Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

બ્યુટી પાર્લરનો અભ્યાસ કરતી યુવતિને બે સંતાનના પિતા દિપકે પ્રેમજાળમાં ફસાવી સગર્ભા બનાવીઃ હવે લગ્નની ના પાડી દીધી

ભાવનગર પંથકની યુવતિને પરિવારે પણ ઘરમાંથી કાઢી મુકતાં રખડતું જીવન જીવતી થઇ ગઇ : આશાપુરા નગરના દિપક આલ વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસે બળાત્કારનો ગુનો નોધી શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૨૫: રાજકોટ રહી બ્યુટી પાર્લરનો કોર્ષ કરતી ભાવનગર પંથકની યુવતિ રાજકોટના પરિણીત બે સંતાનના પિતા એવા રબારી શખ્સના સંપર્કમાં આવ્યા બાદ આ શખ્સે તેણીને પોતે પરણેલો છે છતાં લગ્ન કરી લેશે તેવી લાલચ દઇ પ્રેમજાળમાં ફસાવી જુદી-જુદી હોટેલોમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધી લેતાં અને યુવતિ ગર્ભવતિ થઇ જતાં અને હવે લગ્નની ના પાડી દેતાં તેણીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

એ-ડિવીઝન પોલીસ મથકમાં દાખલ થયેલી એફઆઇઆરમાં ભાવનગર પંથકના ગામની વતની અને અગાઉ રાજકોટ હોસ્ટેલમાં રહી બ્યુટી પાર્લરના કલાસ કરતી યુવતિએ  જણાવ્યું છે કે હું દોઢ બે વર્ષથી રાજકોટ રહી પાર્લરના કલાસમાં જતી હતી એ વખતે દિપક નામના છોકરાનો સંપર્ક થતાં મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. એ પછી મેસેજથી વાતચીત થતી તી. એ પછી અમે એક બીજાને મળતાં થયા હતાં. આ પરિચયના એકાદ મહિના બાદ અમે બંને ગાઢ પરિચયમાં આવી ગયા હતાં. ત્યારબાદ દિપકે મને કહ્યું હતું કે મારા લગ્ન થઇ ગયા છે, આમ છતાં હું તારી સાથે પણ લગ્ન કરી લઇશ. આ વાત થયા બાદ અમે એક બીજાને મળતા હતાં. ૨૦૧૯ના માર્ચ મહિનામાં પહેલી વખત તે મને વિજય પ્લોટની હોટેલમાં લઇ ગયો હતો. ત્યાં મેં ના પાડી છતાં લગ્ન કરી લેવાની વાત કરી શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી મે મહિનામાં ત્રિકોણબાગ પાસેની હોટેલમાં લઇ ગયો હતો અને ત્યાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો.

આ રીતે તે અવાર-નવાર અલગ અલગ હોટેલમાં લઇ જતો હતો અને ના પાડુ તો પણ શરીર સંબંધ બાંધતો હતો અને લગ્ન કરી લેવાની વાત કરતો હતો. એ પછી જાન્યુઆરી-૨૦૨૦માં હું પ્રગેનન્ટ થઇ જતાં મેં દિપકને આ વાત કરતાં તેણે મને કહેલ કહે હવે થોડા સમયમાં જ લગ્ન કરી લઇશું. ત્યારદબાદ તેણે ફોન બંધ કરી દઇ નવો મોબાઇલ નંબર મને આપ્યો હતો. તેના પર હું મેસેજ કરતી હતી. ૧૨/૬/૨૦ના રોજ દિપક મને જસદણ કોઇ ડોકટરને ત્યાં લઇ ગયો હતો. જેનું નામ મને ખબર નથી. તેની પાસે સોનોગ્રાફી કરાવતાં છ માસનો ગર્ભ હોવાની ખબર પડી હતી. ત્યારે પણ દિપકે થોડા જ દિવસોમાં લગ્ન કરી લેવાની વાત કરી હતી.

ત્યારબાદ મારા ઘરે આ વાતની ખબર પડી જતાં મને કાઢી મુકી હતી. ત્યારથી હું અલગ-અલગ જગ્યાએ રહેતી હતી. અંતે હવે રાજકોટ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ કરી છે. દિપકનું પુરૂ નામ દિપક સાંગાભાઇ આલ (રબારી) છે અને તે એક દિકરો તથા એક દિકરીનો પિતા છે. તે કોઠારીયા રોડ આશાપુરાનગરમાં રહે છે. યુવતિએ દિપક સાથે માથાકુટ થતાં ઝેરી દવા પણ પીધી હતી.

એ-ડિવીઝનના એએસઆઇ કે. સી.  સોઢા અને દેવાંગભાઇએ આઇપીસી ૩૭૬ (૨) (એન) મુજબ બળાત્કારનો ગુનો નોંધ્યો છે.  પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં પીએસઆઇ જે. ડી. વસાવાએ વધુ તપાસ હાથ ધરી ભાગી ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(11:51 am IST)