Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કટોકટી સામે લોકશાહીની રક્ષા માટે ગુજરાતે મહત્‍વની ભૂમિકા નિભાવેલ

૪૭ વર્ષ પહેલા રપ જુનનો દિવસ લોકશાહીના ઇતિહાસનો કલંકિત દિવસ : રાજયમાંથી ૩૧૬પ કાર્યકરો લડતમાં જોડાયેલા : સંઘર્ષને વાગોળતા ગોવિંદભાઇ સહિતના આગેવાનો

કટોકટી દિન નિમિત્તે સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્‍ય  ગોવિંદભાઇ પટેલે પત્રકાર પરિષદ સંબોધેલ પ્રારંભે ભાજપના વિભાગીય પ્રવકતા રાજુ ધ્રુવએ પ્રાસંગિક વાત કરેલ. આ પ્રસંગે મેયર પ્રદીપ ડવ ઉપરાંત પાર્ટીના આગેવાનો મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, લાખાભાઇ સાગઠીયા, કમલેશ મિરાણી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કિશોર રાઠોડ હરેશ જોશી વગેરે ઉપસ્‍થિત છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. રપ :  ભાજપના ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલે આજે કટોકટી દિન નિમિત્તે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રારંભે પાર્ટીના પ્રવકતા રાજુ ધ્રુવએ પત્રકાર પરિષદની પ્રસ્‍તાવના રજુ કરી હતી.
ગોવિંદભાઇ પટેલએ જણાવેલ કે દેશની રાજનીતિમાં તા. રપ જુન ૧૯૭પ એ કલંકિત અને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તાત્‍કાલિન વડાપ્રધાન સ્‍વ. શ્રી ઇન્‍દિરા ગાંધીએ મંત્રી મંડળની પરવાનગી વગર તત્‍કાલિન રાષ્‍ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદ પાસે રાતોરાત અધ્‍યાદેશ પર હસ્‍તાક્ષર કરાવી દેશમાં કટોકટી જાહેર કરી હતી. આ કટોકટી અંતર્ગત આખાય દેશને એક જેલખાનુ બનાવી દેવામાં આવ્‍યો હતો. દેશનો કોઇ પ્રજાજન પોતાના વિચારો જાહેરમાં વ્‍યકત કરી શકતો નહોતો. અખબારો પર સેન્‍સરશીપ લગાવવામાં આવી હતી. સંસદસભ્‍યો તેમજ સંસદની કાર્યવાહી પર પણ સેન્‍સરશીપ લગાવી એક સરમુખત્‍યાર શાસનનો દેશમાં અમલ કરાયો હોત. આ સમયગાળામાં એક તરફ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ હતી અને બીજી તરફ અલ્‍હાબાદ હાઇકોર્ટ સ્‍વ. ઇન્‍દિરાજીની ચૂંટણીને રદ કરી દીધી હતી. આ સામે પ્રેર્યા હતા.
ધારાસભ્‍ય ગોવિંદભાઇને જણાવ્‍યું હતું કે દેશમાં કાર્યકર્તાઓએ કટોકટીના સમય દરમ્‍યાન ખુબ જ સહન કર્યુ હતું. આર્થિક સંકળામણનો ભોગ કાર્યકરના પરિવાર બન્‍યા હતા. કેટલાક સ્‍થાનો પર સામાજીક પ્રશ્નો પણ ઉભા થયા હતા. આ બધાંયની વચ્‍ચે ભૂગર્ભ પ્રવૃત્તિ દ્વારા દેશમાં કટોકટી સામે આંદોલન ચલાવવામાં આવ્‍યું હતું. દેશમાંથી કટોકટી દૂર થઇ અને પ્રજાતંત્રની જીત થઇ હતી. ભારતીય જનસંઘે કટોકટી સામે લોકતંત્રની રક્ષાનો લાંબો સંઘર્ષ કર્યો હતો.
ગુજરાતમાં લોકતંત્રની રક્ષાનું આંદોલન
