Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

થોરાળાના ધર્મેશ ચાવડાની હત્યામાં પાંચની ધરપકડ કરતી થોરાળા પોલીસ

દારૂ વેંચવાની ના પાડતાં યુવાનને રહેંસી નખાયાની ફરિયાદ હતી

રાજકોટ તા. ૨૫: નવા થોરાળા પાણીની કુઇ પાસે ગોકુળપરા-૫માં ચામુંડા નિવાસની બાજુમાં રહેતાં ધર્મેશ આનંદભાઇ ચાવડા (ઉ.વ.૩૮) પર ગયા શુક્રવારે ઘર નજીક બે શખ્સોએ પકડી રાખી એક શખ્સે છરીના ઘા ઝીંકી તેમજ બીજા બે જણાએ પાઇપ-ધોકાના ઘા ફટકારી હત્યા નિપજાવી હતી. આ ગુનામાં પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

થોરાળા પોલીસે હત્યાનો ભોગ બનનાર ધર્મેશ ચાવડાના પત્નિ જ્યોત્સનાબેન ઉર્ફ જસ્મીનબેન ધર્મેશ ચાવડા (ઉ.૩૪)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગેરકાયદે મંડળી રચી હુમલો કરી હત્યા નિપજાવવાનો ગુનો નોંધ્યો હતો. ધર્મેશે આરોપીઓને દારૂ વેંચવાની ના પાડી હોઇ તે બાબતનો ખાર રાખી તેની હત્યા નિપજાવવામાં આવ્યાનો ફરિયાદમાં આરોપ મુકાયો હતો. સામા પક્ષે એક આરોપી મોૈલિક પરમારે પણ ધર્મેશ દારૂ પી પોતાને પાસે પૈસા માંગતો હોવાનો તેમજ લત્તામાં પણ માથાકુટ કરતો હોવાના આરોપ સાથે ફરિયાદ લખાવી હતી.

થોરાળા પોલીસે આ ગુનામાં નવા થોરાળા ગોકુલપરા-૨માં રહેતાં અને પાનની કેબીન ધરાવતાં નરેશ ખોડાભાઇ દવેરા (ઉ.વ.૫૧), નવા થોરાળા આંબેડકર ચોક પાસે વિનોદનગર-૨માં રહેતાં અને ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરતાં ભીખા ઉર્ફ ભરત ચકુભાઇ ચાવડા (ઉ.વ.૫૧), છુટક મજૂરી કરતાં તેના ભાઇ રસિક ચકુભાઇ ચાવડા (ઉ.વ.૪૪) તથા નવા થોરાળા પાણીની કુઇ પાસે રહેતાં અને છુટક મજૂરી કરતાં મોૈલિક સંજયભાઇ પરમાર (ઉ.૨૩)ના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી છે. અન્ય બે આરોપી ૮૦ ફુટ રોડ હુન્ડાઇ શો રૂમ સામે સત્યમ્ પાર્કમાં શેરી નં. ૧ બ્લોક નં. ૧માં રહેતાં અને મકાન બાંધકામનો ધંધો કરતાં રતનશી ઉર્ફ રતાભાઇ મેઘજીભાઇ પરમાર (ઉ.વ.૫૨)ના કોવિડ રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડ તથા ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ એ. એલ. બારસીયા, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ, કોન્સ. વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણા, કનુભાઇ ઘેડ, જયદિપભાઇ ધોળકીયા, નરસંગભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી.

(11:52 am IST)