Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

આ વખતે ચોમાસુ લંબાય તેવી પૂરે પૂરી શકયતા

સિસ્ટમ્સ પસાર, આજથી મેઘરાજાનું જોર ઘટશેઃ રાજકોટમાં સૂર્યનાયણે દર્શન દીધા

સૌરાષ્ટ્ર- કચ્છમાં કયાંક- કયાંક છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસી જાયઃ નવી સિસ્ટમ્સ ગુજરાતને અસરકર્તા નથીઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૨૫: સમગ્ર રાજયભરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી. છેલ્લા બે દિવસ બેશુમાર વરસી ગયો. હવે સિસ્ટમ્સ પસાર થઈ ગઈ હોય હાલ ભારે વરસાદની શકયતા નથી. પરંતુ છુટાછવાયા સ્થળોએ કયાંક- કયાંક હળવાથી મધ્યમ વરસાદ વરસી જાય.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ છે. આજનો દિવસ કયાંક- કયાંક હળવાથી મધ્યમ વરસાદ પડી જવાની શકયતા છે. આવતીકાલથી ઉઘાડ જોવા મળશે. દરમિયાન બંગાળની ખાડીમાં ગઈકાલે એક નવી સિસ્ટમ્સ ઉદ્દભવી હતી. આ સિસ્ટમ્સ રાજસ્થાન, પંજાબ તરફ એટલે કે ઉત્તરભારતના રાજયોને અસરકર્તા રહેશે.

રાજકોટ શહેરમાં પણ ગત રવિ અને સોમવારે વરસાદી માહોલ જોવા મળ્યું હતું. બે દિવસમાં શહેરમાં ૭ ઈંચ વરસાદ ઝીંકી દીધો હતો. વરસાદી વાતાવરણના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. બે દિવસના વરસાદે ચોમરે પાણી- પાણી કરી દીધા હતા. તો આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા.

દરમિયાન આજે સવારથી રાજકોટ શહેરમાં સૂર્યનારાયણે દર્શન દીધા છે. વાદળો ગાયબ થઈ ગયા છે. વાતાવરણ ચોખ્ખુ બન્યું છે.

(11:50 am IST)