News of Tuesday, 25th August 2020
વિજયના વધામણા : રા.લો.સંઘની ચુંટણીમાં ઢાંકેચા જુથ પ્રેરીત ૩ ઉમેદવારો ભુપેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ સિંધવ અને નરેન્દ્રભાઇ ભુવા વિજેતા થતા વિજયોત્સવ મનાવવામાં આવેલ. હરીફ ૩ ઉમેદવારો વચ્ચે માત્ર ૪ મત મળ્યા છે. બાકીના ૯ મત ઢાંકેચા જુથે મેળવ્યા છે. ત્રણેય ઉમેદવારોને આજે મત ગણતરી સ્થળે જુથના સુકાની નીતિન ઢાંકેચા અને અન્ય સહકારી આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. અન્ય એક તસ્વીર મત ગણતરી કાર્યમાં રોકાયેલ ચુંટણી અધિકારી ડે.કલેકટર ચરણસિંહ ગોહિલ અને તેમના સાથીદારોની છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., રપઃ સહકારી ક્ષેત્રે તાલુકા સંઘની કક્ષાએ નંબર વન ગણાતા રાજકોટ -લોધીકા સહકારી સંઘની ગઇકાલે યોજાયેલ ૩ બેઠકોની ચુંટણીનું આજે પરીણામ જાહેર થતા ત્રણે ત્રણ બેઠકો પર વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા જુથના ત્રણેય ઉમેદવારોએ ત્રણ-ત્રણ મત મેળવી શાનદાર જીત મેળવી છે. ઢાંકેચા જુથે વિજયને વધાવ્યો છે. આજે મત ગણતરી સ્થળે હરીફ ધારાસભ્ય અરવિંદ રૈયાણી જુથના કોઇ ડોકાયા નહોતા. સહકારી ક્ષેત્રમાં પાર્ટીના સતાવાર બંધન ન હોવાથી ગમે ત્યારે સમીકરણો ફરતા રહેતા હોય છે પરંતુ આજની સ્થિતિએ કુલ ૧૫ બેઠકો પૈકી રૈયાણી જુથ પાસે ૭ બેઠકો અને ઢાંકેચા જુથ પાસે ૮ બેઠકો થઇ છે. ઇતરના એક વિજેતા ઢાંકેચા જુથને ટેકો આપે તો તેની ૯ બેઠકો થશે. રૈયાણી જુથને ટેકો આપે તો બંન્ને જુથની ૮-૮ બેઠકો થશે. ચેરમેન પદ અને વાઇસ ચેરમેન પદ માટે ઓછામાં ઓછી ૮ બેઠકો જરૂરી છે. હવે આ બંન્ને પદ માટે ભાજપના જ બેય જુથ વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાઇ તેવા એંધાણ છે.
રા.લો.સંઘની ચુંટણીમાં ઉમેદવારી વખતે બંન્ને જુથ વચ્ચે સમાધાન થતા ૧૨ બેઠકો બિનહરીફ થઇ ગયેલ હતી. ગૃપ ૩,૮, અને ૧પ તે બેઠકો પર છેલ્લી ઘડીએ અન્ય ઉમેદવારોએ ફોર્મ ભરેલ તેથી ચુંટણીની જરૂરીયાત થઇ હતી. સમાધાન વખતે ગૃપ ૮ અને ૧૫ ઢાંકેચા જુથને ફાળે આવેલ જયારે ગૃપ ૩ રૈયાણી જુથના ફાળે આવેલ. છેલ્લી ઘડીએ વધારાના ૩ ઉમેદવારોની ઉમેદવારીથી બંન્ને જુથ એક-બીજાને શંકાની નજરે જોવા મંડેલ. ચકાસણી વખતે મનસુખ સરધારાના ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવેલ તેનાથી સમાધાન વધુ તકલાદી બન્યું હતું. ઢાંકેચા જુથે વાજડી બેઠકના સમાધાનના ઉમેદવાર પ્રવિણ સખીયા સામે ઉમેદવારી કરનાર ભુપેન્દ્રસિંહ જાડેજાને ટેકો આપી પોતાની તરફ ખેંચી લીધેલ. તેથી આ બેઠક તેને વધારામાં મળી છે. પારડી બેઠકમાં સમાધાનના ઉમેદવાર ઢાંકેચા જુથના નરેન્દ્ર ભુવા વિજેતા થયા છે તેની સામે રઘુવીરસિંહ જાડેજાનો પરાજય થયો છે. ભુપગઢ બેઠકમાં સમાધાનના ઉમેદવાર ઢાંકેચા જુથના લક્ષ્મણ સિંધવ વિજેતા થયા છે. તેની સામે છેલ્લી ઘડીએ ઉમેદવાર કરનાર કરશન ડાંગરની હાર થઇ છે. રા.લો.સંઘની ચુંટણીમાં સમાધાન પુર્વે અને પછી અનેક કાવાદાવા થયા છે. બંન્ને જુથો વચ્ચેની લડત અને રમત હજુ સુકાનીઓની ચુંટણી સુધી ચાલે તેવી પ્રબળ શકયતા છે.
