Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વિશ્વનીડમ્ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના ભાવીનું ઘડતર

ઝૂપડપટ્ટીના બાળકોના ભણતર-ગણતર-વિકાસની હરણફાળ કષ્ટભંજનદાદાના સાનિધ્યમાં ખૂલ્લા આકાશમાં નવતર શાળા!

છેવાડાના પરિવારના ભૂલકાઓનો શિક્ષણના માધ્યમથી કોમી એખલાસ વચ્ચે બૌદ્ધિક વિકાસ

વિશ્વનીડમ્ સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃતિના એક ભાગરૂપે છોટુનગરના મફતીયાપરા પાસે આવેલ શ્રી કષ્ટભંજન મહાદેવ મંદિરના દરવાજે જાહેર રોડ પાસે બ્લેકબોર્ડ તથા ટેબલમેજ વિના ચાલતા શિક્ષણના ભગીરથ કાર્યની તસ્વીર નજરે પડે છે. બાળકો એકાગ્રતા સાથે શિક્ષણ મેળવી રહ્યા છે. સંસ્થાના શિક્ષણ અભિયાનમાં સેવાદાન આપી રહેલા અંકિતાબેન ડાભી વટભેર ટેબલની સુવિધા ના હોય પગ ઉપર પગ ચડાવીને પગનું ટેબલ બનાવીને પણ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરી રહેલા નજરે પડે છે. હોંશલા બુલંદ હોય તો કોઈ અસુવિધા નડતી નથી તે સાર્થક થઈ રહ્યુ છે.

રાજકોટ, તા. ૨૫ :. નવરા બેઠા નખ્ખોદ વાળનારા પરિબળોનો તૂટો નથી ત્યારે પોતાનામાં રહેલી શકિતનો ઝૂપડપટ્ટીના બાળકોના વિકાસ માટે સદ્ઉપયોગ કરી ભારતના ભવિષ્યરૂપી 'ગુદડી કા લાલ'ને શિક્ષણના માધ્યમથી ઉપર ઉઠાવી મુખ્ય વિચારધારા સાથે જોડવા માટેનું ભગીરથ અભિયાન વિશ્વનીડમ્ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા થઈ રહ્યુ છે. અત્યાર સુધીમાં ૯૦ બાળકો અંધકારના ઓછાયામાંથી બહાર આવ્યા છે અને આજે ૧૨ સ્લમ વિસ્તારના, ૧૨ કલરવ કેન્દ્રના અને બે હોસ્ટેલના ૧૦૦૦ બાળકો માટે ઘણી ઉચ્ચ કક્ષાની ખાનગી શાળાઓના દરવાજા ખૂલ્યા છે. ફી નહીં ભરી શકતા પરિવારોના આશરે ૧ કરોડ રૂપિયાની ફી આ ટ્રસ્ટની જહેમતથી માફ થઈ છે.

'મન હોય તો માળવે જવાય' અને સેવાની ભાવના હોય તો જાહેર રોડ પર ખૂલ્લામાં કોઈપણ સુવિધા વિના ખરેખર જરૂરતમંદ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરી શકાય તે વાત ખરા અર્થમાં સાર્થક કરવામાં આવી છે. ઝૂપડપટ્ટીઓમાં ભણવાની ઉંમરમાં શાળાએ જવાના બદલે રખડતા વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપીને કોઈપણ નાત-જાતના ભેદભાવ વિના પ્રેમાળ અને હુંફાળા વાતાવરણમાં શકય એટલી સગવડતાઓ સાથે વિકાસના માર્ગે લઈ જવા માટેનો અનેરો શ્રમયજ્ઞ નિહાળીને કોઈપણનું મન પુલંકિત બની જાય છે.

