Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રાજકોટમાં ૨૮૦૦ પોલીસનું સુરક્ષાચક્ર પીએમ માટે રચાશે

૯ એસપી, ૧૭ ડીવાયએસપી, ૫૭ પીઆઈ, ૧૫૮ પીએસઆઈ અને બોંબ સ્કવોડ ખડેપગે રહેશેઃ રાજકોટ સીપી અને જેસીપીની દરખાસ્તને ડીજીપી શિવાનંદ ઝાએ લીલી ઝંડી આપી : ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ગુપ્તચર તંત્રના ટોચના અધિકારીઓની બેઠકમાં નિર્ણયઃ એસપીજી અને વડાપ્રધાનના કાર્યાલયના આદેશોનો ચુસ્તતાથી અમલ કરવા માટે રાજકોટ પોલીસને સૂચનઃ ગૃહખાતા દ્વારા ઈઝરાયેલી ટેકનોલોજીનો ઉપયોગ કરવા રાજકોટ સીપીને ભલામણઃ એસપીજીના આગમન પૂર્વે જ એસપીજીની સૂચનાઓ વાયા ગાંધીનગરથી રાજકોટ પહોંચી, મહાત્મા ગાંધીજી મ્યુઝીયમના લોકાર્પણ સમયે મહાત્મા ગાંધી વિદ્યાલયમાં વધુ એક ગેઈટ બનાવાયોઃ એસપીજી અને સેન્ટ્રલ આઈબીના આદેશ મુજબ આઈબી દ્વારા સમારોહ આસપાસના સ્થળો અને લોકોની માહિતી રાતોરાત એકઠી કરાઈ

રાજકોટ, તા. ૨૫ :. પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત રાજકોટમાં ઐતિહાસિક ધરોહર સમી એક યુગની આલ્ફ્રેડ હાઈસ્કૂલ (મહાત્મા ગાંધી વિદ્યાલય) ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી તથા અન્ય પદાધિકારીઓના પ્રયાસોથી આકાર પામેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમનું વડાપ્રધાન હસ્તે લોકાર્પણ થનાર છે ત્યારે આતંકવાદી ગતિવિધિઓ તથા આઈબી ઈનપુટ ધ્યાને લઈ ૨૮૦૦ પોલીસનું જબ્બર સુરક્ષાચક્ર રચવાનો ગાંધીનગર ખાતે મળેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં નિર્ણય થયાનું ટોચના સૂત્રો જણાવે છે.

ઉકત બેઠકમાં વડાપ્રધાન કાર્યાલય અને સ્ટેટ આઈબી મારફત આવતી સેન્ટ્રલ આઈબીની તમામ સૂચનાઓનો ફોલોઅપ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરવાનો નિર્ણય પણ કરાયાનું બહાર આવ્યુ છે. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સ્થાનિક પોલીસ અને બહારના પોલીસ મળી નરેન્દ્રભાઈની સુરક્ષા માટે ૯ એસપી, ૧૭ ડીવાયએસપી, ૫૧ પીઆઈ, ૧૫૮ પીએસઆઈ, મહિલા પોલીસની ટુકડીઓ, બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ તથા ઈઝરાયેલી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવા ગૃહખાતાએ નિર્ણય કરી તેની અમલવારી કરવાની જવાબદારી આ ટેકનોલોજીથી પુરેપુરા પરિચીત એવા રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સુપ્રત કર્યાનું પણ સૂત્રો જણાવે છે. મનોજ અગ્રવાલ ઉપરાંત ટ્રાફીકનો બહોળો અનુભવ ધરાવતા રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીને પણ મહત્વની ભૂમિકા ગાંધીનગર દ્વારા સુપ્રત કરવામાં આવી છે.

