Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

લસણના ભાવ તળીયે..હોલસેલમાં કિલો ૧ થી ૧૦ રૂ.માં વેચાય છે ! ખેડૂતોની કફોડી સ્થિતિ

પુષ્કળ ઉત્પાદન પરંતુ નિકાસ ઘટતા અને સ્થાનિક લેવલે ડીમાન્ડ ઘટતા ભાવમાં જબરો કડાકો

રાજકોટ, તા. ૨૫ :. ડુંગળી બાદ લસણના ભાવો તળીયે પહોંચી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. રાજકોટ યાર્ડમાં લસણ હોલસેલમાં ૧ થી ૧૦ રૂ.ના કિલે વેચાય રહ્યુ છે.  ગત વર્ષે ખેડૂતો દ્વારા લસણનુ મોટાપાયે વાવેતર થયા બાદ પુષ્કળ ઉત્પાદન થયુ હતું. ખેડૂતોએ લસણના સારા ભાવ મળશે તેવી આશાએ લસણનુ વાવેતર કર્યુ હતુ પરંતુ શરૂઆતમાં થોડો સમય ભાવ સારો રહ્યા બાદ કડાકો બોલી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ માર્કેટયાર્ડમાં આજે લસણ (૧ મણના ભાવ) ૫૦ થી ૨૩૦ના ભાવે વેચાયુ હતું. જ્યારે હોલસેલમાં લસણ ૧ કિલોના ભાવ ૧ થી ૧૦ રૂ.મા વેચાય રહ્યુ છે. આ લસણ બજારમાં પહોંચતા ૧૦ થી ૨૦ રૂ.માં વેચાય છે. ૨૦ દિ' પૂર્વે હોલસેલમા ૧ કિલો લસણના ભાવ ૧૦ થી ૩૦ રૂ. હતા તે ઘટીને ૧ થી ૧૦ રૂ. થઈ ગયા છે.

લસણનું પુષ્કળ ઉત્પાદન થયુ છે પરંતુ વિદેશમાં જોઈએ તેવી નિકાસ ન થતા અને લોકલ લેવલે પણ લસણની ડીમાન્ડ ન રહેતા ભાવમાં કડાકો થયાનું વેપારી સૂત્રોએ જણાવ્યુ હતું. નોરતા બાદ ખેડૂતો લસણનું વાવેતર કરે છે પરંતુ ખેડૂતોને પુરતા ભાવો ન મળતા આ વર્ષે ખેડૂતો લસણનું વાવેતર ન કરે તેવી સ્થિતિ સર્જાય છે.(૨-૨૧)

(3:37 pm IST)