Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સ્વાઇન ફલુથી ત્રીજુ મોતઃ શહેરમાં કુલ ૨૩ દર્દી દાખલઃ સિવિલમાં પાંચ દર્દીઃ એકનો રિપોર્ટ બાકી

મેટોડાના ૮૪ વર્ષના વૃધ્ધે ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યોઃ રાજકોટ, પોરબંદર, સોમનાથ, જુનાગઢ, જામનગર, ધોરાજી, ગોંડલ, ઉપલેટા, જેતપુરના દર્દીઓ ખાનગી અને સિવિલમાં સારવાર હેઠળઃ મોટા ભાગના દર્દીઓ વેન્ટીલેટર ઉપર

રાજકોટ તા. ૨૫: સ્વાઇન ફલૂએ ત્રીજો ભોગ લીધો છે. અગાઉ બહારગામના બે દર્દીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ત્યાં હવે મેટોડા જીઆઇડીસીના ૮૪ વર્ષના વૃધ્ધનું મોત નિપજ્યું છે. જેનો રિપોર્ટ પોઝિટીવ હતો. શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં હાલમાં કુલ ૨૩ દર્દી સારવાર લઇ રહ્યા છે. જેમાં એકનો રિપોર્ટ આવવો બાકી છે.

જાણવા મળ્યા મુજબ રવિવાર-સોમવારની મોડી રાત્રે ૮૪ વર્ષના વૃધ્ધે ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. સ્વાઇન ફલૂની શંકાએ સારવાર અપાઇ રહી હતી. રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા બાદ મોત નિપજ્યું હતું. તા. ૧-૯ થી ૨૪-૯ સુધીમાં કુલ ૩૯ કેસ સામે આવ્યા છે જેમાં ત્રણના મૃત્યુ થયા છે. હાલમાં રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, ધોરાજી, ગોંડલ, સોમનાથ ગીર, ઉપલેટા અને જેતપુર પંથકના કુલ ૨૩ દર્દીઓ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિવિલમાં ચાર દર્દી છે. જેમાં એકનો રિપોર્ટ આવવાનો બાકી છે.  મોટા ભાગના દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે.

(12:16 pm IST)