દરમિયાન વડાપ્રધાન સહિતના મહાનુભાવોની સુરક્ષા માટે રચાયેલ સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપની તથા સેન્ટ્રલ આઈબીની સૂચના મુજબ મહાત્મા ગાંધી વિદ્યાલય હવે મ્યુઝીયમની આસપાસના તમામ બિલ્ડીંગો અને રહેવાસીઓની આઈબી અને સ્થાનિક પોલીસ દ્વારા ગાંધીનગરની સૂચના મુજબ પૂછપરછ કરી તેના ફીડબેક દિલ્હી મોકલાયાનું પણ સૂત્રો જણાવે છે.

મહાત્મા ગાંધી મ્યુઝીયમના લોકાર્પણ સમયે લોકોનો ઉત્સાહ જોતા ભારે ભીડ થવાની બાબત ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય ઘટના સમયે પુરતી કાળજી લઈ શકાય તે માટે સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી સાથે ચર્ચા બાદ એક વધારાનો ગેઈટ પણ બનાવવામાં આવેલ છે. જેનો દરવાજો ભાભા ગેસ્ટ હાઉસ તરફ રહેશે.

ગાંધીનગરના સૂત્રોના કથન મુજબ રાજકોટ પોલીસ કમિશ્નર તથા જોઈન્ટ પોલીસ કમિશ્નરની દરખાસ્ત કેન્દ્રમાં રાખવા સાથે આઈબી દ્વારા મળેલી ઈનપુટ અને તે સંદર્ભે ઉચ્ચ કક્ષાની બેઠકમાં થયેલા નિર્ણયો મુજબ રાજકોટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૭ એસપી, ૧૩ ડીવાયએસપી, ૩૮ પીઆઈ, ૭૫ પીએસઆઈ મળી કુલ ૨૧૦૦ પોલીસનો કાફલો રાજકોટ પોલીસને મદદ માટે આપવાનો નિર્ણય પણ થયો છે. સૂત્રોના વિશેષમાં જણાવ્યા મુજબ પ્રસંગની ગરિમાને ધ્યાને લઈ ૨૫૦ મહિલા પોલીસ, ૩ એસઆરપી કંપની પણ રાજકોટ રવાના કરવામાં આવશે.

મહાત્મા ગાંધી મ્યુઝીયમ સ્થળની રસપ્રદ તવારીખ

આલ્ફ્રેડ હાઈસ્કૂલનો પાયો ૧૮૫૩માં નખાયેલઃ જૂનાગઢના નવાબ દ્વારા બાંધકામ, બ્રિટીશ શાસનમાં સ્કૂલ બનેલી

રાજકોટ, તા. ૨૫ :. આંતરરાષ્ટ્રીય કક્ષાના ગાંધી મ્યુઝીયમનું જ્યાં લોકાર્પણ થવાનુ છે અને જ્યાં મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કરેલ તેવી આ સ્કૂલના નિર્માણની વાતો ઐતિહાસિક અને રસપ્રદ છે. આ સ્કૂલનું નિર્માણ બ્રિટીશરોના શાસન દરમિયાન થયેલ. એ સમયે પોલીટીકલ એજન્ટ કર્નલસિંઘ હતા. આલ્ફ્રેડ હાઈસ્કૂલ એ યુગમાં સૌરાષ્ટ્રની પ્રથમ અંગ્રેજી સ્કૂલ બનેલી. ૧૭ ઓકટોબર ૧૮૫૩માં જેનો પાયો નંખાયેલી તેવી આ સ્કૂલ ૧૮૫૮ સુધીમાં હાઈસ્કૂલમાં ફેરવાયેલી.શરૂઆતમાં આ સ્કૂલ રાજકોટ હાઈસ્કૂલ તરીકે જાણીતી બનેલ. ત્યાર બાદ ૧૯૦૭ના અરસામાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ નામ અપાયેલ. બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન જૂનાગઢના નવાબ મહંમદ બદરૂખાનજીના માર્ગદર્શનમાં તૈયાર થયેલ.

(4:06 pm IST)