : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજન

રાજકોટ તા. રપ :.. બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે તથા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ કેળવાય તે હેતુથી શહેર કક્ષાના વિવિધ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન ર૦૧૮ નું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તા. ર૮ અને ર૯ શુક્રવાર અને શનિવારે શ્યામપ્રસાદ મુખર્જી પ્રા. શાળા નં. ૬૯ અંબાજી કડવા પ્લોટ, પીડીએમ કોલેજ પાસે, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ પ્રદર્શનને શુભારંભ તા. ર૮ ના રોજ સવારે ૯ કલાકે થશે.

આ પ્રદર્શનમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંસાધન વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાયન, ગાણિતીક નિર્માણ જેવા વિભાગોમાં સરકારી શાળાની ૭૭ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ તથા ખાનગી શાળાની ૩૬ કૃતિ સહિત કુલ ૧૦૮ કૃતિઓ રજૂ થનાર છે. જેમાં કુલ ર૧૬ બાળવૈજ્ઞાનિકો ભાગ લેશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષથી શિક્ષણ સમિતિના બાળકોની કૃતિઓ રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં સિલેકટ થયેલ છે. તેમજ આ પ્રદર્શનમાં વિજેતા થયેલ કૃતિઓ રાજય કક્ષાએ ભાગ લેવા જશે.

સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન અલ્કાબેન કામદાર, શાસનાધિકારી ડી. બી. પંડયા આયોજન પરત્વે માર્ગદર્શન આપી રહ્યા છે. તા. ર૮ મી એ સવારે ૯ કલાકે પ્રદર્શન ઉદઘાટન સમારંભ યોજાશે.

ન.પ્રા.શિ. સમિતિની શાળાઓની ધો. પ થી ૮ ના મોટા છાત્રોને પ્રદર્શન જોવા માટે તા. ૨૮ મી એ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ વોર્ડ નં. ૧ થી ૧૩ ની સવારની પાળી, તે જ દિવસે બપોરે ૨.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી વોર્ડ નં. ૧ થી ૨૩ ની બપોરની શિફટની શાળાઓ તથા ૨૯ મી એ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ વોર્ડ નં. ૧૪ થી ૨૩ ની  સવારની પાળી શાળાઓને પ્રદર્શન જોવા માટેની વ્યવસ્થા કરાયેલ છે.

સમગ્ર આયોજન માટે કે.નિ. ડી.એન. ભુવાત્રા, પૂર્વિબેન ઉચાટ, તથાયુ.આર.સી. શૈલેષભાઇ ભટ્ટ, સંજયભાઇ ચાવડા, તથા દિપકભાઇ સાગઠિયા તથા તમામ સી.આર.સી. તથા વિવિધ સમિતિના કમિટી મેમ્બરો તેમજશિક્ષણ સમિતિ કચેરી સ્ટાફ તથા એસ.એસ.એ સ્ટાફ આયોજન સંભાળી રહ્યા છે. તેમ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર ની યાદીમાં જણાવાયું છે.

(4:21 pm IST)