Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

૧૨ નાપાસ અનિશને ડોકટર બનવાના અભરખા જાગ્યાઃ લોઠડામાં કિલનીક ચાલુ કરી દીધું: ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

અગાઉ આઠેક વર્ષ સુધી ડો. હાપાણીની હોસ્પિટલમાં કામ કર્યુ હોઇ 'અનુભવ' કામે લગાડી બે મહિનાથી ભાડાના મકાનમાં જીલ કિલનીક નામથી દવાખાનુ ધમધમાવતો'તોઃ પ્રિસ્ક્રીપ્શન દિઠ રૂ. ૫૦ ફી વસુલતો : હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, કોન્સ. એભલભાઇ બરાલીયા અને તોરલબેન જોષીની બાતમી

રાજકોટ તા. ૨૫: ગયા અઠવાડીયે શહેર એસઓજીએ મુળ ઉજ્જૈનના નકલી ડોકટરને ઓમસાઇ નામે કિલનીક ખોલી પ્રેકટીસ કરતો અને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો ઝડપી લીધો હતો. આવો વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ એટલે કે નકલી ડોકટર ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો છે. સરધાર પાસેના લોઠડા ગામે જીલ કિલનીક નામે દવાખાનુ ધમધમાવતાં દેવપરા મેઇન રોડ મહાત્મા ગાંધી સોસાયટી-૧ 'બાગ-એ-આમના' ખાતે રહેતાં અનિશ અશરફભાઇ લીંગડીયા (પીંજારા ઘાંચી) (ઉ.વ.૩૦)ને ઝડપી લઇ મેડિકલ પ્રેકટીશનર એકટ હેઠળ ડિગ્રી વગર દવાખાનુ ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા સબબ ઝડપી લેવાયો છે.

અનિશ લીંગડીયા નામના શખ્સે પોતાની પાસે કોઇપણ જાતની ડીગ્રી ન હોવા છતાં લોઠડા ગામે ભાડાના મકાનમાં દવાખાનુ ચાલુ કરી દીધાની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, એભલભાઇ બરાલીયા અને કોન્સ. તોરલબેન જોષીને મળતાં દરોડો પાડવામાં આવતાં કિલનીકમાંથી બાતમી મુજબનો શખ્સ મળી આવ્યો હતો. તેની પાસે ડોકટરની ડીગ્રી ન હોઇ છતાં તે દર્દીઓને તપાસ દવા આપતો હોવાનું જણાતાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે મેડિકલ પ્રેકટીશના સાધનો, જુદી જુદી કંપનીની દવાઓ મળી રૂ. ૭૦૭૫નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ઝડપાયેલો અનિશ અગાઉ ડો. હાપાણીની હોસ્પિટલમાં મેડિકલ વિભાગમાં કામ કરતો હોઇ ત્યાંથી ઘણો 'અનુભવ' મેળવ્યો હતો. આ અનુભવનો હવે રોકડી કરવામાં ઉપયોગ કર્યો હતો. લોઠડાના ભાયાસર રોડ પર દવાખાનુ ખોલી પ્રિસ્ક્રીપ્શન દિઠ રૂ. ૫૦ ફી લેતો હતો. આ શખ્સ ધોરણ ૧૨ કોમર્સ નાપાસ છે. કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરાશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં એએસઆઇ વિજયસિંહ એમ. ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, જે. પી. મેવાડા, કોન્સ. એભલભાઇ બરાલીયા, તોરલબેન જોષી સહિતે આ કામગીરી કરી હતી.

(4:09 pm IST)