Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

નોંધાયેલ દસ્તાવેજના ઇન્ડેક્ષ અને બોજા પ્રમાણપત્ર ઓનલાઇન મળશે

અનુક્રમણિકા નંબર ર અને બોજાનું પ્રમાણપત્ર આંગળીના ટેરવે

રાજકોટ, તા.૨૫: રાજય સરકારે નોંધાયેલ દસ્તાવેજની ઇન્ડેક્ષ, સર્ચ અને બોજા નોંધ ઓનલાઇન પણ મળી શકે તેવી વ્યવસ્થા કરી છે. આ અંગે રાજયના નોંધણી સર નિરીક્ષક દિનેશ પટેલની સહીથી અલગ અલગ પરિપત્ર કરવામાં આવ્યા છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણી બાદ અસલ દસ્તાવેજોને મજકુર સાબીત કરવા માટે રજીસ્ટ્રેશન એકટ ૧૯૦૮ની કલમ-૫૭ મુજબ સંબંધિત પક્ષકારોને નોંધણી નિયમ સંગ્રહ ભાગ-૨ના નિયત નમુનાનું ફોર્મ નં.૩ (શોધ લેવાની અથવા નકલ માટેની અરજી) પર કોર્ટ ફી રૂ.૩ લગાડયા બાદ અનુક્રમણિકા નં.૨ની નકલ માટે રૂ.૨૦ની નકલ ફી તથા અનુક્રમણિકા નં.૨ની નકલ ઉપર રૂ.૩૦૦/ સ્ટેમ્પ વાપરેથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં જે દસ્તાવેજની નોંધણી થઇ ગયેલ હોય, તેવા દસ્તાવેજની અનુક્રમણિકા નં.૨ નકલ આપવામાં આવે છે. મહેસુલ વિભાગ દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ગયા વગર અનુક્રમણિકા નં.૨ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકાય તેવી જોગવાઇ દાખલ કરેલ છે. આ અનુક્રમણિકા નં.૨ની નકલ માટે વસુલવાની કોર્ટ ફી, નકલ ફી તથા વાપરવાના થતા સ્ટેમ્પની વસુલાત ઓનલાઇન સાયબર ટ્રેઝરીમાં જમા લઇ શકાશે તથા   પક્ષકાર અનુક્રમણિકા નં.-રની નકલ ઓનલાઇન "Iora Poral" પરથી મેળવી શકશે.

ઉપરોકત (૧) વાળા સરકારશ્રીના મહેસુલ વિભાગના પરિપત્રથી જોગવાઇ કરવામાં રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં હાલ કોમ્પ્યુરાઇઝડ રેકર્ડ નિભાવવામાં આવે છે. આ નોંધણી થયેલ દસ્તાવેજોનું કોમ્પ્યુટરાઇઝડ રેકર્ડ પરથી પ્રજાજનોને Encumbrance Certificate (બોજાનું પ્રમાણપત્ર) ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા સારૂ નોંધણી નિયમ સંગ્રહ ભાગ-રના નિયત નમુનાનું ફોર્મ નં. ૩ (શોધ લેવાની અથવા નકલ માટેની અરજી) પર કોર્ટ ફી રૂ.પ/ ભર્યેથી તથા બોજાનું પ્રમાણપત્ર ફી પેટે રૂ.૧૦૦/ની રકમ ઓનલાઇન ઇ-પેમેન્ટથી ભરીને અરજદારશ્રી "Iora Poral" પર ઓનલાઇન અરજી કરીને Encumbrance Certificate (બોજાનું પ્રમાણપત્ર) સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘરે બેઠા મેળવી શકશે.

(4:05 pm IST)