Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ર૦ કરોડના રસ્તાઓનો કચ્ચરધાણ

શહેરના અનેક વિસ્તારોમાં વરસાદે રસ્તાઓ ધોઇ નાખ્યાઃ પ્રજાને ભારે હાડમારીઃ વાહન ચાલકો હેરાન-પરેશાન : રાજય સરકાર નુકશાન થયેલા રસ્તા રીપેર કરવા ગ્રાન્ટ ચૂકવશે : નવા રોડને ઓછુ નુકશાન-જુના રોડ ધૂળ-ધાણી : ૧પ સપ્ટેમ્બર બાદ રસ્તા રીપેરીંગ-પેચવર્ક અને ડામર પેવર કામો શરૂ કરી કરી દેવાશે : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલનો નિર્દેશ

રાજકોટ તા. રપ :.. સતત ભારે વરસાદથી ગુજરાતભરમાં રસ્તાઓ તૂટી ગયા છે. રાજકોટમાં પણ અંદાજે ર૦ કરોડનાં રસ્તાઓનો કચ્ચરઘાણ નિકળી ગયાનો અંદાજ તંત્રનાં સર્વેમાં બહાર આવ્યો છે. જેનાં આધારે રસ્તા રીપેરીંગ માટે રાજય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવનાર છે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે નિર્દેશ આપ્યો હતો કે આ વર્ષ વરસાદ સારો થયો છે. તેનાં કારણે રાજયભરમાં રસ્તાઓને નુકશાન થયું છે. જો કે રાજકોટમાં ૧પ૦ કિ.મી.નાં નવા રસ્તાઓ છે તેમાં કોઇ મોટુ નુકશાન નથી થયુ તે જમાપાસુ છે.

પરંતુ જુના રસ્તાઓને ભારે નુકશાની થઇ છે. આવા બજાર વિસ્તારનાં અને ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોનમાં જે જૂના રસ્તાઓ કે જેમાં વધારે પડતા ખાડાઓ અને ચરેડાઓ પડી ગયા છે. તેવા રસ્તાઓનો વોર્ડ વાઇઝ સર્વે ઇજનેરો પાસે તૈયાર કરાવવામાં આવ્યો છે. જેના અંદાજ મુજબ ર૦ કરોડનું નુકશાન થયું છે. હવે આ સર્વેનો વિગતવાર રીપોર્ટ થશે. જેમાં તુટેલા રસ્તાઓનાં કિલો મીટરમાંથી તેનાં રીપેરીંગ માટે જરૂરી ગ્રાન્ટ મેળવવા રાજય સરકાર સમક્ષ આ રીપોર્ટ રજૂ કરાશે. ત્યારબાદ સરકાર રીપેરીંગ માટે જે ગ્રાન્ટ મંજૂર કરે. તેમાંથી આગામી ૧પ સપ્ટેમ્બર બાદ એટલે કે ચોમાસુ પુરૂ થાય પછી શહેરમાં રસ્તાઓનું રીપેરીંગ કામ-પેચવર્ક અને ડામર-પેવર કામ શરૂ કરી દેવાશે તેવો નિર્દેશ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે આ તકે આપ્યો હતો.

(2:57 pm IST)