Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

આત્મનિર્ભર યોજનાઓ વ્યવસાયને નવુ બળ આપ્યું

લોકડાઉન બાદ દેવાંશીબેન અને ભારતીબેન ગોહેલનો બ્યુટીપાર્લરનો ધંધો સાવ ઠપ્પ થઇ ગયો હતોઃ ૧ લાખની લોન લીધા બાદ ફરી ધંધો સેટ કર્યો

રાજકોટ તા, ૨૫,  માણસ માટે જયારે આગળ વધવાનો એક દરવાજો બંધ થાય છે ત્યારે કુદરત અનેક દરવાજા ખોલી આપે છે. આવું જ કંઈક કોરોના મહામારીના સમયમાં ગુજરાતના નાના વ્યવસાયકારો, ધંધાદારીઓ સાથે બન્યું છે, કોરોના મહામારીના સમયમાં લોકડાઉનને કારણે બંધ પડેલા નાના વેપાર -ધંધા માટે રાજય સરકારની આત્મનિર્ભર સહાય યોજના સાચા અર્થમાં ટેકા રૂપ સાબિત થઈ છે. આજે વાત કરવી છે રાજકોટના સોનીબજારમાં છેલ્લા ૧ વર્ષથી સંયુકત ભાગીદારીમાં બ્યુટી પાર્લર ચલાવતા યુવા બ્યુટીશિયન્સ દેવાંશીબેન અને ભારતીબેન ગોહેલની....

દેવાંશીબેન તેમની વાત કરતા જણાવે છે કે,  બ્યુટીપાર્લર શરૂ કર્યા બાદ અમે બન્ને મહેનત અને મક્કમતાથી કાર્ય કરી રહ્યા હતા. ત્યાં કોરોના મહામારીને પગલે લોકડાઉન આવતા અમારો વ્યવસાય બંધ થયો. અમારા માટે અમારો આ નાનકડો વ્યવસાય ચાલુ રહે તે જરૂરી હતું તેવા એ સમયમાં રાજય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી, આ યોજનાનો લાભ લેવા માટે અમે રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાત લીધી, ત્યાં લોન વિશે આવશ્યક માહિતી મેળવી, ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને, અરજી કરતા તુરંત અમને રૂ. ૧ લાખની લોન મળી ગઈ. કોરોનાને કારણે લોકડાઉનમાં ૨ મહિના સુધી બ્યુટીપાર્લર બંધ રહ્યું હતું, જેના કારણે અમારો રોજગાર સાવ બંધ થઈ ગયો હતો અને પરીવારનું ગુજરાન ચલાવવામાં પણ ખૂબ જ તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ રાજયસરકાર દ્વારા અમલી બનાવાયેલ આ આત્મનિર્ભર યોજનાએ અમારા વ્યવસાયને નવું બળ પૂરું પાડયું છે. 

ભારતીબેન મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરતા કહે છે કે, આત્મનિર્ભર યોજનામાં અમને માત્ર ૨ ટકાના નજીવા દરે લોન મળી, એટલું જ નહીં પણ ૬ મહિના સુધી અમારે કોઈપણ પ્રકારનો હપ્તો ન ભરવાનો હોઈ, એ અમારા જેવા નાના વ્યવસાયકારો માટે ખૂબ મોટી વાત છે. આ લોનથી અમે અમારા બ્યુટીપાર્લર માટેના આવશ્યક સાધનોની ખરીદી કરી છે. કોરોના મહામારી અન્વયે રાજય સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને અમારા બ્યુટીપાર્લરમાં આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે પ્રમાણે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. ગ્રાહકોની સાવચેતી માટે સંપૂર્ણ PPE કીટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને જ અમે કાર્ય કરીએ છીએ. તદુપરાંત પાર્લરમાં આવતા પ્રત્યેક ગ્રાહકના હાથને સેનેટાઇઝ કરવામાં આવે છે અને દરેક ગ્રાહકોને માટે અમે માસ્ક તથા વન ટાઈમ યુઝેબલ એપ્રનનો ઉપયોગ કરીએ છીએ. જેથી તેનો એક વખત ઉપયોગ કર્યા બાદ અન્ય માટે તેનો ઉપયોગ ન થઈ શકે, અનલોક બાદ આ બધું ખરીદવું થોડું મુશ્કેલ હતું પણ લોન મળતાં એ ચિંતા પણ હળવી થઈ ગઈ અમને આ લોન રૂપી પ્રેરકબળ પૂરું પાડવા માટે અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ. ગુજરાતની સંવેદનશીલ સરકારે આત્મનિર્ભર યોજના દ્વારા દેવાંશીબેન અને ભારતીબેન જેવા અનેક નાના વ્યવસાયકારોને આર્થિક ટેકો પૂરો પાડયો છે, એટલું જ નહીં પણ તેમનામાં આત્મવિશ્વાસને પણ પુનૅંસ્થાપિત કરીને સાચા અર્થમાં સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.

(3:04 pm IST)