ગુજરાત એ લોકશાહી મૂલ્‍યોની જાળવણી માટે, ધર્મની રક્ષા માટે તેમજ દેશને દિશા દર્શન કરવા માટે હંમેશા અગ્રેસર રાજય રહ્યું છે. ગુજરાતમાં ૧૯૭૪ ની સાલે વિદ્યાર્થી આગેવાનોએ ભ્રષ્‍ટાચાર સામે રણશિંગુ ફુંકયુ હતું. નવનિર્માણની સફળતા બાદ આ આંદોલનને સ્‍વ. જયપ્રકાશ નારાયણે બિહાર સહિત દેશભરમાં પ્રસરાવવા યુવાનોને અપીલ કરી હતી. વિદ્યાર્થીઓના આંદોલનને પરિણામે ગુજરાતમાં કોંગ્રેસ સરકારનું પતન થયુ અને સ્‍વ. શ્રી બાબુભાઇ જશભાઇ પટેલના નેતૃત્‍વમાં જનતા મોરચાની સરકાર બની હતી. ભારતીય જનસંઘ આ સરકારમા઼ ભાગીદાર બન્‍યો હતો. ગુજરાતમાં કોંગ્રેસ વિરોધની સરકાર હોઇ સ્‍વ. ઇન્‍દિરાજી દ્વારા લાદવામાં આવેલી કટોકટીની અસર પ્રારંભમાં ઓછી પ્રવર્તતી હતી.
ગુજરાત પ્રદેશ જનસંઘના સંગઠન મહામંત્રી સ્‍વ. શ્રી નાથાભાઇ ઝગડા અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભૂગર્ભમાં રહીને ગુજરાતમાં કટોકટી વિરૂદ્ધ જલદ આંદોલન ચલાવ્‍યું. કટોકટી સામે લોકતંત્રની રક્ષા માટે અને દેશમાં લોકશાહીના મૂલ્‍યોના જતન માટે આ બંને મહાનુભાવોએ વેશપલ્‍ટા કરીને પોલીસની નજરમાંથી બચતા રહીને બેઠકો, પત્રિકાઓ અને આયોજનનો હવાલો સંભાળી દેશમાંથી કટોકટીને હટાવવા માટે પરિશ્રમ કર્યો.
કટોકટી સામેના આંદોલનને રાષ્‍ટ્રીય સ્‍તર પર ફેલાવવા માટે ગુજરાતે અનેક ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરી હતી. લોકો સુધી સમાચાર પહોંચાડવા માટે જનતાનું છાપુ શરૂ કરવામાં આવ્‍યું હતું. અખિલ ભારતીય નાગરિક સ્‍વાતંત્ર્ય સંમેલન જેવા અનેક સંગઠનો દ્વારા લોકશાહીની રક્ષા માટે પ્રયત્‍ન થયા હતા. ગુજરાતમાં સ્‍વ. નાથાભાઇ ઝગડા, શ્રી નરેન્‍દ્રભાઇ મોદી, સ્‍વ. શ્રી ભાસ્‍કરભાઇ પંડયા, સ્‍વ. શ્રી વિદ્યાબેન ગજેન્‍દ્ર ગડકર, શ્રીમતી હેમાબેન આચાર્ય સહિતના કાર્યકરો ભૂગર્ભમાં રહી સફળતાપૂવૃક કટોકટી સામેની લડાઇ ચલાવી રહ્યા હતા. ગુજરાતે લોકશાહીની રક્ષાના આ આંદોલનમાં ખુબ જ મહત્‍વની ભૂમિકા નિભાવ હતી. અનેક યુકિત, પ્રયુકિત, પત્રિકાઓ અને વ્‍યૂહરચનાઓને પરિણામે લડાઇ સફળ રહી હતી. સ્‍વ. ઇન્‍દિરાજીએ કટોકટી ઉઠાવી લીધી હતી. લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. જનસંઘે દેશના હિતમાં પાર્ટીનું વિલીનીકરણ જનતા પાર્ટીમાં કર્યુ હતું. જનતા મોરચાની કેન્‍દ્રમાં સરકાર બની હતી. સ્‍વ. શ્રી મોરારજીભાઇ દેસાઇ વડાપ્રધાન બન્‍યા હતા અને શ્રી અટલબિહારી વાજપાયી વિદેશ પ્રધાન, શ્રી લાલકૃષ્‍ણ અડવાણીજી માહિતી પ્રસારણ પ્રધાન બન્‍યા હતા. દેશમાં લોકશાહીની પુનઃ સ્‍થાપના થઇ હતી. તેમ ગોવિંદભાઇએ જણાવ્‍યું હતું.

કાર્યકરો પ્રીતિ ભોજન રાખે તે સ્‍વભાવિક : કોઇ ખેંચતાણ નથી
ભાજપની આંતરિક સ્‍થિતિ બાબતે ગોવિંદભાઇનું નિવેદન
રાજકોટ, તા. રપ :  ભાજપના ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલે આજે પત્રકાર પરિષદમાં ભાજપના કેટલાક કાર્યકરોના ચૂંટણીલક્ષી ભોજન સમારંભો અંગેના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે ભાજપ ચૂંટણીલક્ષી પાર્ટી નથી. કાર્યકરો મળે અને ભેગા જમે તે સ્‍વાભાવિક છે. પ્રીતિ ભોજન કાર્યક્રમમાં કંઇ ખોટુ નથી. પાર્ટીમાં કોઇ ખેંચતાણ નથી. ભાજપના કાર્યકરો હંમેશા નેતૃત્‍વના નિર્ણયને સ્‍વીકારવામાં માને છે.

 

(3:48 pm IST)