Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

બંછાનિધિ પાનીની રાજકોટમાં બે વર્ષ પુરાઃ સતત બીજી વખત વડાપ્રધાનનાં સ્વાગતનો મોકો મળ્યો

મ્યુ.કમિશ્નરપદનાં બે વર્ષના કાર્યકાળમાં સૌની યોજના, રેસકોર્ષ-ર, સ્માર્ટ સીટી અને ગાંધી મ્યુઝિયમ જેવા મેગા પ્રોજેકટો સાકાર કર્યા

રાજકોટ તા. ૨૫ : મ્યુ. કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધી પાનીએ રાજકોટમાં ચાર્જ સંભાળ્યાને બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. ૨૩ સપ્ટેમ્બર-૨૦૧૬ના રોજ તેઓએ રાજકોટમાં મ્યુ. કમિશ્નરનો ચાર્જ સંભાળ્યો હતો અને ત્યારથી આજ સુધીના બે વર્ષના કાર્યકાળમાં શ્રી પાનીએ અનેક મેગા પ્રોજેકટો સાકાર કરવાનું સદ્નશીબ તો મળ્યું છે પરંતુ સાથોસાથ દેશના વડાપ્રધાનનું સતત બીજી વખત સ્વાગત કરવાનો મોકો પણ તેઓને મળ્યો છે.

નોંધનિય છે કે અગાઉ સૌની યોજના થકી નર્મદાના નીર આજી ડેમમાં ઠાલવવાની મહત્વકાંક્ષી યોજનાનું લોકાર્પણ જુન ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થયું હતું ત્યારે બંછાનીધિ પાનીને તેઓનું સ્વાગત કરવાનો મોકો મળેલ અને હવે ફરી એક વખત આગામી ૩૦મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મહાત્મા ગાંધી મ્યુઝિયમનાં લોકાર્પણ માટે આવી રહ્યા છે. આમ, શ્રી પાનીને વડાપ્રધાનના સ્વાગતનો સતત બીજી વખત મોકો મળ્યો છે.

 મ્યુનિસીપલ કમિશ્નર તરીકે બંછાનિધી પાનીએ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરના ઝડપી વિકાસને આગળ ધપાવવા માળખાકીય સુવિધાઓ વધારવા ઉપર પુરતુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેના પરિણામ સ્વરૂપે આજે શહેરમાં રસ્તા, પાણી, ગટર, લાઇટની સુવિધાઓ ઝડપથી વિકસી રહી છે તેમજ રાજકોટનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયો છે. રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર તરીકે સપ્ટેમ્બર ૨૦૧૬ના ચાર્જ સંભાળતા બંછાનિધી પાનીએ કાર્યકાળને વર્ષ પૂર્ણ કર્યું છે. આ બે વર્ષમાં પાનીએ રાજકોટના વિકાસ માટે કરેલ પ્રયાસોના લેખા-જોખા જોઇએ તો ગત ચોમાસુ રાજકોટ સહિત સમગ્ર રાજયમાં નિષ્ફળ જતા ગુજરાતે દુષ્કાળની સ્થિતિ સામનો કરવો પડયો હતો. જે અંતર્ગત રાજકોટના જળાશયો તળીયા ઝાટક થઇ ગયા હતા ત્યારે શહેરને પાણી માટે માત્ર નર્મદાનો જ આધાર રહ્યો હતો. ગત રાજકોટ શહેરમાં એકાંતરા પાણી વિતરણ વ્યવસ્થા વિકટ રૂપ ધારણ ન કરે માટે સુદૃઢતાથી યુધ્ધના ધોરણે સૌની યોજના અંતર્ગત મચ્છુ ડેમ-૧થી આજી સુધી પાઇપલાઇન બિછાવી રાજકોટવાસીઓ માટે પાણીની કટોકટી હળવી કરી પ્રજાજનોને પાણીની હાલાકીનો પ્રશ્ન ઉદ્બવે નહિ માટે સફળ પ્રયત્ન હાથ ધર્યા હતા. રાજકોટનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયો શહેરમાં છેવાડાના વિસ્તારોમાં લાઇટથી વંચીત ન રહે માટે શહેરની શેરીઓ ઝળહળતી કરવામાં આવી છે. બે વર્ષના કાર્યકાળમાં આઇ-વે પ્રોજેકટ, ગાંધી મ્યુઝિયમ, ફલાવર શો અટલ સરોવર, રેસકોર્ષ-૨, દિવાળી કાર્નીવલ સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

બંછાનિધી પાનીનું અંગત...

અંગત બંછાનિધી પાની નો જન્મ ૧૫ જુલાઇ ૧૯૭૬ ના બુધ્ધાટોટા, ધન્કનાલજીલ્લાના ઓરિસ્સામાં થયો હતો. તેઓ એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે.૧૯૯૧માં ઓરીસ્સાના રાઉરકેલાની પોલીસ હાઈસ્કુલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારા બંછાનિધિ જેએનયુ (જવાહર નેહરૂ યુનિવર્સિટી)ના વિર્દ્યાર્થી પણ રહી ચૂકયા છે. જેએનયુમાં 'ધ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ પોલીટીકસ ઓર્ગેનાઈઝેશન એન્ડ ડિઝારમેન્ટ (સીઆઈપીઓડી)' વિષયની પણ ગ્રેજયુએશનની ડિગ્રી મેળવી છે. આંતરરાષ્ટ્રીય સંબંધો કોઈપણ દેશના રાજકારણ, સંસ્થાઓ, સુરક્ષા ભૂગોળ વગેરેને કેવી રીતે સ્પર્શે તેના પર આ ડ્રિગી ફોકસ કરે છે. મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની ગુજરાત કેડરના ૨૦૦૫ બેચના આઇએએસ છે. તેઓ ઓરિસ્સાના મૂળ ધન્કનાલ જિલ્લાના છે તેમણે સાબરકાંઠા અને ભાવનગરમાં કલેકટર તરીકે તેમજ અમદાવાદ અને જુનાગઢમાં ડી.ડીઓ તરીકેનો કાર્યભાર સંભાળેલ છે. ૨૦૧૪માં શ્રેષ્ઠ કલેકટર એવોર્ડ મેળવ્યો છે.

(4:19 pm IST)