Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કોર્પોરેશનનો મહાભગોઃ ૨૦૦૦૦ કોરોના ટેસ્ટમાં માર્યો લોચો

રાજકોટમાં કોરોના વાયરસ બિહામણી રીતે ડાકલા વગાડી રહ્યો છે... રોજેરોજ કેસ વધી રહ્યા છે અને મૃત્યુ પણ વધી રહ્યા છે ત્યારે ભયાનક બેદરકારી બહાર આવી : રાજકોટમાં કોરોનાનાં એન્ટીજન ટેસ્ટ ખોટી રીતે થયાઃ પ્રભારીની વીડિયો કોન્ફરન્સમાં ધડાકો : કોરોનાં માટે ખાસ નિમાયેલ ગુજરાતનાં પ્રભારી પંકજ કુમારે રાજકોટનાં અધિકારીઓને ટપાર્યા ''એન્ટેજન ટેસ્ટ માટે નાકમાં એક બાજૂથી નહી બંન્ને બાજુએથી પ્રવાહી લેવાનું છે'': રાજકોટમાં નાકની એક બાજુએથી પ્રવાહી લઇ ધડાધડ કોરોનાં ટેસ્ટ થઇ ગ્યાઃ મોટાભાગનાં નેગેટીવ

રાજકોટ તા. રપ :.. શહેરમાં કોરોનાએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે. દરરોજ ૬૦ જેટલા પોઝીટીવ કેસ મળી રહ્યા છે. મ્યુ. કોર્પોરેશન દ્વારા દરરોજ અંદાજે ૧૦૦૦ થી ૧પ૦૦ કોરોનાં ટેસ્ટ થઇ રહ્યા છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ ર૦ હજાર જેટલા કોરોનાં ટેસ્ટ સરકારની ગાઇડ લાઇનની ખોટી દિશામાં કરી નાંખ્યાનો ધડાકો થયો છે.

આ અંગે આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ શહેરમાં દરરોજ ૧૦૦૦ થી વધુ કોરોના ટેસ્ટ થવા જોઇએ તેવી મુખ્યમંત્રીની સુચના બાદ રાજકોટનું આરોગ્ય તંત્ર જાગૃત થયુ અને રોજ ૧પ૦૦ જેટલા એન્ટીજન ટેસ્ટ ચાલુ કરી દીધા પરંતુ આ કોરોના ટેસ્ટ રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ નહી પરંતુ મનફાવે તે રીતે આડે-ધડ થયાનો ઘટસ્ફોટ તાજેતરમાં ગુજરાતમાં કોરોના માટે ખાસ નિમણુંક કરાયેલ પ્રભારી અધિકારી પંકજ કુમારની વિડીયો કોન્ફરન્સ દરમિયાન થતાં મોટો ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળ્યા મુજબ આ વિડીયો કોન્ફરન્સમાં જયારે રાજકોટનાં અધિકારીઓનો વારો આવ્યો ત્યારે પ્રભારીશ્રી પંકજ કુમારે 'કોરોનાના એન્ટીજન ટેસ્ટ કેવી રીતે કરો છો?' તેવો સવાલ કર્યો હતો. આ સવાલનાં જવાબમાં અધિકારીઓએ જણાવેલ કે એન્ટીજન ટેસ્ટ માટે નાકની એક બાજૂએથી પ્રવાહી લેવામાં આવે છે.

આ જવાબ સાંભળી પંકજ કુમાર ચોંકી ઉઠયા હતાં અને તેઓએ અધિકારીને સ્પષ્ટ કર્યુ હતું કે 'સરકારની ગાઇડ લાઇન મુજબ કોરોનાનાં એન્ટીજન ટેસ્ટ માટે નાકની બંન્ને બાજૂએથી પ્રવાહી લેવાય તો જ સાચો રીપોર્ટ આવે છે.'

આમ રાજકોટમાં અત્યાર સુધીમાં ર૦ હજાર જેટલા કોરોનાનાં એન્ટીજન ટેસ્ટ સરકારની ગાઇડ લાઇન મુજબ નહી આડેધડ ખોટી રીતે થયા હોવાનો અને તેનાં કારણે કેટલાય પોઝીટીવનાં રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનો ફફડાટ ફેલાયો છે.

નવાણીયા ડોકટરોને ફિલ્ડમાં મોકલાય છે

દરમિયાન આવડી મોટી ભૂલ થવા પાછળનું કારણ બહાર આવ્યા મુજબ હાલમાં જે સીનીયર અનુભવી ડોકટરો છે તે ફિલ્ડમાં જવાને બદલે એ. સી. ચેમ્બરમાં બેસીને કોરોના દર્દીઓનાં આંકડાઓનું મેનેજમેન્ટ કરી રહયા છે. જયારે જે નવાણીયા ડોકટરો ભરતી કરાયા છે. તેને ફિલ્ડમાં મોકલાય છે. જેથી તેઓ આવી પ્રક્રિયાથી અજાણ હોય છે. આમ સરકાર સમક્ષ તંત્રની ઘોર બેદરકારી ખુલ્લી પડી છે.

(3:18 pm IST)