Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

જયશ્રીકૃષ્ણ... દ્વારકામાં પ્રથમ વખત દ્વારીકાધીશની શોભાયાત્રા

કાન્હા વિચાર મંચ, દ્વારકા અને આહિર સમાજના ૫૬ યુવાનોની ટીમનું એક અનોખું કદમઃ ભાવિકો મુખ્યરથને રસ્સાથી ખેંચી ધન્યતા અનુભવશેઃ શ્રીકૃષ્ણનો જીવન દર્શનને લગતા ફલોટ આકર્ષક જમાવશેઃ રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો હાજર રહેશેઃ પંચજન્ય સામાજીક મનોરંથન કાર્યક્રમઃ જાહેર આમંત્રણ

 રાજકોટઃ તા.૨૫, હજારો વર્ષોથી કૃષ્ણપ્રેમી લોકો નાત જાતના ધર્મના વાળાઓમાંથી પર રહી કૃષ્ણમય બની જન્માષ્ટમીની ઉજવણી કરતા આવ્યા છે.  ગામડાથી લઇ મોટા શહેરો અને દેશ વિદેશમાં પણ કાન્હા પ્રેમી લોકો જન્માષ્ટમી ઉજવે છે. ત્યારે ભગવાનની નિજ નગરી, રાજનગરી દ્વારીકામાં જ આવી ઉજવણી થતી ન હોવાનું ધ્યાનમાં આવતા આહિર સમાજના ૫૬ યુવાનોએ સાથે મળી કાન્હા વિચાર મંચના માધ્યમથી જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા કાઢી કાન્હા જન્મોત્સવ ઉજવવાનું આયોજન કર્યું છે.

 જન્માષ્ટમીના તા.૩ સપ્ટેમ્બરના સોમવારે બપોરે ૨ વાગ્યાથી શરૂ કરી રાત્રે ૧ વાગ્યા સુધી ચાલનાર આ કાર્યક્રમમાં શોભાયાત્રાની સાથે આહિર સમાજના પરંપરાઓ, ભાગીગળ સંસ્કૃતિના દર્શન થશે. કુલ પાંચ ભાગમાં વહેંચાયેલા આ કાર્યક્રમમાં પંચજન્ય સામાજીક મનોમંથન, શોભાયાત્રા, પ્રસાદી(ભોજન) વ્રજ રસોત્સવ અને મહાઆરતી મુખ્ય રહેશે.

 પંચજન્ય સામાજીક મનોમંથનમાં અધ્યક્ષ સ્થાને રાજાધિરાજા કૃષ્ણ પરમાત્મા બિરાજશે ખાસ આમંત્રીતમાં બહારના રાજયોમાંથી શ્રી અખિલેશ યાદવજી, શ્રી હંસરાજ આહીરજી, શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ  જી, ચંદન યાદવજી, શ્રી કેશવચંદ યાદવજી, શ્રી ભુપેન્દ્ર યાદવજી વગેરે ઉપસ્થિત રહેશે.

 ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા આ રથયાત્રાને પ્રસ્થાન કરાવશે દ્વારકાના રાજમાર્ગો પાર પસાર થઇ રાત્રે ૯ વાગે  રથયાત્રા ભગવાનના નિજ મંદીરે પહોંચશે. રથયાત્રાના રૂટમાં બે જગ્યાએ મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.રથયાત્રામાં ભગવાનના રથ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર દર્શાવતા  ટેબલો હશે. ભગવાનના રથને ખેંચીને લઇ જવામાં આવશે.સંપ્રદાય, સર્વે સમાજના લોકો જોડાશે.

શોભાયાત્રા પુર્ણ થયા બાદ મહા પ્રસાદી અને વ્રજ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત પોશાકમાં જ ઉપસ્થિત રહેવાનું અનુરોધ કરાયો છે. રાત્રીના ૧૨ વાગ્યે ભગવાનની મહાઆરતીના લાઇવ દર્શન મોટી એલડીસી પર દર્શાવવામાં આવશે, સાથે સાથે ઉપસ્થિત તમામ લોકો ત્યાં પણ ભગવાનની મહાઆરતી કરશે.

 સમગ્ર કાર્યક્રમમાં દરેક વ્યકિત પરંપરાગત પોશાકમાં હશે તથા પોતપોતાના ઘરેથી એક વાટકી માખણ  લઇને આવશે જેમાં મિશ્રિ ભેળવી તમામ ભકતોને માખણ મિશ્રિનો પ્રસાદ આપવામાં આવશે. સર્વે ધર્મપ્રેમીજનોએ લાભ લેવા કાન્હા વિચાર મંચ દ્વારા અનુરોધ કરાયો છે.

 તસ્વીરમાં આહિર સમાજના આગેવાનો સર્વેશ્રી પાલભાઇ આંબલીયા (મો.૯૯૨૪૨ ૫૨૪૯૯), પરબતભાઇ ભાદરડા, જીવાભાઇ કનારા, નરેશભાઇ ડુવા, હેમંત લોખીલ, દેવ નાવદરીયા, વિક્રમ બોરીચા અને હેમંત વિરડા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૩)

(3:42 pm IST)