Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કાળીપાટમાં રવિ અને સંજનાએ સજોડે ઝેર પીધું: સંજનાનો જીવ ગયો, એક તબક્કે લાશ સ્‍વીકારનો ઇન્‍કાર કરાયો

જીવતે જીવ એક નહિ થઇ શકાય તેમ લાગતાં ગામની સીમમાં પગલુ ભર્યુ:દિકરીના મોતથી કોળી પરિવારમાં ગમગીનીઃ પીઆઇ ચાવડાએ જ્‍યારે ફરિયાદ કરવી હોય ત્‍યારે થઇ શકે તેવી સમજ આપતાં પરિવારજનોએ મૃતદેહ સ્‍વીકાર્યોઃ રવિ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૫: તાલુકાના કાળીપાટ ગામે રહેતાં ૧૯ વર્ષના રવિ ધીરૂભાઇ મકવાણા (કોળી) અને આ ગામની જ સંજના મુન્‍નાભાઇ ભાલારા (કોળી) (ઉ.વ.૧૭) ગઇકાલે બપોરે એકાદ વાગ્‍યે ઘરેથી નીકળી ગયા બાદ ગામની સીમમાં નવા રોડ પર વીડીમાં સજોડે ઝેર પી લેતાં બંનેને રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સંજનાએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. રવિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. એક તબક્કે પરિવારજનોએ સંજનાનો મૃતદેહ સ્‍વીકારવાનો ઇન્‍કાર કરી દઇ જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી હતી.

રવિ અને સંજના બપોરે ઘરેથી નીકળી જતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ પત્તો મળ્‍યો નહોતો. દરમિયાન સાંજે રવિએ મિત્રને ફોન કરી ઝેર પી લીધાની અને ગામની સીમમાં હોવાની વાત કરતાં પરિવારજનો દોડી ગયા હતાં અને બંનેને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ સંજનાએ દમ તોડી દીધો  હતો. આજીડેમ પોલીસને જાણ થતાં પીએસઆઇ આર. વી. કડછા સહિતના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ સંજના અને રવિ વચ્‍ચે કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. બંનેને પરિવારજનો એક નહિ થવા દે તેમ લાગતાં ગઇકાલે મરી જવાનું નક્કી કરે ઘરેથી નીકળી ગયા બાદ ઝેર પી લીધું હતું. સંજનાએ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી. સારવાર હેઠળ રહેલો રવિ  બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો છે અને કારખાનામાં કામ કરે છે.

આ બનાવમાં મૃત્‍યુ પામનાર સંજનાના પરિવારજનોએજવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી અને મૃતદેહ સ્‍વીકારવાનો ઇન્‍કાર કર્યો હતો.  સંજનાના પિતાએ જણાવ્‍યું હતું કે અમારી દિકરી દવા પી ગઇ પછી તેને રાજકોટ હોસ્‍પિટલે કોણ લાવ્‍યું હતું? અહિ હોસ્‍પિટલમાં અમારી દિકરી રવિની પત્‍નિ છે તેવી ઓળખ કોણે આપી હતી? આ તમામ મુદ્દે જવાબદારો સામે કાર્યવાહી કરવા અમારી માંગણી છે.  આજીડેમ પીઆઇ વી. જે. ચાવડાએ મૃતક દિકરીના સ્‍વજનોને સમજાવ્‍યા હતાં અને જ્‍યારે પણ ફરિયાદ કરવી હોય ત્‍યારે થઇ શકે તેવી સમજ આપતાં સ્‍વજનોએ મૃતદેહ સ્‍વીકાર્યો હતો.

(3:47 pm IST)