Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પાળ ગામના રસ્તે ત્રણ સગીર અને બે યુવાનની જાહેરમાં બધડાટીઃ અટકાયત

તાલુકા પોલીસે હાર્દિક ઉર્ફ લાલઘોડો અને મહાવીરસિંહ ઉર્ફ માવલો તથા ત્રણ સગીર સામે કાર્યવાહી કરીઃ એક પાસે છરી હતીઃ જુના ડખ્ખાને લીધે માથાકુટ કરતા'તા

રાજકોટ તા. ૨૫: મવડીથી આગળ  પાળ તરફ જવાના રસ્તે વગળ ચોકમાં સાંજે ત્રણ સગીર અને બે યુવાન જાહેરમાં સુલેહશાંતિનો ભંગ થાય એ રીતે ધબધબાટી બોલાવતાં હોઇ પોલીસે પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જેમાં એક શખ્સ પાસેથી છરી પણ મળી આવી હતી.

તાલુકા પોલીસ મથકના કોન્સ. અશોકભાઇ ડાંગરની ફરિયાદ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૭ વર્ષના ત્રણ સગીરો તથા વિજય પ્લોટ-૯માં રહેતાં હાર્દિક ઉર્ફ લાલઘોડો પ્રવિણભાઇ સોલંકી (ઉ.૧૮) અને પુનિતનગર વિશ્વકર્મા સોસાયટી-૧૦માં રહેતાં મહાવીરસિંહ ઉર્ફ માવલો વનરાજસિંહ વાઘેલા (ઉ.૧૮) સામે આઇપીસી ૩૨૩, ૫૨૪, ૧૬૨, ૧૧૪, જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી પાંચેયની અટકાયત કરી છે.

સાંજે પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ જી.એસ. ગઢવી, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. નગીનભાઇ ડાંગર, અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે વગળ ચોક પેટ્રોલ પંપ પાસે પાંચેક શખ્સો બથમબથી કરી ધમાલ મચાવતાં હોઇ તેમજ અભદ્ર શબ્દો બોલી સુલેહ શાંતિનો ભંગ કરતાં હોઇ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પેટ્રોલ પહેલા પુરાવવા બાબતે ડખ્ખો થયો હતો.

પોલીસના કહેવા મુજબ અગાઉ મારામારીના ગુનામાં પકડાઇ ચુકેલા એક સગીર કે જેના હાથમાં ખુલ્લી છરી હતી તેને પકડવા જતાં બીજા બે શખ્સે આવી જઇ કોણ માથાકુટ કરતો હતો? હવે તેની ખેર નથી કહી ગાળો બોલી ઝપાઝપી શરૂ કરી હતી. પોલીસે બધાને છુટા પાડ્યા હતાં અને જીપમાં બેસાડ્યા હતાં. જેમાં બે પુખ્ત વયના અને ત્રણ સગીર હોઇ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૮)

(4:19 pm IST)