Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

નકલી પોલીસ બની તોડ કરનાર સલિમ ઠેબા પાસેથી ચોરાઉ એકસેસ પણ કબ્જે

રાજકોટ તા. ૨૫: ચાંદીના વેપારી મરાઠી યુવાનને પોલીસના નામે ડરાવી ધમકાવી પૈસા પડાવનારા ત્રણ શખ્સો પૈકીના બે શખ્સ દૂધસાગર રોડ પર ગુ.હા. બોર્ડ આકાશદિપ સોસાયટી કવાર્ટર નં. ૯માં રહેતાં સલિમ ગફારભાઇ ઠેબા તથા અલ્ફાઝ યુસુફભાઇ સુમરાને થોરાળા પોલીસે પકડ્યા હતાં. આ બંને રિમાન્ડ પર હોઇ એ દરમિયાન સલિમ ઠેબાએ પોતાની પાસેનું સિલ્વર કલરનું એકસેસ ચોરાઉ હોવાનું કબુલતાં આ વાહન કબ્જે કરી તેની સામે કાર્યવાહી કરી છે. આ વાહન જામનગર પોલીસની હદમાંથી ચોરાયેલુ હોવાનું ખુલતાં ત્યાંની પોલીસને જાણ કરાઇ છે. એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ એ. એલ. બારસીયા, હેડકોન્સ. ભુપતભાઇ, આનંદભાઇ, વિજયભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, જયદિપભાઇ, સહદેવસિંહ અને યુવરાજસિંહ વધુ તપાસ કરે છે.

(3:09 pm IST)