Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કાલે ચેમ્બરની કારોબારીની બેઠકઃ પ્રમુખ અંગે મહત્વનો નિર્ણય લેવાશે

ર૯મીએ એજીએમ મળવાની છે તે પુર્વે ચેમ્બરમાં ધમધમાટ : સમજુતી મુજબ શું શિવલાલ બારસીયા પ્રમુખપદ માટે વી.પી.વૈષ્ણવ માટે માર્ગ મોકળો કરશે? જબરી ઉતેજના : આવતીકાલે કારોબારીમાં નહી ઇલેકશન કે નહી : સીલેકશન મુજબ સામુહીક નિર્ણય લેવાશેઃ શિવલાલ બારસીયા

રાજકોટ, તા., ૨૫: રાજકોટના વેપાર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ર૯મીએ એજીએમ યોજાવાની છે તે પુર્વે આવતીકાલે કારોબારીની બેઠક મળશે અને તેમાં પ્રમુખપદ અંગે મહત્વનો નિર્ણય લેવાશે તેવું જાણવા મળે છે. આવતીકાલની બેઠક ઉપર રાજકોટના વેપાર ઉદ્યોગનું ધ્યાન કેન્દ્રીત થયું છે કારણ કે જોવાનુ એ છે કે આવતીકાલે વર્તમાન પ્રમુખ શિવલાલભાઇ બારસીયા સમજુતી મુજબ પદ ઉપરથી રાજીનામુ આપી વી પી વૈષ્ણવ માટે માર્ગ મોકળો કરશે કે નહિ?

આવતીકાલે બપોરે ૪.૩૦ કલાકે ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં કારોબારીની બેઠક યોજાવાની છે આ માટેનો એજન્ડા પણ બહાર પડી ગયો છે. આવતીકાલની બેઠકમાં ચેમ્બરના નવા પ્રમુખની બાબત મુખ્યત્વે રહેવાની છે. છેલ્લી ચુંટણી વખતે એવી સમજુતી કરવામાં આવી હતી કે દોઢ વર્ષ શિવલાલ બારસીયા પ્રમુખ રહેશે અને બાકીના દોઢ વર્ષ ચેમ્બરનું પ્રમુખપદ વી પી વૈષ્ણવ સંભાળશે. તે વખતે પાટીદાર અગ્રણીએ મહત્વની ભુમીકા ભજવી છે અને વાદવિવાદ વગર ચેમ્બરનું સુકાન બદલાય જાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. ચર્ચાતી વિગત અનુસાર તાજેતરમાં આ મામલે બેઠક પણ યોજવામાં આવી હતી અને નક્કી થયેલ ફોર્મ્યુલા અનુસાર જ આગળ ચાલવાનો આદેશ મળ્યો હોવાનું પણ જાણવા મળે છે.

આ બાબતે પ્રવર્તમાન પ્રમુખ શિવલાલ બારસીયાનો સંપર્ક કરતા તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નહી ઇલેકશન કે નહી સીલેકશન એ મુજબ આવતીકાલે પ્રમુખપદ અંગે સામુહીક નિર્ણય લેવામાં આવશે. તેમણે વધુમાં કહયું હતું કે કોઇ વાદ વિવાદ નથી સંસ્થા મહાન છે અને સંસ્થા વેપારીઓના હિતો અને પ્રશ્નો અંગે લડત આપવા વચનબધ્ધ છે. આવતીકાલની બેઠકને તેમણે એજીએમ પુર્વેની રૂટીન બેઠક ગણાવી હતી.

(3:37 pm IST)