Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ભાવનગરમાં રાવણનું મંદિર બનશે !

રવિભાઇએ ઘરમાં રાવણની મૂર્તિની સ્‍થાપના કરી : રાવણ દહન બંધ કરાવવા અભિયાન ચાલશે : તંત્ર સાધનાથી રાવણ સિદ્ધિ પ્રાપ્તિ માટે આયોજન

ઘરમાં રાવણની મૂર્તિ સ્થાપિત કરનાર રવિભાઇ અોઝા સાથે ભાવેશ વિસરિયા અને કશ્યપભાઇ ભટ્ટ નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. રપ :  ભાવનગરમાં લંકાપતિ રાવણનું શિખરબંધી મંદિર સ્‍થપાશે. આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાવનગરના રવિભાઇ ઓઝાએ આ જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે રાવણ મહાન શિવભકત હતા. આ ભૂદેવના જ્ઞાન અને સાધનાની તોલે કોઇ આવી ન શકે. રાવણે શિવતાંડવની રચના કરી હતી.

જેમના મૃત્‍યુ માટે ભગવાન રામે જન્‍મ લેવો પડયો હતો. રવિભાઇએ જણાવ્‍યું હતું કે, બહેનના અપમાનનો વળતો જવાબ દેવા સીતાજીને લઇ તો ગયા પણ સ્‍પર્શ નથી કર્યા એવાસ્ત્રીને માન આપનાર લંકાપતિ રાવણ હતા. વધુમાં તેઓ કહે છે કે મને સાધનાની અનુભૂતિ કહેતાં ખુબ જ આનંદ થાય છે કે મારી અઘોર સાધનાની પૂર્ણાહૂતિ થઇ ચૂકી છે. વૈરાગી મહાદેવની અસીમ કૃપાથી તાંત્રિક સાધના શરૂઆત કરવા જઇ રહ્યો છું. તંત્ર મંત્ર યંત્ર કરવા જઇ રહ્યો છું. તંત્ર મંત્ર યંત્ર તિલક દ્વારા તાંત્રિક વિધિ વિધાનથી મંત્રો દ્વારા અગિયાર લાખ (૧૧,૦૦,૦૦૦) આહુતિ લંકાપતિ રાજા રાવણની સિદ્ધિ પ્રાપ્તિ માટે કરવા જઇ રહ્યો છું. આવનાર સમયમાં લંકાપતિ રાજા રાવણનું દર વર્ષે દશેરાના દિવસે દહન થઇ રહ્યુ છે તે રાવણ દહન બંધ થશે એ મારી ભવિષ્‍ય વાણી છે અને આવનાર દિવસોમાં શિવ ભકત લંકાપતિ રાજા રાવણનું શિખરબંધ મંદિરની પ્રાણપ્રતિષ્‍ઠા સૌરાષ્‍ટ્રમાં થશે. રવિભાઇએ હાલ ઘરમાં રાવણની મૂર્તિની સ્‍થાપના કરી છે. ભવિષ્‍યમાં મંદિર બનશે. તેઓએ જણાવ્‍યું હતું કે, દશેરાએ રાવણના પૂતળાનું દહન ન થાય તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. રવિભાઇના ગુરૂ જૈન સાધુ છે. પત્રકાર પરિષદમાં ભાવેશ વિસરિયા અને કશ્‍યપભાઇ ભટ્ટ ઉપસ્‍થિત રહ્યા  હતા.

(4:13 pm IST)