Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સ્વામિનારાયણ ચોકમાં મફતમાં ફાકી માંગી નશાખોરોનો આતંકઃ ત્રણેયને રાત્રે જ પકડી લેવાયાઃ જાહેરમાં સરભરા

મહેશ કામલીયાની દૂકાને પ્રદિપ ઝરીયા, હિતેષ કુવરીયા અને દિનેશ ઝરીયાએ ધબધબાટી બોલાવીઃ એક ગ્રાહકની કારનો કાચ પણ ફોડી નાંખ્યોઃ માલવીયાનગર પોલીસે ધરપકડ કરી

પાનની દૂકાને નશાખોરોએ ધમાલ મચાવી તેના ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં. નીચેની તસ્વીરોમાં સવારે ત્રણેયને ઘટના સ્થળે લાવી જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવાયું હતું તે દ્રશ્યો જોઇ શકાય છે. ત્રણેયે હાથ જોડીને માફી માંગી હતી

રાજકોટ તા. ૨૫: મોડી રાત્રે સ્વામિનારાયણ ચોકમાં ડિલકસ પાન નામની દૂકાને બે લોધા શખ્સ અને એક દેવીપૂજક શખ્સે ફાકી લીધા બાદ પૈસા ન આપતાં દૂકાનદાર આહિર યુવાને પૈસા માંગતા ત્રણેય શખ્સોએ ગાળગાળી કરી ધમાલ મચાવી દૂકાનદારને મારી નાંખવાની ધમકી દઇ તેમજ એક ગ્રાહક આવ્યા હોઇ તેની કારમાં તોડફોડ કરી આતંક મચાવતાં નાશભાગ મચી ગઇ હતી. બનાવને પગલે પોલીસ દોડી આવી હતી અને રાતોરાત ત્રણેય નશાખોરને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. સવારે ત્રણેયને ઘટના સ્થળે લઇ જઇ જાહેરમાં આકરી પુછતાછ કરવામાં આવી હતી. ત્રણેયે જ્યાં માથાકુટ કરી હતી એ સ્થળે લોકોની હાથ જોડીને માફી માંગી હતી.

બનાવ અંગે પોલીસે ગોંડલ રોડ પીડીએમ પાછળ શિવનગર-૧માં રહેતાં મહેશ ભીમજીભાઇ કામલીયા (ઉ.૧૯) નામના આહિર યુવાનની ફરિયાદ પરથી લોધેશ્વર સોસાયટીના બે લોધા શખ્સ પ્રદિપ ઉર્ફ મોન્ટુ રમેશભાઇ ઝરીયા (ઉ.૨૨), દિનેશ બાબુભાઇ ઝરીયા  (ઉ.૧૮) તથા એક દેવીપૂજક શખ્સ સામે આઇપીસી ૪૨૭, ૫૦૬ (૨), ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

મહેશ કામલીયાના કહેવા મુજબ રાત્રે સવા અગિયારેક વાગ્યે પોતે અને મિત્ર જયદિપ પોતાની પાનની દુકાને બેઠા હતાં ત્યારે પ્રદિપ ઉર્ફ પિન્ટુ સહિતના છએક શખ્સો આવ્યા હતાં. જેણે નશો કર્યો હતો. આ તમામ ફાકી બંધાવ્યા બાદ પૈસા દીધા વગર ચાલતાં થયા હતાં. તેની પાસે પૈસા માંગતા માથાકુટ કરી ભાગી ગયા હતાં. થોડીવાર બાદ પ્રદિપ, હિતેષ અને દિનેશે આવી પૈસા કેમ માંગ્યા? તેમ કહી ગાળાગાળી કરી હતી અને દૂકાનનો સામાન બહાર ફેંકી દઇ તેને મારી નાંખવાની ધમકી આપી હતી. આ વખતે એક ગ્રાહક કોઠારીયાના અરવિંદભાઇ કાર લઇને પાન ખાવા આવ્યા હોઇ તેની કારનો પણ કાચ ફોડી નુકશાન કર્યુ હતું.

લોકો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં. માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ એચ. એમ. મણવર અને ડી. સ્ટાફની ટીમે તાકીદે પહોંચી ફરિયાદ નોંધી હતી અને મોડી રાત્રે પ્રદિપ ઉર્ફ પિન્ટુ, હિતેષ તથા દિનેશને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ત્રણેયે નશો કર્યો હોઇ તે અંગે અલગ ગુનો દાખલ કરાયો છે. નશાની હાલતમાં સીનસપાટા કરી લેનારા આ ત્રણેય પોલીસના સકંજામાં આવી જતાં બકરી જેવા બની ગયા હતાં. સવારે જાહેરમાં સરઘસ કાઢી પુછતાછ કરવામાં આવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. (૧૪.૧૨)

 

(3:35 pm IST)