Gujarati News

Gujarati News

News of Thursday, 25th August 2022

પંચાયત ચૂંટણીમાં OBC ટકાવારી નક્કી કરવા સમર્પિત આયોગ પંચ રાજકોટમાં

બપોરે ૨ વાગ્‍યાથી કલેકટર કચેરી ખાતે ૧૨ જિલ્લાની સુનાવણી : કાલે ૨ાા વાગ્‍યે રાજકોટ કોર્પોરેશન - જિલ્લાનું હિયરીંગ થશે : પંચના ચેરમેન હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસશ્રી કલ્‍પેશભાઇ ઝવેરી અને અન્‍ય ૪ સભ્‍યો બપોરે ૧ વાગ્‍યે રાજકોટ આવી પહોંચ્‍યા : કલેકટર સાથે મીટીંગ : રાજકોટ શહેર - જિલ્લાની સુનાવણીમાં કોંગ્રેસ ભાજપ અને અન્‍ય સંસ્‍થા દ્વારા ૧૫ જેટલી અરજીઓઃ ગામ - તાલુકા - કોર્પોરેશન સહિત તમામ બાબતો આવરી લેવાશેઃ પંચના સભ્‍યો આઇ.એસ.પટેલ, કે.એસ.પ્રજાપતિ અને વી.બી.ઠાકોર પણ સાથે

પંચાયત ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠક નક્કી કરવા સંદર્ભે ગુજરાત સરકારે રચેલા સમર્પિત આયોગ આજ બપોરથી રાજકોટ આવ્‍યા છે. સરકીટ હાઉસ ખાતે આયોગના ચેરમેન અને હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ શ્રી કલ્‍પેશભાઇ ઝવેરી અને અન્‍ય સભ્‍યો આવી પહોંચ્‍યા ત્‍યારે તેમનું સ્‍વાગત કરાયું હતું. પંચના ચેરમેનશ્રી અને સભ્‍યો તથા સભ્‍ય સચિવશ્રી સુનાવણી અર્થે બપોરે ૨.૩૦ વાગ્‍યે સીધા કલેકટર કચેરી ખાતે આવી પહોંચશે. તસ્‍વીરમાં ચેરમેન શ્રી કલ્‍પેશભાઇ ઝવેરી તથા સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ, તા., ૨૫: સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે હવે ગ્રામ પંચાયત-તાલુકા પંચાયત-કોર્પોરેશન વિગેરે ગુજરાત પંચાયતની ચુંટણીમાં ઓબીસી અનામત બેઠક ફાળવવા અંગે ટકાવારી અને નિયમો નક્કી એક સમર્પિત આયોગ પંચની રચના કરી છે. આ પંચના ચેરમેન પદે હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્‍ટીસ શ્રી કલ્‍પેશભા ઝવેરી છે. તેઓ અને અન્‍ય ૪ સભ્‍યો આજે બપોરે ૧૨ વાગ્‍યે રાજકોટ આવી રહયા છે. બપોરે ર વાગ્‍યે તેઓ કલેકટર સહીતના અધિકારીઓ સાથે મીટીંગ યોજશે વિશદ ચર્ચા કરશે.

અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટમાં ૧૨ જીલ્લાની પંચાયત ચુંટણીમાં ઓબીસી અનામત નક્કી કરવા અંગે ખાસ હિયરીંગ કલેકટર કચેરી ખાતે યોજાયું છે. આજે ૬ જીલ્લા તથા કાલે બાકીના જીલ્લાનું હિયરીંગ થશે. રાજકોટની કાલે બપોરે રાા વાગ્‍યે સુનાવણી થશે. ઓબીસી ટકાવારી ફાળવવા અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા અરજીઓ ડીમાન્‍ડ-દાવા થયા છે. આ ઉપરાંત અન્‍ય જ્ઞાતિઓ દ્વારા પણ દાવા થયા છે. કુલ ૧૪ થી ૧પ અરજીઓ આવી હોવાનું સુત્રો  ઉમેરી રહયા છે.

દરમિયાન વધુમાં મળતી વિગતો મુજબ પંચમાં ત્રણ સભ્‍યો અને સભ્‍ય સચિવપણ જોડાયા છે.

ચેરમેન શ્રી ઝવેરી માટે સરકીટ હાઉસ રાજકોટ ખાતે વીવીઆઇપી સ્‍યુટરૂમ, સભ્‍યો અને સભ્‍ય સચિવ માટે ૪ વીઆઇપી રૂમ બુક કરાયા છે, અન્‍ય સ્‍ટાફ માટે બીજા બે રૂમ અનામત રખાયા છે.

રાજકોટ કલેકટર કચેરીમાં મીટીંગ રૂમની વ્‍યવસ્‍થા કરવા, રજૂઆત કરવા આવનાર મુલાકાતીઓ માટે જરૂરી બેઠક વ્‍યવસ્‍થા કરવા, સજ્જડ પોલીસ બંદોબસ્‍ત રાખવા સૂચના અપાઇ છે, આ ઉપરાંત આયોગના પ્રવાસ માટે લાયઝન અધિકારી નિમવા, ચેરમેન માટે ગાઇડ કારની વ્‍યવસ્‍થા રાખવા પણ સૂચના અપાઇ છે. આજથી રાજકોટ કલેકટર કચેરી ખાતે બપોરે ૨ વાગ્‍યાથી વિવિધ સંસ્‍થાઓ - જાહેર જનતાના આગેવાનોની આયોગ સમક્ષ પંચાયત ચૂંટણીમાં ઓબીસી અનામત અંગે સુનાવણી હાથ ધરાઇ છે, ૨ વાગ્‍યે અમરેલી જિલ્લો, ૨.૩૦ મોરબી, ૩ વાગ્‍યે ગીર સોમનાથ, ૩ાા વાગ્‍યે જૂનાગઢ જિલ્લો, ૪ વાગ્‍યે જામનગર જિલ્લો અને ૪.૩૦ વાગ્‍યે ભાવનગર જિલ્લાની સુનાવણી હાથ ધરાશે, રાત્રી રોકાણ રાજકોટ સરકીટ હાઉસ ખાતે રહેશે.

ત્‍યારબાદ કાલે સવારે ૧૦.૩૦ વાગ્‍યાથી કલેકટર કચેરી ખાતે કચ્‍છ જિલ્લો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ જિલ્લાની સુનાવણી થશે, બપોરે ૨ાા વાગ્‍યાથી રાજકોટ જિલ્લો, ૩ વાગ્‍યે રાજકોટ મહાનગરપાલિકાની સુનાવણી હાથ ધરાશે અને ૩.૩૦ વાગ્‍યે અમદાવાદ જવા રવાના થશે.

(3:29 pm IST)