હવે ડીરેકટરોને 'ફરવાની' તક મળશે
રાજકોટ : રા.લો. સંઘમાં આજની સ્થિતિએ રૈયાણી જુથ પાસે ૭ અને ઢાંકેચા જુથ પાસે ૮ ડીરેકટર છે. ૧ સ્વતંત્ર ડીરેકટર છે. ૧ મહિનામાં સંઘના સુકાનીઓની ચૂંટણી થવા પાત્ર છે. સુકાનીઓની ચૂંટણી જાહેર થયા પૂર્વે અથવા પછી તુરત બન્ને જુથ પોતાના ટેકેદાર ડીરેકટરોને સહેલગાહે મોકલી દયે તેવો વર્તારો છે. ગમે તે ડીરેકટર માટે ગમે ત્યારે ગમે તે તરફ ઢળવાની તક હોય છે.
રા.લો.સંઘમાં બેંક અને સરકારના સભ્ય મૂકાશે
બેંક તરફથી વિજય સખિયાનું નામ મોખરે
રાજકોટ : રા.લો.સંઘમાં ૧૬ સભ્યો ચૂંટાયા છે. એક સભ્ય જિલ્લા બેંકમાંથી અને ૧ સભ્ય સરકારમાંથી મૂકવા પાત્ર છે બેંક અને સરકારના પ્રતિનિધિ ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કરી શકે કે નહિ ? તે બાબતે બે મત પ્રવર્તે છે. બેંકના પ્રતિનિધિ તરીકે વિજય સખિયાનું નામ મોખરે સંભળાય છે, નવા સુકાનીઓ નકકી કરવામાં જયેશ રાદડિયા નિર્ણાયક બની શકે છે.
રા.લો.સંઘનું નવુ બોર્ડ
|
ગ્રુપ નંબર
|
ચૂંટાયેલા ઉમેદવારો
|
૧
|
અરવિંદભાઇ ગોરધનભાઇ રૈયાણી
|
ર
|
હરજીભાઇ કડવાભાઇ અજાણી
|
૩
|
ભુપેન્દ્રભાઇ રણજીતસિંહ જાડેજા
|
૪
|
હંસરાજભાઇ ટપુભાઇ પીપળીયા
|
પ
|
બાબુભાઇ બાવનજીભાઇ નસીત
|
૬
|
અરજણભાઇ રાજાભાઇ રૈયાણી
|
૭
|
નાથાભાઇ લીંબાભાઇ સોરાણી
|
૮
|
લખમણભાઇ મોહનભાઇ સિંધવ
|
૯
|
નિતીનભાઇ પાંચાભાઇ ઢાંકેચા
|
૧૦
|
રામભાઇ બાવાભાઇ જળું
|
૧૧
|
સંજયભાઇ વલ્લભભાઇ અમરેલીયા
|
૧ર
|
મનસુખભાઇ રણછોડભાઇ સરધારા
|
૧૩
|
નરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા
|
૧૪
|
કાનજીભાઇ રવજીભાઇ ખાપરા
|
૧પ
|
નરેન્દ્રભાઇ મેઘજીભાઇ ભુવા
|
વ્યકિતગત ભીમજીભાઇ છગનભાઇ કલોલા
|