છેલ્લા ૧૦ વર્ષથી વિશ્વનીડમ્ રાંકના રતનોને ભણતા ભણતા કંઈક નવુ શિખવવા, વિકસાવવા માટે ભણતર સાથે ગણતરનું કાર્ય પણ કરે છે. ૨૦૦૫થી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દિવાળીના દિવડાઓ, ખાદી પેપરમાંથી દિવાળી કાર્ડ, ખાદી બેગ બનાવી અને શણગારીને, જૂની કંકોતરીમાંથી પર્સ, ડાયરીઓ બનાવી, બ્રેસલેટ જેવી શાળા-કોલેજોમાં વેચાણ કરી અને એ પણ બાળકો દ્વારા જ કરાવવું જેથી તેને અનુભવો મળે અને સર્વાંગી વિકાસ સાથોસાથ વિકસીત બની એક નવા ભારતના આશાનું કિરણ બની ઙ્ગઙ્ગકે તેવી પ્રવૃતિઓ ખરેખર પ્રસંશનીય છે.ઙ્ગ

વિશ્વનીડમ્ ટ્રસ્ટ દ્વારા ભણતર સાથે ગણતર, બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ઉપરાંત વિવિધ તાલીમ, પ્રવાસોનું આયોજનો કરી નિતનવા અનુભવો માટેના કાર્યો પણ થઈ રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષથી આ સંસ્થા ઝૂપડાવાસી બાળકોને ગામડાઓ, જંગલો, શહેરો, રાજસ્થાન, રાજ્યના દરીયાકાંઠા, ઐતિહાસિક સ્થળો, રાજધાની દિલ્હી, બોર્ડર પર જવાનો સાથે વાર્તાલાપ, વિવિધ રાજ્યો ઉપરાંત દેશના ફરવા લાયક સ્થળોની પણ મુલાકાત ટ્રેન, બસ તથા પ્લેનમાં કરાવી ચૂકયા છે. સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો, ભારતીય નેવીના સૈનિકો સાથે જહાજમાં પણ એક દિવસ વિતાવવાનો અનેરો લ્હાવો પૂરો પાડયો છે.

૨૦૦૨માં જુજ બાળકોથી વિશ્વનીડમ્ ચેરીટેબલ ટ્રસ્ટે શરૂ કરેલી આ અનેરી સેવાકીય અભિગમની યાત્રા આજે તો સંઘ બની ગઈ છે. ચોક્કસ ધ્યેય અને લક્ષ્ય સાથે શરૂ કરેલી માનવતાવાળ ી ભાવવનામય કાર્યયાત્રા આજે વિરાટ સ્વરૂપ લઈ ચુકી છે. બાળકોને માત્ર રમાડવા, ગીતો ગવડાવવા, અક્ષરજ્ઞાન આપવા કે નાટકો કરાવવા જેવી પ્રવૃતિથી શરૂ થયેલ આ કાર્ય અત્યારે બીબીએ, બી ટેક, બી.કોમ., એમએસડબલ્યુ, આઈટી સુધીના વિશાળ ફલક પર વિસ્તરી ચૂકી છે.

અંધકારમય ભાવિ સાથે આ પૃથ્વી પર અવતરેલો જીવ ઝૂપડાવાસીઓમાં જ જીંદગી પુરી કરે તેવા અંધકારમય ભાવીમાંથી કપડા વગરનો, ગોબરો, મેલોઘેલો જે બાળક ગંદો કચરો વિણતો હતો, ભીખ માંગતો હતો તે આજે ઈન્ટરનેટ અને કોમ્પ્યુટરના માધ્યમથી દેશ અને દુનિયા સાથે જોડાઈને 'કરલો દુનિયા મુઠ્ઠી મે' નો નારો લગાવતો થઈ જાય તો ખરેખર પ્રસંશનીય, અનુકરણીય કાર્ય જ કહેવાય. સંસ્થા એવુ કહી રહી છે કે વિશ્વનીડમ્ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ (હેપ્પી હોમ, પ્રગટેશ્વર સ્કૂલ પાસે મોટામવા, કાલાવડ રોડ-રાજકોટ)ના અભિગમથી બાળકોની રહેણીકહેણીમાં પરિવર્તન અને જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે. બાળલગ્નનું પ્રમાણ ઘટયુ છે. ઝૂપડપટ્ટીમાં રહેતા યુવાનો સારા હોદ્દા તથા સારા લોકો સાથે કામ કરતા થયા છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:20 pm IST)