Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

શહેરના જાહેરમાર્ગો પર થુંકનાર - ગંદકી કરનાર ૨૨૦ લોકો દંડાયા : ૪૬ હજારનો દંડ

સીસીટીવીમાં કેદ થતા મનપાના સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા ઇ-મેમો ફટકારાયો : સૌથી વધુ મવડી ચોકડીએ ૧૮૭ લોકો ઝડપાયા

રાજકોટ તા. ૨૫ : શહેરના વિવિધ વિસ્‍તારોમાં જાહેર રસ્‍તા પર થુંકનાર ૧૮૭ શખ્‍સો સીસીટીવી કેમેરામાં કેદ થતા મનપાએ રૂા. ૨૦૦ થી ૧૦૦૦ સુધીનો રૂા. ૪૬,૪૦૦નો દંડ ફટકાર્યો છે.

મનપાની સોલીડ વેસ્‍ટ ટીમ દ્વારા જાહેરમાં પાનની પિચકારી મારતા કે થુંકતા, કોગળા કરતા શખ્‍સો સામે ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં આશ્રમ રોડ, રામનાથપરા, જિલ્લા ગાર્ડન, કેકેવી ચોક, મવડી ચોકડી તથા ઉમીયા ચોક વિસ્‍તારના સીસીટીવી કેમેરામાં કેદ થતા ૨૨૦ લોકોને ઇ-મેમો પાઠવીને રૂા. ૪૬,૪૦૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે. જેમાં સૌથી વધુ મવડી ચોકડી પર ૧૬૭, પેડક રોડ પાણીના ઘોડે ૨૩, જામનગર ચોક - જિલ્લા ગાર્ડન ચોકમાં ૨ તથા એચ.જે.સ્‍ટીલ, ભકિતનગર સર્કલ, ફારૂકી મસ્‍જીદ, જંકશન તથા રૈયા ચોકડીએ આઇ-વે પ્રોજેકટ હેઠળના સીસીટીવી કેમેરામાં ૨૨૦ શખ્‍સો જાહેરમાં થુંકતા પકડાયેલા છે.

(3:58 pm IST)